ઈલેક્ટ્રીક પિચકારી અને હર્બલ કલરની ખરીદી – Purchase of electric syringe and herbal color | રાજકોટ
Last Updated:
હોળી અને ધૂળેટીનો તહેવાર નજીક આવતા જ રાજકોટના બજારો રંગીન બની ગયા છે. ખાસ કરીને સદર બજારમાં પિચકારી અને રંગોના સ્ટોલ્સથી ચહલપહલ વધી ગઈ છે. આ વર્ષે ઇલેક્ટ્રિક પિચકારી, મલ્ટી ફુવારાવાળી ગન અને હર્બલ રંગોની નવી નવી વેરાયટીએ બાળકો અને યુવાનોને આકર્ષ્યા છે. વેપારીઓને પણ આ વર્ષે હોલસેલ અને રિટેઇલ બંનેમાં સારી ઘરાકી રહેવાની આશા છે.
રાજકોટ: હોળી અને ધૂળેટીનો તહેવાર હવે ગણતરીના દિવસોમાં આવી પહોંચ્યો છે. રંગો, આનંદ અને ઉમંગનો આ તહેવાર આવતાં જ રાજકોટના બજારોમાં રંગીન માહોલ છવાઈ ગયો છે. ખાસ કરીને સદર બજારમાં પિચકારી અને રંગોના સ્ટોલ્સથી બજાર જીવંત બની ગયું છે. આ વર્ષે વેપારીઓમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે હોલસેલ ખરીદી સારી એવી થઈ રહી છે અને રિટેઇલ ઘરાકી પણ સારી રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજકોટના વેપારી મહેન્દ્રભાઈ જણાવે છે કે આ વર્ષે શરૂઆતથી જ હોલસેલમાં સારો પ્રતિસાદ મળ્યો છે. ગયા વર્ષની સરખામણીએ આ વખતે વધુ નવી વેરાયટીઓ માર્કેટમાં આવી છે. ખાસ કરીને ગનમાં આ વર્ષે ઇલેક્ટ્રિક ગનની 10થી 15 જેટલી નવી ડિઝાઈન ઉપલબ્ધ છે. બાળકોમાં ઇલેક્ટ્રિક ગન પ્રત્યે ખાસ ક્રેઝ જોવા મળી રહ્યો છે. લાઇટ અને સાઉન્ડ સાથે આવતી ગન બાળકો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની છે.
ફુવારાવાળી પિચકારીઓમાં પણ આ વર્ષે વિશાળ રેન્જ આવી છે. 4 ફુવારાથી લઈને 150 ફુવારા સુધી પાણી છોડતી પિચકારીઓ માર્કેટમાં ઉપલબ્ધ છે. નાના બાળકો માટે સરળ પંપવાળી પિચકારીથી લઈને મોટા ટેન્કવાળી હાઈ પ્રેશર ગન સુધી વિવિધ વિકલ્પો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ટેન્ક સાથે આવતી પિચકારીમાં પણ અનેક નવી ડિઝાઈન અને કલર કોમ્બિનેશન આવ્યા છે, જે યુવાનોમાં વધુ લોકપ્રિય બની રહ્યા છે.

વેપારીઓ મુજબ, રાજકોટમાં આવતી મોટાભાગની પિચકારીઓ દિલ્હીમાંથી મંગાવવામાં આવે છે. દિલ્હી માર્કેટમાં નવી ડિઝાઈન અને મોડલ્સ ઝડપથી ઉપલબ્ધ થતાં હોવાના કારણે અહીંના વેપારીઓ પણ ત્યાંથી જ માલ મંગાવે છે. આ વર્ષે ટેન્ક ગન, ઇલેક્ટ્રિક ગન અને મલ્ટી ફુવારાવાળી પિચકારીઓની માંગ વધુ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રંગોની વાત કરીએ તો પરંપરાગત ગુલાલ સાથે સાથે હર્બલ રંગોની માંગ પણ વધી રહી છે. લોકો હવે સ્કિનને નુકસાન ન થાય તે માટે હર્બલ કલર તરફ વધુ ઝુકાવ બતાવી રહ્યા છે. લાલ, ગુલાબી, લીલા અને પીળા રંગોની સૌથી વધુ માંગ જોવા મળી રહી છે. નાના બાળકો માટે ખાસ સેફ અને સ્કિન-ફ્રેન્ડલી રંગો પણ માર્કેટમાં ઉપલબ્ધ છે.
રાજકોટની સદર બજાર છેલ્લા ઘણા વર્ષોથી હોળી માટે ખાસ ઓળખ ધરાવે છે. દર વર્ષે અહીં નવી નવી વેરાયટી આવતી રહે છે અને લોકો પરિવાર સાથે ખરીદી કરવા ઉમટી પડે છે. આ વર્ષે પણ વેપારીઓને આશા છે કે જેમ હોલસેલમાં સારો પ્રતિસાદ મળ્યો છે તેમ રિટેઇલમાં પણ છેલ્લા દિવસોમાં ભારે ઘરાકી જોવા મળશે. કુલ મળીને, રંગીલા રાજકોટમાં હોળીનો માહોલ જામ્યો છે. બાળકોથી લઈને યુવાનો સુધી દરેક માટે અવનવી પિચકારીઓ અને રંગોની વિશાળ પસંદગી ઉપલબ્ધ છે. હવે જોવાનું રહ્યું કે તહેવાર નજીક આવતા બજારમાં કેટલો ઉછાળો આવે છે, પરંતુ હાલની સ્થિતિ જોતા વેપારીઓમાં ખુશી અને આશાવાદ બંને નજરે પડી રહ્યા છે.
Feb 26, 2026 12:01 PM IST