કોડીનાર: ગીર પંથકમાં કમોસમી વરસાદ અને પવનથી ખેડૂતોને ભારે નુકસાન |


કોડીનાર: ગીર પંથકના અનેક ગામોમાં અણધારી આકાશી આફતે ભારે વિનાશ સર્જ્યો છે. કોડીનાર અને સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક આવેલા કમોસમી વરસાદ સાથે ભારે પવન અને મિની વાવાઝોડાએ ખેડૂતોની કમર તોડી નાંખી છે. માત્ર 15થી 20 મિનિટના ટૂંકા સમયગાળામાં આવેલા આ કુદરતી પ્રકોપે પાકોને જમીનદોસ્ત કરી દીધા અને ખેતી આધારિત અર્થતંત્રને મોટો ફટકો પહોંચાડ્યો છે. ગીરના સુત્રાપાડા તાલુકાના ભુવાવાડા, ભુવાટીંબી, મોરડીયા સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ કોડીનાર તાલુકાના અરણેજ, કાંટાળા, સિંધાજ, ગીર દેવળી સહિતના વિસ્તારોમાં મીની વાવાઝોડાની જેમ પવન ફૂંકાતા ખેતરોમાં ઉભા પાકો ઢળી પડ્યા હતા. ખાસ કરીને ઘઉં અને બાજરી જેવા રવિ પાકોને ભારે નુકસાન થયું છે. ખેતરોમાં લહેરાતા પાકો પળભરમાં જમીન પર પથરાઈ ગયા, જેના કારણે ખેડૂતોના ચહેરા પર ચિંતા અને નિરાશા છવાઈ ગઈ છે. આ ઉપરાંત ગીર પંથકમાં મહત્વપૂર્ણ ગણાતી કેસર કેરીની ખેતીને પણ મોટો ફટકો લાગ્યો છે. આ દિવસોમાં કેરીના વૃક્ષોમાં ફલાવરીંગની પ્રક્રિયા ચાલી રહી હતી, પરંતુ અચાનક આવેલા પવન અને વરસાદના કારણે મોટા પ્રમાણમાં ફૂલો ખરી પડ્યા છે. જેના કારણે આવનારી સિઝનમાં ઉત્પાદન ઘટવાની ભીતિ સેવાઈ રહી છે. કેસર કેરી પર આધારિત અનેક ખેડૂતો અને વેપારીઓ માટે આ નુકસાન લાંબા ગાળાની મુશ્કેલી ઉભી કરી શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *