આવકના પ્રમાણપત્ર માટે નવી ડિજિટલ વ્યવસ્થા અમલમાં, જાણો હવે કઈ રીતે મળશે- Gujarat government implements new digital system for income certificate know how to get it now | ગાંધીનગર
Last Updated:
ગુજરાત સરકારે આવકના પ્રમાણપત્ર માટે નવી ડિજિટલ વ્યવસ્થા અમલમાં મૂકી છે. હવે નાગરિકો ‘ડિજિટલ ગુજરાત’ પોર્ટલ અને ગ્રામ્ય વિસ્તારોમાં ઈ-ગ્રામ કેન્દ્રો દ્વારા ઓનલાઇન અરજી કરી શકશે. શહેરી વિસ્તારોમાં મામલતદાર અને ગ્રામ્યમાં તાલુકા વિકાસ અધિકારી પ્રમાણપત્ર આપશે.
ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા આવકના પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયામાં મોટો ફેરફાર કરતા નવી ડિજિટલ વ્યવસ્થા અમલમાં મૂકવાનો ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે. નાગરિકોને બિનજરૂરી હાલાકીમાંથી મુક્તિ મળે અને વહીવટી બોજો ઘટે તે હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સરકારના ઠરાવમાં જણાવાયું છે. સાથે જ શહેરી વિસ્તારોમાં મામલતદાર અને ગ્રામ્ય વિસ્તારોમાં તાલુકા વિકાસ અધિકારી સક્ષમ અધિકારી આવકનું પ્રમાણપત્ર આપી શકશે તેવો નિર્ણય લેવાયો છે.
અત્યાર સુધી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગોને આવકના પ્રમાણપત્ર આપવા માટે અલગ અલગ સત્તાધિકારીઓ નક્કી કરવામાં આવ્યા હતા. હવે આ અગાઉની સૂચનાઓ રદ કરી નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. નવા ઠરાવ મુજબ શહેરી વિસ્તારોમાં આવકનું પ્રમાણપત્ર આપવાની સત્તા મામલતદારને આપવામાં આવી છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં તાલુકા વિકાસ અધિકારી સક્ષમ અધિકારી રહેશે.
આવકનું પ્રમાણપત્ર જે નાણાકીય વર્ષમાં ઇશ્યુ થાય તે વર્ષ સહિત ત્રણ નાણાકીય વર્ષ સુધી માન્ય રહેશે. જોકે આ સમયગાળા દરમિયાન અરજદાર કે તેના કુટુંબની આવકમાં કોઈ ફેરફાર થાય તો તેની જાણ સંબંધિત સક્ષમ અધિકારીને કરવાની સંપૂર્ણ જવાબદારી અરજદારની રહેશે. ઉપરાંત, પ્રમાણપત્રમાં માન્યતા કઈ તારીખ સુધી રહેશે તેનો સ્પષ્ટ ઉલ્લેખ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં કરવો ફરજિયાત બનાવાયો છે.
સરકારએ આવકના પ્રમાણપત્ર મેળવવાની સમગ્ર પ્રક્રિયાને ડિજિટાઈઝ કરવાનો પણ નિર્ણય લીધો છે. અગાઉ અરજદારે ફોટો સાથેનું પ્રમાણપત્ર મેળવવા રૂબરૂ હાજર રહેવું પડતું હતું, તેમજ સ્વકબૂલાતનામું અને તલાટી સમક્ષ હાજરી આપવાની જોગવાઈ હતી. હવે આ પ્રક્રિયા સરળ બનાવી અરજી અને પ્રમાણપત્રના જુના નમૂનાઓ રદ કરવામાં આવ્યા છે. તેના સ્થાને નવી અરજી પદ્ધતિ અમલમાં મૂકાશે.
હવે અરજદારે આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે ‘ડિજિટલ ગુજરાત’ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી સાથે સ્વ-ઘોષણા (Self Declaration) રજૂ કરવાની રહેશે, જે માટે અલગ નમૂનો નક્કી કરવામાં આવ્યો છે. આવકના પ્રમાણપત્રનો નવો ફોર્મેટ પણ નિર્ધારિત કરવામાં આવ્યો છે. જ્યારે ગ્રામ કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો મારફતે આવકના પ્રમાણપત્ર અંગે અગાઉ જાહેર કરાયેલ માર્ગદર્શિકા યથાવત રહેશે. એટલે કે ગામડાંમાં નાગરિકો ઈ-ગ્રામ કેન્દ્રો દ્વારા પણ અરજી કરી શકશે.
વધુમાં ઠરાવમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જો કોઈ અરજદાર ખોટી વિગતો સાથે સ્વ-ઘોષણા રજૂ કરે તો તેની તમામ કાયદાકીય જવાબદારી અરજદારની જ રહેશે. તેમજ ડિજિટલ ઈ-સીલ અને Single Sign-On (SSO) દ્વારા ઓથોરાઈઝ થયેલા અધિકારીના નામ અને હોદ્દા સાથે જ પ્રમાણપત્ર જારી કરવાનું રહેશે.
Gandhinagar,Gujarat
