એઆઇના ફાયદા અને ગેરલાભ – Advantages and Disadvantages of AI | અમરેલી


Last Updated:

Amreli News: ડિજિટલ યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જીવનનો અભિન્ન ભાગ બની ગયું છે, પરંતુ તેનો ખોટો ઉપયોગ બાળકો અને યુવાઓ માટે જોખમ પણ ઊભું કરી શકે છે. અમરેલીમાં AI એક્સપર્ટ પાયલ પટેલે AI અંગે જાગૃતિ લાવતા જણાવ્યું છે કે યોગ્ય માર્ગદર્શન, સુરક્ષા અને સમજ સાથે AI નો ઉપયોગ કરવામાં આવે તો તે ભવિષ્ય ઘડવાનું શક્તિશાળી સાધન બની શકે છે.

+

એઆઇના

એઆઇના ફાયદા અને ગેરલાભ

અમરેલી: આજના ડિજિટલ યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માનવ જીવનનો મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયું છે. શિક્ષણ, ઉદ્યોગ, આરોગ્ય, વ્યવસાય સહિત લગભગ તમામ ક્ષેત્રોમાં AI નો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. AI જેટલો ઉપયોગી અને લાભદાયી છે, એટલો જ તેનો ખોટો અથવા બેદરકારીપૂર્વકનો ઉપયોગ જોખમ પણ ઊભું કરી શકે છે. તેથી AI નો ઉપયોગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે.

AI નો ઉપયોગ મુખ્યત્વે 13 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ કરી શકે છે. આ બાબત પર ભાર મૂકતા પાયલ પટેલે જણાવ્યું કે AI ખૂબ શક્તિશાળી ટેકનોલોજી છે, જે યોગ્ય રીતે વાપરવામાં આવે તો યુવાઓ માટે સ્કિલ ડેવલપમેન્ટ અને કરિયર માટે નવા રસ્તા ખોલે છે. પાયલ પટેલ પોતે AI એક્સપર્ટ છે અને જે.એસ.એફ. ફાઉન્ડેશન ચલાવે છે. આ ફાઉન્ડેશન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં યુવાઓને AI નો સકારાત્મક ઉપયોગ શીખવવામાં આવે છે અને તેમને નવી ટેકનોલોજી સાથે જોડવામાં આવે છે.

પાયલ પટેલે વધુમાં જણાવ્યું કે આજના સમયમાં રોજિંદા જીવનમાં AI નો ઉપયોગ સામાન્ય બની ગયો છે. વિદ્યાર્થીઓ અભ્યાસ માટે AI નો સહારો લે છે, જ્યારે ઉદ્યોગોમાં ઉત્પાદન, માર્કેટિંગ, ડેટા એનાલિસિસ અને ગ્રાહક સેવા માટે AI મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આરોગ્ય ક્ષેત્રમાં પણ AI દ્વારા રોગ નિદાન, સારવાર અને રિસર્ચમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. આમ, દરેક ઇન્ડસ્ટ્રીમાં AI અનિવાર્ય બની ગયું છે. પરંતુ AI નો ઉપયોગ જેટલો વધે છે, એટલો જ તેનું જોખમ પણ વધે છે. ડેટા લીકેજ, પ્રાઇવસીનો ભંગ, ખોટી માહિતી, વધુ પડતી નિર્ભરતા જેવા મુદ્દાઓ AI સાથે જોડાયેલા છે. આ જોખમોને ધ્યાનમાં રાખીને AI અંગે અવેરનેસ લાવવી ખૂબ જ મહત્ત્વની છે. ખાસ કરીને બાળકો અને વિદ્યાર્થીઓ માટે યોગ્ય માર્ગદર્શન અને દેખરેખ જરૂરી છે.

વિદ્યાર્થીઓના પરિવારજનોની ભૂમિકા અહીં ખૂબ જ મહત્ત્વની બની જાય છે. જ્યારે બાળકો AI નો ઉપયોગ કરે છે ત્યારે મોબાઇલ અથવા ડિવાઇસમાં પ્રાઇવસી સેટિંગ્સ યોગ્ય રીતે સેટ કરવી જરૂરી છે. પરિવારજનો દ્વારા આપવામાં આવતી ડિવાઇસમાં પેરેન્ટલ કંટ્રોલ, પ્રાઇવસી સેટિંગ્સ અને સિક્યોરિટી વિકલ્પો સક્રિય રાખવા જોઈએ. શરૂઆતના સમયમાં બાળકો AI નો કેવી રીતે ઉપયોગ કરે છે તેની સુપરવિઝન કરવી ખૂબ જરૂરી છે. બાળકો કેટલો સમય AI નો ઉપયોગ કરે છે, કઈ એપ્લિકેશન અથવા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે અને તેનો ઉપયોગ કયા હેતુથી કરે છે તેની હિસ્ટ્રી સમયાંતરે તપાસવી જોઈએ. આ સાથે બાળકોને સમજાવવું પણ જરૂરી છે કે AI માત્ર સહાયક સાધન છે, તેનો ખોટો ઉપયોગ નુકસાનકારક બની શકે છે. પરિવારજનો અને શિક્ષકો દ્વારા બાળકોને જવાબદારીપૂર્વક AI વાપરવાની તાલીમ આપવી જોઈએ.

સીબીએસઈના માર્ગદર્શિકા મુજબ છઠ્ઠા ધોરણથી ઉપરના અને 13 વર્ષ કે તેથી વધુ ઉંમરના વિદ્યાર્થીઓ AI નો ઉપયોગ કરી શકે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે કોઈ પણ રીતે અથવા બિનમર્યાદિત રીતે AI નો ઉપયોગ કરવો. દરેક AI આધારિત એપ્લિકેશન ડાઉનલોડ કરતી વખતે તેમાં આપવામાં આવતી પરમિશન ધ્યાનપૂર્વક વાંચવી અને સમજીને જ મંજૂરી આપવી જોઈએ. ઘણી વખત અજાણતા આપવામાં આવેલી પરમિશનથી મોબાઇલમાં રહેલી વ્યક્તિગત માહિતી લીક થવાની શક્યતા રહે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *