અંબાજીઃ બે બાઈક સામ-સામે ટકરાઈ, 3 યુવાનોના ઘટનાસ્થળે જ કરુણ મોત | બનાસકાંઠા
Last Updated:
દાંતા તાલુકાના નવાવાસથી જીતપુર રોડ પર બે બાઈક વચ્ચે ભયાનક અકસ્માતમાં ત્રણ યુવાનોનું ઘટનાસ્થળે મોત, અડેરણ વિસ્તારમાં અરેરાટી
દાંતા: બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. દાંતાના નવાવાસથી જીતપુર રોડ વચ્ચે બે મોટરસાયકલ સામસામે ધડાકાભેર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બંને બાઈકોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
મળતી માહિતી મુજબ, દાંતા તાલુકાના અડેરણ ગામ નજીક નવાવાસથી જીતપુરને જોડતા માર્ગ પર બે પૂરપાટ ઝડપે આવતી બાઈકો સામસામે ટકરાઈ હતી. ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. માર્ગ પર લોહીલુહાણ હાલતમાં પડેલા ત્રણ યુવાનોએ ગંભીર ઈજાઓના કારણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો.
અકસ્માતને પગલે અડેરણ અને આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. જોતજોતામાં આ સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ઘટનાની જાણ થતા જ દાંતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો સંભાળી પંચનામું કરવાની તજવીજ હાથ ધરી હતી. મૃતકોને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી છે.
અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવકો કોણ છે અને તેઓ ક્યાંના રહેવાસી છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. બાઈકના નંબરના આધારે તેમના પરિવારજનોનો સંપર્ક કરવાના પ્રયાસો ચાલુ છે. એકસાથે ત્રણ યુવાનોના મોતથી અનેક પરિવારો પર આભ તૂટી પડ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ ઓવરસ્પીડ અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું મનાઈ રહ્યું છે.
Banaskantha,Gujarat
