કેનેડાનું કપલ ભૂલથી સ્લીપર કોચમાં ચડ્યું ને…:જલગાંવની ટ્રેનમાં બાળકો સાથે ધમાલ-મસ્તી કરી; છાપામાં નાસ્તો કરતાં જોઈને મોજ પડી, વીડિયોને 6.51 લાખ વ્યૂ મળ્યા
![]()
ભારત ફરવા આવેલા કેનેડાના કપલે મહારાષ્ટ્રના જલગાંવથી ચંદ્રપુર સ્ટેશન સુધીની ટ્રેનની ટિકિટ લીધી. બંને થાકેલા હતા એટલે વિચાર્યું કે એસી કોચમાં આરામ કરતાં કરતાં પહોંચી જઈશું. કારણ કે જલગાંવથી ચંદ્રપુર સાત કલાક થાય. બંનેની ઈચ્છા હતી કે સાતેક કલાકની શાંતિથી ઉંઘ થઈ જાય. પછી થયું એવું કે એસી કોચના બદલે ભૂલથી સ્લીપર કોચની ટિકિટ લેવાઈ ગઈ.
બંને જલગાંવ સ્ટેશનેથી ચડ્યા. આ કપલ સીટમાં ગોઠવાયું. કીમ ગ્રીનવૂડ નામના વ્યકિત પોતાની બર્થમાં આડા પડ્યા. તેની પત્નીને કહ્યું કે, તું પણ આરામ કરી લે. પણ પોતાની બર્થ પાસેની સીટમાં મહારાષ્ટ્રનો પરિવાર મુસાફરી કરતો હતો. તેના તોફાની ટાબરિયાં હતા. સ્લીપર ક્લાસમાં ફોરેનરને જોઈને બાળકોને મોજ પડી ગઈ. એ તો ફોરેનર પાસે જઈને ધમાલ-મસ્તી કરવા લાગ્યા. બંને કેનેડિયન કપલને એમ હતું કે શાંતિથી ઉંઘ થશે પણ એવું થયું નહીં. કીમ ગ્રીનવૂડે પોતાના ઈન્સ્ટાગ્રામમાં ટ્રેનની ધમાલ મસ્તીની ક્લિપ મૂકી છે. કીમ ગ્રીનવુડે જણાવ્યું કે કેવી રીતે તેણે ભૂલથી સ્લીપર ક્લાસની ટિકિટ બુક કરાવી, પહેલાં તો અમને એમ હતું કે આરામથી મુસાફરી કરીશું. પરંતુ આગામી સાત કલાકમાં તેમની મુસાફરી અલગ જ રહી. ગ્રીનવૂડ લખે છે કે, મેં ધાર્યું નહોતું કે સ્લીપર ક્લાસની મુસાફરીમાં આટલી મજા આવશે. સામાન્ય રીતે બાળકો તોફાન કરે તો ફોરેનર્સ અકળાઈ જતા હોય છે. સોશિયલ મીડિયા પર રોષ ઠાલવતા હોય છે પણ કીમ ગ્રીનવૂડે આ મુસાફરીને પોઝિટિવલી લીધી અને ભારતના લોકોની એકતાના વખાણ કર્યા. તેમણે લખ્યું કે, બાળકો સાથે મોજ મસ્તી કરવાની બહુ મજા આવી. સાત કલાક ઉંઘ તો એક બાજુ, ઉંઘ કરવાનો વિચાર પણ આવ્યો નથી. બાળકો સાથે ધમાલ મસ્તી કરી. બધા જમવા બેઠા ત્યારે સાથે કાગળમાં પિરસીને બેઠા. કોઈએ બારીમાંથી નાસ્તો ખરીદ્યો, કોઈએ પોતાના થેલામાંથી નાસ્તો કાઢ્યો. આ બધું જોવાની મજા આવી. આવું તો પહેલાં ક્યારેય જોયું નથી. પછી જેમ જેમ આસપાસના લોકોને ખબર પડી કે અમે ભારત બહારના છીએ એટલે આસપાસની બર્થમાંથી લોકો ભેગા થઈ ગયા. થોડીવારમાં તો અમને જોવા ટોળાં વળી ગયાં. હું પ્રભાવિત થયો. આશ્ચર્યચકિત થયો. મને આ બધું જોઈને ખૂબ ગમ્યું. બધા એકસાથે રહેતા હોય તો સમય ક્યાં નીકળી જાય છે તે ખબર પડતી નથી. અમારી બર્થમાં બેઠેલા લોકો અલગ અલગ પરિવારના હતા છતાં જાણે એક જ પરિવારના હોય એ રીતે રહેતા હતા. સ્થાનિક લોકો વચ્ચે આટલી આત્મીયતા અને સહકાર દરેક જગ્યાએ જોવા મળતા નથી. હું ને મારી પત્ની એક મિનિટ પણ ઉંઘ્યાં નથી. 7 કલાકની અમારી સફર યાદગાર રહી ગઈ. મેં વિચાર્યું કે અહીંથી અમે જઈશું તો અમારી દુનિયા બદલાઈ જશે પણ ભારતની આ દુનિયા ક્યારેય બદલાશે નહીં. કીમ ગ્રીનવૂડે પોસ્ટ કરેલા વીડિયોને 6 લાખ 15 હજાર વ્યૂઝ મળ્યા હતા, જેમાં સોશિયલ મીડિયા યુઝર્સે કેનેડિયનોની પ્રશંસા કરી હતી કે તેઓ આ અનુભવને અસ્વસ્થ થવાને બદલે હળવાશથી લઈ રહ્યા હતા.
એક યુઝરે કહ્યું, “મને ખરેખર આશા છે કે તમે તે ટ્રેન રાઈડનો આનંદ માણ્યો હશે. તે ખરેખર અમારી નાની ઉંમરની સૌથી ખાસ યાદોમાંની એક છે,” જ્યારે બીજા યુઝરે ઉમેર્યું: “હું પણ એક વિદેશીને મળ્યો. તે એકલી હતી પણ બધા સાથે હળીભળીને એને મજા આવી. તેણે બાળકોને રમાડ્યાં હતા. તે ખૂબ જ મજાનું હતું.” ત્રીજા યુઝરે ટિપ્પણી કરી: “મને ગમે છે કે તમે આ બધા વિશે કેટલા રમતિયાળ છો. આ બધી વાત હળવાશથી લો છો. જો તેઓ ઊંઘ ન આવે તો મોટાભાગના લોકો ગુસ્સો કરે છે. તમે ભારતીય લોકો સાથે જે રીતે હળ્યા, મળ્યા તે બદલ આભાર.” ચોથા યુઝરે કહ્યું: “લોકોને ફ્લાઇટ અથવા બસ કરતાં ટ્રેનની મુસાફરીમાં વધુ આનંદ આવે છે તેનું એક કારણ આ પણ છે. તમારી આસપાસના દરેક વ્યક્તિ એક મોટા પરિવાર જેવા બની જાય છે. તે તેમની કહાની, અનુભવો,સુખ-દુ:ખ અને નાસ્તો બધું જ શેર કરે છે. આ અદ્દભૂત છે.
Source link