કાયદાના રક્ષક બન્યા ભક્ષક! સુરતમાં PI અને વકીલ લાખોની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા- Keem Police Station PI PraveenSingh Jadeja and lawyer Chirag Gondaliya caught red-handed taking bribe of Rs 3 lakhs | સુરત


Last Updated:

સુરત ગ્રામ્યના કીમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણસિંહ હરનાથસિંહ જાડેજા તથા એક વકીલ ચિરાગ ગોંડલીયા રૂ.3 લાખની લાંચ લેતા એસીબી દ્વારા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.

બંનેની ધરપકડ
બંનેની ધરપકડ

સુરત: રાજ્યમાં દિવસે ને દિવસે ભ્રષ્ટાચારનો વેપલો ફાટી નીકળ્યો છે, ત્યારે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) પણ આવા કેસોને અટકાવવા સખત વલણ અપનાવી રહી છે. ત્યારે આવી જ એક કાર્યવાહી દરમિયાન ACBને વધુ એકવાર મોટી સફળતા મળી છે અને આ વખતે પ્રજા અને કાયદાના રક્ષક બનવા ક્લાસ 2 પોલીસ અધિકારી તથા વકીલો જ ભક્ષક બન્યા હોવાનો કિસ્સો સામે આવતા આખા શહેરમાં પોલીસ તંત્ર અને ન્યાય વ્યવસ્થા મામલે ખળભળાટ મચી ગયો છે.

વિગતવાર વાત કરીએ તો, એક જાગૃત નાગરિકે ACB (એન્ટી કરપ્શન બ્યુરો)માં ફરિયાદ નોંધાવી હતી કે, તેમના ભાઈ સામે કીમ પોલીસ સ્ટેશન, સુરત ગ્રામ્ય ખાતે હની ટ્રેપ, ખોટી પોલીસ ઓળખ અને બળજબરીથી પૈસા કઢાવી લેવાનો ગુનો દાખલ છે. આ કેસમાં ફરિયાદીના ભાઈ સામે ગંભીર કલમો ઉમેરો પહેલાથી જ હતો, જેથી કીમ પોલીસ સ્ટેશનના જ પોલીસ ઈન્સ્પેક્ટર પ્રવીણસિંહ હરનાથસિંહ જાડેજાએ આ કેસમાં ભ્રષ્ટાચારની તક જોતા રૂપિયા પડાવવાનો કિમિયો રચ્યો હતો.

ACBને મળેલી ફરિયાદ અનુસાર કીમ પોલીસ સ્ટેશને નોંધાયેલા આ હની ટ્રેપ, ખોટી પોલીસ ઓળખ અને બળજબરી કેસના ગુનેગારને ઝડપી જામીન મળે તેમજ તેના કેસમાં વધુ ગંભીર કલમોમાં વધારો ન કરવામાં આવે અને કલમો ઘટાડવામાં આવશે તેવી લાલચ આપી આ પોલીસ સ્ટેશનના જ ક્લાસ 2 અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણસિંહ જાડેજાએ આરોપી વકીલ ચિરાગભાઈ ગોંડલીયા મારફતે રૂ.10 લાખની લાંચની માંગણી કરી હતી.

જોકે લાંબી રકઝક બાદ આખરે રૂ.3 લાખમાં સોદો નક્કી થયો હતો. પરંતુ ફરિયાદી લાંચ આપવા ઇચ્છુક ન હોવાથી સમગ્ર મામલે અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જ્યાં ફરિયાદ નોંધાતા એસીબી અમદાવાદ શહેર એકમ દ્વારા આયોજનબદ્ધ રીતે ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. લાંચના છટકામાં PI પ્રવીણસિંહ જાડેજાના કહેવાથી વકીલ ચિરાગ ગોંડલીયા ફરિયાદી પાસેથી રૂ.3 લાખ લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપાયો હતો.

જે બાદ એસીબી ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી બંને આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા અને લાંચની સંપૂર્ણ રકમ કબજે કરી હતી. બાદમાં બંને આરોપીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે એસીબી દ્વારા આ કેસમાં અન્ય સંડોવણી હોય તો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

આમ હાલ કીમ પોલીસ સ્ટેશનમાં જ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા લાંચ માંગવાનો ગંભીર આરોપ બહાર આવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. લોકો એસીબીની કાર્યવાહીનું સ્વાગત કરી રહ્યા છે અને ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. એસીબી દ્વારા ભ્રષ્ટાચાર સામેની આ કાર્યવાહી ફરી એકવાર સાબિત કરે છે કે કોઈ પણ અધિકારી કે વ્યક્તિ કાયદા કરતાં ઉપર નથી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *