અજિત પવારનું પ્લેન બોમ્બની જેમ કેમ ફાટ્યું?:ભત્રીજા રોહિત પવારને પ્લેન ક્રેશમાં ગરબડની આશંકા, કાલે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ઘટસ્ફોટ કરશે




અજિત પવારનું પ્લેન જે રીતે ક્રેશ થયું તે જોતાં અનેક સવાલો તેના સમર્થકોમાં ઉઠી રહ્યા છે. અજિત પવારના ભત્રીજા અને NCP નેતા રોહિત પવારે અગાઉ પણ શંકા વ્યક્ત કરી હતી કે તેમને આ ઘટનામાં કાંઈક ગરબડ લાગે છે. તો મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ કહી ચૂક્યા છે કે આ ઘટનાની ઊંડી તપાસ થવી જોઈએ. આ દરમિયાન રોહિત પવારે કહ્યું કે, તે અજિત પવારના નિધનના 12 દિવસ પૂરા થઈ જાય પછી 10 ફેબ્રુઆરીએ મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રેઝન્ટેશન બતાવશે અને પ્લેન ક્રેશ અંગે સવાલો ઉઠાવશે અને કેટલીક અજાણી વાતો પણ મીડિયા સામે મૂકશે. રોહિત પવારે શું કહ્યું?
મહારાષ્ટ્રમાં હમણાં જ 12 જિલ્લા પરિષદો અને 125પંચાયત સમિતિઓની ચૂંટણી યોજાઈ હતી. શરૂઆતમાં 5ફેબ્રુઆરીએ મતદાન થવાનું હતું, પરંતુ 28 જાન્યુઆરીએ વિમાન દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું અવસાન અને ત્યારબાદ ત્રણ દિવસના રાજ્ય શોકની જાહેરાતને કારણે મતદાન મુલતવી રાખવામાં આવ્યું હતું. અજિત પવારના ભત્રીજા અને NCP નેતા રોહિત પવારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, “દરેકના મનમાં પ્લેન ક્રેશ અંગે પ્રશ્નો અને શંકાઓ છે. હું 10 ફેબ્રુઆરીએ મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સમાં પ્રેઝન્ટેશન આપીશ. અકસ્માત કેમ થયો અને કેવી રીતે થયો હશે તે સંબંધિત મુદ્દાઓ 10 ફેબ્રુઆરીએ ઉઠાવવામાં આવશે.”
દરમિયાન રોહિત પવારને એક પત્રકારે પૂછ્યું કે, NCPના લોકસભાના સાંસદ બજરંગ સોનવણેએ એવો આરોપ લગાવ્યો છે કે અજિત દાદાના વિમાનમાં બોમ્બ મૂકવામાં આવ્યો હતો. તમારું આ બાબતે શું કહેવું છે? તેના જવાબમાં અજિત પવારના ભત્રિજા રોહિત પવારે કહ્યું કે, પ્લેનમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોય તેવું તો નથી લાગતું પણ કાંઈક ગરબડ ચોક્કસ કરવામાં આવી છે જેના કારણે પ્લેનમાં બોમ્બ જેવો બ્લાસ્ટ થયો. બાકી આવું થાય નહીં? સ્થાનિક ચૂંટણીઓમાં બંને NCPએ હાથ મિલાવ્યા હતા
શરદ પવારની NCP અને અજિત પવારની NCP બંને આમ તો અલગ અલગ છે અને ભાગલા પડી ગયા છે પણ મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીઓમાં શરદ પવાર અને અજિત પવારે હાથ મિલાવી એકસાથે ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. અહિલ્યાનગર જિલ્લાના કર્જત-જામખેડ વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા રોહિત પવારે કહ્યું કે અજિત પવાર હંમેશા પાર્ટીના કાર્યકરો માટે એક્ટિવ રહેતા હતા અને ઇચ્છતા હતા કે તેમની વિચારધારા ધરાવતા લોકો ચૂંટાય. નગર નિગમની ચૂંટણીઓમાં અજિત દાદાની ખોટ પડી રહી છે. જો આજે હયાત હોત તો ગામે ગામ ખૂંદી વળ્યા હોત અને કાર્યકરોમાં પ્રાણ ફૂંક્યા હોત. બંને NCPના મર્જ પાછળની કહાની 12 ફેબ્રુઆરીએ કહેશે
રોહિત પવારે અજિત દાદાની ઇચ્છા જણાવી. તેમણે કહ્યું કે અજિત દાદાની ઈચ્છા હતી કે બંને NCP સાથે આવે. બધા એક પરિવાર તરીકે ભેગા થાય, અને આજે બધા એક થયા છે. દાદાએ પ્રયાસો કર્યા. અમે આમ કરતા રહીશું. પરિવાર હજુ પણ એક છે. તેમણે કહ્યું કે તેઓ 12 ફેબ્રુઆરીએ વિલીનીકરણ પાછળનો હેતુ સમજાવશે. તેમને પત્રકારોએ પૂછ્યું કે, “બંને NCPનું મર્જર શા માટે અને કોના માટે થવાનું હતું? અજિત દાદાનો વાસ્તવિક હેતુ શું હતો? શું તેમાં કોઈ રાજકીય કે ભાવનાત્મક પરિમાણ હતું? તેના જવાબમાં રોહિત પવારે કહ્યું, હું 12 ફેબ્રુઆરીએ બધું કહીશ. ઘણા નેતાઓ પ્લેન દુર્ઘટના અંગે શંકા વ્યક્ત કરી ચૂક્યા છે
અજિત પવારના મૃત્યુ અંગે રોહિત પવારના નિવેદન વિશે મીડિયાએ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) ના સાંસદ સંજય રાઉતને પૂછ્યું હતું. તેમણે કહ્યું કે NCP ધારાસભ્ય અને અજિત પવારના નજીકના સહયોગી અમોલ મિતકારી, NCP નેતા અને મંત્રી છગન ભુજબળ અને NCPના સાંસદ બજરંગ સોનાવણેએ પણ અકસ્માત અંગે શંકા વ્યક્ત કરી છે. રાઉતે કહ્યું કે શંકાઓને દૂર કરવાને બદલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સલાહ આપી રહ્યા છે કે આ મુદ્દા પર કોઈ રાજકારણ ન થવું જોઈએ. રાઉતે પ્રશ્ન કર્યો કે ફડણવીસ બધાને કેમ ધમકી આપી રહ્યા છે. અજિત દાદાના પ્લેન ક્રેશની ઘટનામાં નક્કી કાંઈક કાચું કપાયું છે. અજિત પવારના પ્લેન ક્રેશની ઘટના શું હતી?
મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણીઓનું મતદાન થવાનું હતું અને તેના માટે પોતાના વિધાનસભા ક્ષેત્ર બારામતી ખાતે પ્રચાર સભા કરવા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, તેના સેક્રેટરી, ફ્લાઈટ એટેન્ડેન્ટ અને બે પાયલટ મળીને પાંચ વ્યક્તિ ખાનગી વિમાનમાં 28 જાન્યુઆરીએ સવારે 8 વાગ્યા આસપાસ મુંબઈથી નીકળ્યા. પોણા નવ આસપાસ પ્લેન બારામતી એરપોર્ટના રન-વે પહેલાં જ ક્રેશ થઈ ગયું. તમામ પાંચેયના મોત થઈ ગયાં હતાં. આ ઘટનાએ દેશને હચમચાવી દીધો હતો અને ખાસ તો મહારાષ્ટ્રના રાજકારણની ધરી બદલી નાખી હતી. જ્યારે આ ઘટના બની ત્યારે જ NCPના મોટા ભાગના સમર્થકો આને ષડયંત્રની નજરથી જ જોતા હતા. હવે અજિત પવારનો ભત્રીજો રોહિત શું ઘટસ્ફોટ કરે છે તે જોવાનું રહ્યું.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *