ખિસ્સામાં 4000, હૈયામાં દેશપ્રેમ: તિરંગો લહેરાવી બે યુવાનો નીકળ્યા 20 રાજ્યોની સ્કેટિંગ યાત્રાએ | મહેસાણા


Last Updated:

ખિસ્સામાં ભલે ઓછા પૈસા હોય, પરંતુ મનમાં દેશપ્રેમ અને મનોબળ અતૂટ છે. હાઇવે પર તિરંગા સાથે સ્કેટિંગ કરતા પસાર થતા આ યુવાનો રસ્તે જતા લોકો માટે આકર્ષણ અને પ્રશંસાનું કેન્દ્ર બન્યા છે.

બે યુવાનો 20 રાજ્યોની રોમાંચક સ્કેટિંગ યાત્રા પર નીકળ્યા
બે યુવાનો 20 રાજ્યોની રોમાંચક સ્કેટિંગ યાત્રા પર નીકળ્યા

મહેસાણા: દેશમાં સાહસ અને ધાર્મિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી એક અનોખી ઘટના સામે આવી છે. બિહારના બે યુવાનો, શેખ તજમ્મુલ અને શેખ મુંઝાહિર, હાથમાં ભારતની શાન સમાન તિરંગો લઈને 20 રાજ્યોની રોમાંચક સ્કેટિંગ યાત્રા પર નીકળી પડ્યા છે. ગુજરાતથી શરૂ થયેલી આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશભરની પ્રખ્યાત દરગાહોની ઝિયારત કરવાની સાથે લોકોમાં કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ ફેલાવવાનો છે.

માત્ર ધોરણ 8 સુધીનો અભ્યાસ ધરાવનાર શેખ તજમ્મુલ અને તેના મિત્રની આ સફર બિલકુલ આસાન નથી. આ યુવાનો ઘરેથી માત્ર ત્રણથી ચાર હજાર રૂપિયાની મામૂલી રકમ સાથે આ મહાઅભિયાન પર નીકળી ગયા છે. પગમાં સ્કેટિંગ શૂઝ અને પીઠ પર 8થી 15 કિલો વજનની બેગ સાથે આ યુવાનો દરરોજ 50થી 90 કિલોમીટર જેટલું અંતર કાપે છે. રસ્તાની ભૌગોલિક પરિસ્થિતિ અને ટ્રાફિકના આધારે તેઓ પોતાની ગતિ જાળવી રાખે છે. તેમની પીઠ પર રહેલી બેગમાં માત્ર કપડાં અને જીવન જરૂરિયાતની પ્રાથમિક વસ્તુઓ જ હોય છે.

20 રાજ્યોની આ મુશ્કેલ યાત્રા પૂર્ણ કરવામાં તેમને આશરે 8થી 9 મહિનાનો સમય લાગશે. આર્થિક મર્યાદાઓ હોવા છતાં તેમનો જુસ્સો અકબંધ છે. યાત્રા દરમિયાન રાત્રિ રોકાણ માટે તેઓ કોઈ હોટલ નહીં, પરંતુ સુરક્ષિત સ્થળો જેવા કે પેટ્રોલ પંપ, દરગાહ, મદરેસા કે મસ્જિદની પસંદગી કરે છે. પોતાની સાથે રહેલા કેમ્પિંગ ટેન્ટની મદદથી તેઓ રાત વિતાવે છે અને સૂર્યોદય થતાં જ ફરી પોતાની મંજિલ તરફ સ્કેટિંગ કરતા આગળ વધે છે.

ખિસ્સામાં ભલે ઓછા પૈસા હોય, પરંતુ મનમાં દેશપ્રેમ અને મનોબળ અતૂટ છે. હાઇવે પર તિરંગા સાથે સ્કેટિંગ કરતા પસાર થતા આ યુવાનો રસ્તે જતા લોકો માટે આકર્ષણ અને પ્રશંસાનું કેન્દ્ર બન્યા છે. તેમની આ સફર આજના યુવા વર્ગ માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે કે જો મનમાં કંઈક કરી છૂટવાની દ્રઢ તમન્ના હોય તો કોઈ પણ આર્થિક કે શારીરિક મુશ્કેલી તમને તમારા લક્ષ્ય સુધી પહોંચતા રોકી શકતી નથી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *