કોમનવેલ્થ કનેક્ટ ફોરમ અમદાવાદમાં: 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે તૈયારીઓ | અમદાવાદ


Last Updated:

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ “અતિથિ દેવો ભવ” પરંપરાથી મહાનુભાવોને આવકારતા જણાવ્યું કે, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે જોડાયેલું અમદાવાદ ઐતિહાસિક તથા આધુનિક વિકાસનું અનોખું સંયોજન ધરાવે છે.

News18
News18

અમદાવાદ: શહેરના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત ‘કોમનવેલ્થ કનેક્ટ ફોરમ’માં રાજ્ય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, યુનાઇટેડ કિંગડમ તથા આંતરરાષ્ટ્રીય રમતગમત-ઉદ્યોગના પ્રતિનિધિઓએ એક મંચ પર મળી ભાવિ કોમનવેલ્થ ગેમ્સ, સ્પોર્ટ્સ ઇકોનોમી અને વૈશ્વિક રોકાણના અવસરો અંગે વ્યાપક ચર્ચા કરી હતી.

અમદાવાદ ખાતે યોજાયેલા કોમનવેલ્થ કનેક્ટ ફોરમ 2026 કાર્યક્રમને સંબોધતા મેયર પ્રતિભાબેન જૈને જણાવ્યું હતું કે, 2030ના કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર આંતરરાષ્ટ્રીય સહકારને વધુ મજબૂત બનાવી રહ્યું છે. યુનાઇટેડ કિંગડમના વેસ્ટ મિડલેન્ડ્સ ક્ષેત્રના મેયર રિચર્ડ પાર્કરના નેતૃત્વ હેઠળ આવેલા પ્રતિનિધિમંડળનું શહેરના નાગરિકોની તરફથી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અમદાવાદ રમતગમત અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત પ્રગતિ કરી રહ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની દીર્ઘદૃષ્ટિપૂર્ણ પહેલોથી આ પ્રકારના કાર્યક્રમ અંગે પણ સતત માર્ગદર્શન મળી રહ્યું છે. નવેમ્બર 2025માં ગ્લાસ્ગોમાં યોજાયેલી જનરલ અસેમ્બલી બાદ અમદાવાદની કોમનવેલ્થ ગેમ્સ માટે પસંદગી શહેર માટે ગૌરવની બાબત છે.

મેયરે જણાવ્યું કે, વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 2023ના ICC Cricket World Cup ફાઈનલનું સફળ આયોજન કરીને શહેરે પોતાની વૈશ્વિક ક્ષમતા સાબિત કરી છે. મોટેરા સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ અને વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત આધુનિક રમત સુવિધાઓ વિકસાવવામાં આવી છે. વધુ ઇલેક્ટ્રિક બસો, મેટ્રો, મજબૂત રેલવે નેટવર્ક અને એરપોર્ટ સુવિધાઓ સાથે શહેર ઓલિમ્પિક સ્તરની દ્રષ્ટિએ તૈયાર થઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, કોમનવેલ્થ ગેમ્સ માત્ર રમતોત્સવ નહીં પરંતુ “વસુધૈવ કુટુંબકમ”ની ભાવનાથી વિશ્વના દેશોને જોડતો મંચ છે. આ આંતરરાષ્ટ્રીય મુલાકાતથી શહેરના ખેલાડીઓ, કોચ અને યુવાનોને નવી પ્રેરણા મળશે અને વૈશ્વિક રમતજગત સાથે સહકારના નવા અવસર ઊભા થશે.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ “અતિથિ દેવો ભવ” પરંપરાથી મહાનુભાવોને આવકારતા જણાવ્યું કે, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે જોડાયેલું અમદાવાદ ઐતિહાસિક તથા આધુનિક વિકાસનું અનોખું સંયોજન ધરાવે છે. વિશ્વ હેરિટેજ સિટી તરીકે ઓળખાતું અમદાવાદ સ્વચ્છ સર્વેક્ષણ-2025માં દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર થયું હોવાનું તથા મહિલાઓની સુરક્ષા કારણે સુરક્ષિત શહેરોમાં સ્થાન પામ્યું હોવાનું તેમણે કહ્યું.

અમદાવાદના સતત વિકાસ અંગે તેમણે જણાવ્યું કે, શહેર પાસે ક્લાઈમેટ રિઝિલિયન્ટ સિટી એક્શન પ્લાન છે અને દક્ષિણ એશિયાના ક્લાઈમેટ સિટીઝ ફ્રેમવર્કના નવમાંથી આઠ માપદંડ હાંસલ કરનાર અમદાવાદ એકમાત્ર શહેર છે. હાલના એએમસી બજેટનો 84 ટકા હિસ્સો હવામાન પ્રતિરોધક પહેલો માટે ફાળવાયો છે. શહેરી આયોજન અંગે તેમણે ઉમેર્યું કે 1925થી શરૂ થયેલી ટાઉન પ્લાનિંગ પદ્ધતિના કારણે આજે શહેરનો 100 ટકા વિસ્તાર આયોજનબદ્ધ વિકાસ હેઠળ આવરી લેવાયો છે અને નાગરિકોની ભાગીદારી આ સફળતાનું મુખ્ય કારણ છે.

આગામી કોમનવેલ્થ ગેમ્સનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે આ માત્ર રમતોત્સવ નહીં પરંતુ યુવાનો માટે પ્રેરણા અને આર્થિક તકો સર્જનાર મંચ છે. 2030 માટેની તૈયારીઓ સ્માર્ટ મોબિલિટી, ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટેડિયમ ટેક્નોલોજી, ડિજિટલ ગવર્નન્સ અને લેગસી પ્લાનિંગ જેવા ક્ષેત્રોમાં UK-India સહકાર મજબૂત કરશે. રમતગમતને કૂટનીતિક સેતુ ગણાવતા તેમણે સિટી-ટુ-સિટી ભાગીદારી દ્વારા શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનને ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી.

વેસ્ટ મિડલેન્ડ્સ પ્રતિનિધિમંડળ અને વાઇસ ચાન્સેલરોની હાજરીને મહત્વપૂર્ણ ગણાવતા તેમણે જણાવ્યું કે ગુજરાતની લગભગ 80 ટકા શૈક્ષણિક સંસ્થાઓ અમદાવાદમાં આવેલ હોવાથી શૈક્ષણિક સહયોગ માટે વિશાળ સંભાવનાઓ છે. રોકાણ તકો અંગે તેમણે GIFT સિટી તથા સેમિકન્ડક્ટર સહિત ઉદ્યોગ વિકાસનો ઉલ્લેખ કરી વેપાર-ઉદ્યોગ-શિક્ષણ ક્ષેત્રે લાંબા ગાળાના સહકાર માટે આ ફોરમ મહત્વપૂર્ણ પગલું સાબિત થશે તેવી આશા વ્યક્ત કરી હતી.

કોમનવેલ્થ કનેક્ટ ફોરમને સંબોધતા વેસ્ટ મિડલેન્ડ્સના મેયરે રિચર્ડ પાર્કરે કોમનવેલ્થ ગેમ્સ 2022ને પ્રદેશ માટે એક પરિવર્તનકારી ક્ષણ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, બર્મિઘમમાં યોજાયેલી આ રમતો રમતોથી ઘણી વિશાળ હતી. તેમણે જણાવ્યું કે આ રમતો દ્વારા બર્મિંગહામ અને વેસ્ટ મિડલેન્ડ્સની ઔદ્યોગિક વારસા, સાંસ્કૃતિક વૈવિધ્યતા, નાગરિક ગૌરવ અને ઊર્જા વિશ્વસ્તરે ઉજાગર થઈ. આ આયોજનથી યુકેની અર્થવ્યવસ્થામાં 1.2 અબજ પાઉન્ડથી વધુનું યોગદાન મળ્યું, 22,000થી વધુ રોજગાર તકો ઊભી થઈ અને 1.5 મિલિયનથી વધુ ટિકિટોનું વેચાણ થયું. ખાસ વાત એ રહી કે આ ગેમ્સ સમયસર અને અંદાજિત બજેટથી ઓછા ખર્ચે સફળતાપૂર્વક પૂર્ણ થયા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ ગેમ્સનો સાચો વારસો માત્ર આંકડાઓમાં સીમિત નથી. સમુદાયના સ્વયંસેવકો, યુવા ખેલાડીઓ અને સમગ્ર પ્રદેશમાં વધેલા આત્મવિશ્વાસ પર તેનું દીર્ઘકાલીન પ્રભાવ રહ્યું છે.

ગુજરાતી સમાચાર/ ન્યૂઝ/અમદાવાદ/

2030 કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ પર રાજ્ય સરકાર-AMC-યુકે પ્રતિનિધિમંડળની બેઠક મળી, સ્પોર્ટ્સ ઇકોનોમી, રોકાણ અને શિક્ષણ સહકારના નવા માર્ગ ખુલ્યા



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *