અમદાવાદ: સેવેન્થ ડે અને નેશનલ સ્કૂલ બાદ હવે દુર્ગા વિદ્યાલયની ઘટનાથી ખળભળાટ! તંત્રના તપાસના આદેશ પણ લોકોમાં રોષ- student spilled suspicious pill in classmate water bottle at Durga Vidyalaya in Maninagar Ahmedabad | અમદાવાદ


Last Updated:

અમદાવાદ મણિનગરની દુર્ગા વિદ્યાલયમાં વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીની પાણીની બોટલમાં દવાની ગોળી નાખી હોવાની ગંભીર ઘટના સામે આવી છે. જે મામલે તંત્રએ શાળાને10 હજાર દંડ ફટકારાયો છે અને આ મામલે શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્ન વાજાનું નિદેવન સામે આવ્યું છે.

તંત્રના તપાસના આદેશ પણ લોકોમાં રોષ
તંત્રના તપાસના આદેશ પણ લોકોમાં રોષ

અમદાવાદ: શહેરના મણિનગર વિસ્તારમાં આવેલ સેવનથ ડે સ્કૂલની ઘટના થોડા મહિના અગાઉ આખા ગુજરાત રાજ્યના શિક્ષણ જગતને ભારે હચમચાવી નાખ્યું હતું, ત્યારે આવી એક ગંભીર ઘટના હાલ ફરી એકવાર અમદાવાદના મણિનગર વિસ્તારમાં જ આવેલ એક સ્કૂલમાંથી સામે આવી છે. જ્યાં એક વિદ્યાર્થીએ અન્ય સહવિદ્યાર્થીની પાણીની બોટલમાં શંકાસ્પદ દવાની ગોળી ભેળવી દીધી હતી, જોકે આ પાણી પીધા બાદ વિદ્યાર્થીની તબિયત લથડતા આ મામલો પ્રકાશમાં આવ્યો છે, ત્યારે આ ગંભીર ઘટનાની શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ પણ હાલ નોંધ લીધી છે.

વિગતે વાત કરીએ તો, અમદાવાદની શાળાઓમાં એક પછી એક બનતી ગંભીર ઘટનાઓને પગલે શિક્ષણ તંત્ર દોડતું થઈ ગયું છે. થોડા મહિનાઓ પહેલા મણિનગરની સેવન્થ ડે સ્કૂલ અને ત્યાર બાદ નેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના બાદ હવે મણિનગરમાં આવેલ દુર્ગા સ્કૂલની ઘટનાએ પણ સૌને ચોંકાવી દીધા છે. મળતી માહિતી મુજબ, દુર્ગા સ્કૂલમાં એક વિદ્યાર્થીની પાણીની બોટલમાં અન્ય વિદ્યાર્થી દ્વારા દવાની ગોળી નાખી દીધી હતી. જે મામલે પીડિત વિદ્યાર્થીએ પોતાની પાણીની બોટલમાંથી પાણી પીધા બાદ તેને અસ્વસ્થતા અનુભવતા આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતા જ દુર્ગા સ્કૂલના સંચાલકોએ તાત્કાલિક રીતે પીડિત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો અને તેની ઊંડાણપૂર્વક મેડિકલ તપાસ કરાઈ હતી, જે બાદની સારવાર બાદ પીડિત વિદ્યાર્થીની હાલત હાલ સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે. જોકે ઘટના સામે આવતા રાજ્યભરમાં ચિંતા ફેલાઈ છે, ત્યારે બનાવની ગંભીરતાથી શિક્ષણ વિભાગ પણ તાત્કાલિક હરકતમાં આવ્યું છે અને જિલ્લા શિક્ષણાધિકારી સહિત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્ન વાજાએ સમગ્ર મામલે શૈક્ષણિક તપાસના આદેશ આપ્યા છે.

સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરાયેલી તપાસમાં દુર્ગા સ્કૂલની ઘટના ભલે પેલી મારામારીની ઘટનાઓથી અલગ છે પરંતુ ગંભીર ચોક્કસથી છે. આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું છે કે, અગાઉ સેવનથ ડે સ્કૂલ બહાર વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ શાળાઓને જરૂરી સૂચનાઓ આપેલી જ છે. આ ઘટના બાદ બાળકોની સ્કૂલ બેગ તપાસવા સૂચનાઓ શાળાના સંચાલકોને આપી જ છે. આ સાથે જ શાળાઓએ શિસ્ત સમિતિની રચના કરવા પણ સૂચના આપી છે. આટલું જ નહીં શાળાએ અભ્યાસ માટે આવતા બાળકો માટે એક કાઉન્સિલર નિમવા સૂચના આપી છે, છતાં આ દુર્ગા વિદ્યાલયમાં આવી ઘટના બની એ શાળાની ગંભીર બેદરકારી દર્શાવે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, દુર્ગા સ્કૂલમાં બનેલી ઘટના વિદ્યાર્થીઓ વચ્ચે મજાક મજાકમાં બનેલી ઘટના છે, પરંતુ વિદ્યાર્થીઓએ કરેલી આ મજાક ખૂબ ભારે પડી શકે છે. આટલું જ નહીં દુર્ગા વિદ્યાલયમાં બનેલી આ ઘટના શાળાએ છુપાવી હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. દુર્ગા સ્કૂલે આ ઘટના ગત 28 તારીખે બની હતી. જ્યારે શાળાએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીને જાણ કરી ન હતી. જેની કારણ દર્શક નોટિસ પણ શાળાને અપાઈ છે અને 10 હજારનો દંડ ફટકારી શાળાને તાત્કાલિક ખુલાસો કરવા જણાવાયું છે.

જ્યારે આ મુદ્દે શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્ન વાજાએ જણાવ્યું હતું કે, “પાણીની બોટલમાં અન્ય વિદ્યાર્થીએ ગોળી નાખી હતી. બાળકની મેડિકલ તપાસ કરાવવામાં આવી છે અને રિપોર્ટ મુજબ વિદ્યાર્થી સંપૂર્ણ સ્વસ્થ છે. સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.” વધુમાં શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આવી ઘટનાઓ ફરી ન બને તે માટે શાળા સંચાલન, શિક્ષકો અને વાલીઓની જવાબદારી નક્કી કરવામાં આવશે. તપાસ દરમિયાન જો કોઈ બેદરકારી સામે આવશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવું મંત્રી પ્રદ્યુમ્ન વાજાએ જણાવ્યું હતું.

નોંધનીય છે કે, અમદાવાદની શાળાઓમાં એક પછી એક બનતી ગંભીર ઘટનાઓને પગલે શિક્ષણ તંત્ર દોડતું થઈ ગયું છે. પહેલા સેવનથ ડે સ્કૂલ અને બાદમાં નેશનલ સ્કૂલ અને હાલ દુર્ગા વિદ્યાલયમાં બનેલી આ ગંભીર ઘટનાની નોંધ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાલ લઈ રહ્યા છે. ત્યારે મહત્વનું છે કે, વધતા જતા મોબાઈલના વળગણ અને સોશિયલ મીડિયાના ઉપયોગને કારણે આજની જનરેશન ગેરમાર્ગે જઈ રહી છે, જેથી તેઓને યોગ્ય દિશામાં વાળવાનો અને તેઓનું કાઉન્સિલિંગ કરવાનો સમય પાકી ગયો હોય તેવું જણાઈ રહ્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *