કાલભૈરવ જયંતિ: સુરતમાં આસ્થાનું કેન્દ્ર બન્યું ઓમ શ્રી ક્ષેત્રપાળ ભૈરવ મંદિર, ચમત્કારથી આવી હતી આ મૂર્તિ -Kalbhairav Jayanti 2025 History and miracle of Om Shri Kshetrapal Bhairav Temple in Surat | સુરત
Last Updated:
સુરતના પાલ ઉમરામાં આ એકમાત્ર ક્ષેત્રપાલ કાલભૈરવ મંદિર આવેલું છે. આજે કાલભૈરવ જયંતી નિમિતે મોટા પ્રમાણે લોકો દર્શને આવે છે. રમેશગીરી બાપુએ જણાવ્યું કે, આ મૂર્તિ અહીં આવવા પાછળ પણ એક ચમત્કાર છે.
સુરત: હિન્દુ ધર્મમાં શનિની પનોતી કે શનિની પીડાથી પરેશાન લોકો માટે કાલભૈરવ જયંતિ અત્યંત મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે. આ દિવસે કાલભૈરવની વિશેષ પૂજા-આરાધના કરવાથી તમામ ક્રૂર ગ્રહો શાંત થાય છે અને જીવનના સંકટો દૂર થાય છે. આ વર્ષે 12 નવેમ્બરે એટલે કે, આજે કાલભૈરવ જયંતિના પાવન અવસરે સુરતના પાલ ઉમરા વિસ્તારમાં આવેલું ઓમ શ્રી ક્ષેત્રપાળ ભૈરવ મંદિર ભક્તોનું પ્રમુખ આકર્ષણ બન્યું છે.
શિવ પુરાણ અનુસાર, કાલભૈરવ ભગવાન શિવનું રૌદ્ર સ્વરૂપ છે. તેઓ ભગવાન શ્રીકૃષ્ણના જમણા નેત્રમાંથી પ્રગટ થયા હતા. “ભૈરવ” નામ ત્રણ અક્ષરોથી બનેલું છે, એટલે કે ભૈ (બ્રહ્માંડનું સર્જન), ર (સંચાલન) અને વ (વિનાશ). આમ, કાલભૈરવ બ્રહ્માંડની રચના, પાલન અને સંહારનું પ્રતીક છે. તેઓ અસાધ્ય રોગ, ભય, સંકટ અને માનસિક ચિંતાઓ દૂર કરનાર દેવ તરીકે પૂજાય છે.

બ્રહ્મવૈવર્ત પુરાણ અને નારદ પુરાણમાં વર્ણવ્યા મુજબ, કાલભૈરવની પૂજામાં કાળા કપડા, અડદના વડા, ખાંડગ્રાસ લવિંગ, તજ વગેરે અર્પણ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તાપી નદી કિનારેથી થોડે દૂર આવેલા પાલ ઉમરા વિસ્તારમાં સ્થિત આ મંદિરમાં 51 ઇંચની કાલભૈરવની શાંત સ્વરૂપની મૂર્તિ સ્થાપિત છે. સામાન્ય રીતે કાલભૈરવનું રૌદ્ર સ્વરૂપ જોવા મળે છે, પરંતુ અહીંની મૂર્તિ શાંત અને કરુણામય છે.
આ મૂર્તિની 4-5 વર્ષ પહેલાં સ્થાપના કરવામાં આવી હતી. સ્થાનિકો માને છે કે, અહીં કાલભૈરવ સ્વયંભૂ છે. મૂર્તિની સ્થાપના પાછળ એક ચમત્કારિક ઘટના છે. રમેશગીરી બાપુએ જયપુરના કારીગર પાસે મૂર્તિ બનાવવાનો વિચાર કર્યો હતો. તેઓ જયપુર પહોંચ્યા અને કારીગરને પોતાના ફોટા પ્રમાણે 51 ઇંચની મૂર્તિ બનાવવા જણાવ્યું હતું. કારીગરે કહ્યું કે તેમની પાાસે એક તૈયાર મૂર્તિ છે, જે બરાબર 51 ઇંચની છે. જ્યારે બાપુએ ફોટો બતાવ્યો ત્યારે ચોંકાવનારી વાત જાણવા મળી હતી. કારીગરની તૈયાર મૂર્તિ ફોટા સાથે હુબહુ મળતી આવી હતી. આ ચમત્કારને કાલભૈરવની કૃપા માનીને મૂર્તિને સુરત લાવી સ્થાપિત કરવામાં આવી હતી.

રમેશગીરી બાપુએ જણાવ્યું કે, “પાલ ઉમરામાં આ એકમાત્ર ક્ષેત્રપાલ કાલભૈરવ મંદિર છે. કાલભૈરવ રક્ષક છે, તેથી તેઓ ઊભી સ્થિતિમાં જ દેખાય છે. તેઓ સમયને પરિવર્તન કરનાર અને દુઃખ-પીડા દૂર કરનાર છે.” જયંતિ નિમિત્તે મંદિરે 51,000 આહુતિઓનો મહાયજ્ઞ અને મહાપ્રસાદનો ભંડારો આયોજિત કરાયો છે. અહીં, દૂર-દૂરથી ભક્તો દર્શને આવે છે અને આસ્થાનો અનુભવ કરે છે. આ મંદિર માત્ર ધાર્મિક સ્થળ નહીં, પરંતુ ચમત્કાર અને ભક્તિનું જીવંત પ્રતીક છે. કાલભૈરવ જયંતિના પવિત્ર દિવસે અહીં આવીને ભક્તો પોતાની મનોકામનાઓ પૂર્ણ કરી શકે છે.
Ahmedabad,Gujarat
November 12, 2025 10:50 AM IST
કાલભૈરવ જયંતિ: સુરતમાં આસ્થાનું કેન્દ્ર બન્યું ઓમ શ્રી ક્ષેત્રપાળ ભૈરવ મંદિર, ચમત્કારથી આવી હતી આ મૂર્તિ