આગામી સમયમાં ઘઉં, જીરું, ચણાના ભાવ વધશે – Wheat, Cumin, Gram Prices Will Increase In The Coming Time | રાજકોટ
ગયા વર્ષે રાજ્યભરમાં શિયાળુ પાકનું વાવેતર મોટા પ્રમાણમાં થયું હતું. ખાસ કરીને જીરું, ઘઉં અને ચણાના પાકમાં મબલક ઉત્પાદન થતાં બજારમાં પૂરવઠો વધ્યો હતો. પરિણામે ભાવમાં ભારે ઉતાર-ચડાવ જોવા મળ્યો હતો. જીરુંનો ભાવ 3,300થી 4,500 રૂપિયા સુધી રહ્યો હતો, જ્યારે ઘઉંના ભાવ 450 થી 600 રૂપિયા અને ચણાના ભાવ 750 થી 1,000 રૂપિયા સુધી નોંધાયા હતા. ઉત્પાદન વધારે હોવાથી બજારમાં સ્પર્ધા વધી અને ભાવ પર દબાણ આવ્યું હતું. આ સ્થિતિમાં કેટલાક ખેડૂતોને લાભ મળ્યો હતો તો કેટલાકને અપેક્ષિત ભાવ ન મળતાં નુકસાન પણ સહન કરવું પડ્યું હતું.
આ વર્ષે પરિસ્થિતિ થોડીઘણી અલગ જોવા મળી રહી છે. હાલ રાજ્યની વિવિધ એપીએમસીમાં જીરુંનો ભાવ સરેરાશ 3,800 થી 4,200 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે. ઘઉંના ભાવ 500 થી 600 રૂપિયા વચ્ચે નોંધાઈ રહ્યા છે, જ્યારે ચણાના ભાવ 800 રૂપિયા થી 1,040 રૂપિયા સુધી પહોંચ્યા છે. ભાવમાં હાલ તો સ્થિરતા જોવા મળે છે, પરંતુ ઉત્પાદન પર હવામાનની અસર થતી હોવાને કારણે આગામી દિવસોમાં જો બજારમાં અનિશ્ચિતતા જોવા મળે તો ભાવ વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ખાસ કરીને શિયાળાની શરૂઆતમાં પડેલા માવઠા અને કમોસમી વરસાદે અનેક વિસ્તારોમાં પાકને નુકસાન પહોંચાડ્યું હતું. એટલું જ નહીં શિયાળુ પાકનું વાવેતર પણ મોડું થયું હતું. તેની સાથે જ અઠવાડિયા દસ દિવસ પહેલા ગુજરાતના કેટલાક જિલ્લામાં પડેલા કમોસમી વરસાદના ઝાપટાને લઈને પાકને નુકસાન થયાના સંકેતો મળી રહ્યા છે. શરૂઆતના તબક્કામાં થયેલા વરસાદના કારણે પાકની વૃદ્ધિ, ઉપજ અને ગુણવત્તા પર અસર પડી હોવાની શક્યતા છે. બજાર સંચાલકોનું માનવું છે કે જો હવામાન વધુ પ્રતિકૂળ રહેશે તો ઉત્પાદન ઘટી શકે છે, જેનો સીધો પ્રભાવ બજારમાં આવક અને ભાવ પર પડશે.
રાજ્યની અનેક એપીએમસીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળુ પાકની આવક શરૂ થતા યાર્ડમાં રોનક જોવા મળી રહી છે. ખેડૂતો મોટી સંખ્યામાં પોતાની ઉપજ લઈને માર્કેટ યાર્ડમાં પહોંચે છે, જેના કારણે વેપાર ધમધમતો રહે છે. પરંતુ આ વર્ષે વેપારીઓ અને ખેડૂતો બંને સાવચેત દેખાઈ રહ્યા છે. કારણ કે ગયા વર્ષની જેમ વધુ ઉત્પાદન થાય કે આ વર્ષે ઉત્પાદન ઘટે, બંને સ્થિતિમાં ભાવની દિશા અલગ હોઈ શકે છે.

રાજકોટ માર્કેટ યાર્ડના ડિરેક્ટર અતુલભાઈ કમાણીએ જણાવ્યું હતું કે, ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ખાસ કરીને જીરુંના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. કેટલાક અંદાજ મુજબ જીરુંનું ઉત્પાદન અડધું થઈ શકે છે. જો આ અંદાજ સાચા સાબિત થાય તો આવનારા સમયમાં જીરુંના ભાવમાં વધારો થવાની સંભાવના છે. સાથે સાથે ઘઉં અને ચણાના ઉત્પાદનમાં પણ થોડો ઘટાડો જોવા મળી શકે છે, જેના કારણે આ પાકોના ભાવમાં પણ તેજી આવી શકે છે.
અમરેલી, રાજકોટ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા સહિતના જિલ્લાઓમાં શિયાળુ પાકનું વાવેતર મોટાપાયે થયું છે. ખાસ કરીને ઘઉં અને ચણાના પાક અંગે ખેડૂતોમાં આશા છે કે નવી આવક શરૂ થતાની સાથે જ ગુણવત્તા મુજબ સારા ભાવ મળશે. આગામી 15 થી 20 દિવસમાં નવી આવક વધશે અને તે સમયે ઘઉંના ભાવમાં રૂપિયા 50થી 100 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. એ જ રીતે ચણાના ભાવ 1,100થી 1,400 રૂપિયા સુધી પહોંચવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમરેલી માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી મુકેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ચાલુ સીઝનમાં અમરેલી જિલ્લામાં ઘઉં ચણાનું વાવેતર સારું થયું છે. તેની સાથે સાથે તલ અને જીરુંનું પણ વાવેતર સારું થયું છે. અમરેલી જિલ્લામાં ઘઉં ટુકડાનો ભાવ દરેક માર્કેટિંગ યાર્ડમાં સરેરાશ 500 રૂપિયાથી 570 સુધી બોલાઈ રહ્યો છે. માર્કેટિંગ યાર્ડમાં જીરુંનો ભાવ 3800 થી 4200 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે. સાથે જ માર્કેટિંગ યાર્ડમાં ચણાનો ભાવ 1042 રૂપિયા સુધી ઊંચામાં ઊંચો બોલાયો છે.
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સદગુરુ ટ્રેડિંગના તરુણભાઈ પટેલે જણાવ્યું હતું કે, હું ઘઉં અને ચણાની ખરીદી કરું છું. નવી સિઝન શરૂ થવાની તૈયારી છે અને છેલ્લા ત્રણ મહિનામાં એવરેજ ભાવ રહ્યા છે. પરંતુ ઘઉં અને ચણાના ભાવ વધવાની શક્યતા છે. ઘઉંનો ભાવ 650 રૂપિયા સુધી પહોંચવાની શક્યતા છે, જ્યારે જીરુંનો ભાવ 4,500 રૂપિયા સુધી પહોંચવાની શક્યતા છે અને ચણાનો ભાવ 1,200 થી 1,400 રૂપિયા સુધી ઊંચો બોલાવવાની શક્યતા રહેશે. એકંદરે નવી સિઝનની નવી આવક શરૂ થાય ત્યારે ભાવ વધવાની શક્યતા 100 ટકા રહે છે.
નવી સિઝનની શરૂઆતમાં સામાન્ય રીતે ભાવમાં થોડી તેજી જોવા મળે છે. જો ઉત્પાદન અપેક્ષા કરતા ઓછું રહેશે તો ભાવમાં વધારો થવાની શક્યતા વધુ મજબૂત બનશે. જીરુંના ભાવ પણ આવનારા સમયમાં 4,500 રૂપિયા સુધી પહોંચે તેવી શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. એકંદરે જોવામાં આવે તો ગુજરાતની એપીએમસીમાં શિયાળુ પાકની આવક અને ભાવ પર હવામાનનો મોટો પ્રભાવ જોવા મળી રહ્યો છે. ઉત્પાદન ઓછું રહેશે તો ભાવમાં વધારો થશે, પરંતુ ખેડૂતોની કુલ આવક પર તેની શું અસર પડશે તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે. આવકના આંકડા, ગુણવત્તા અને બજારની માંગ-પુરવઠાની સ્થિતિ આગામી દિવસોમાં શિયાળુ પાકના વેપાર માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ખેડૂતો, વેપારીઓ અને બજાર સંચાલકો સૌ કોઈની નજર હવે હવામાન અને બજારની ચાલ પર ટકી રહી છે.