ખેડૂતોએ નાળિયેરીના બગીચા કાપી નાખ્યાં – Farmers cut down coconut groves | ગીર સોમનાથ


ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સોનારીયા ગામના ખેડૂત બચુભાઈ ચૌહાણે જણાવ્યું કે દરિયા નજીકની ખારાશવાળી જમીનને કારણે પરંપરાગત ધાન્ય કે તેલીબિયાં પાકોમાં પૂરતું ઉત્પાદન મળતું ન હતું. બાગાયત વિભાગની ભલામણના આધારે તેમણે નાળિયેરીનું વાવેતર શરૂ કર્યું. ત્રણ વીઘા જમીનમાં આઠ વર્ષ પહેલાં દરેક 500 રૂપિયાના ખર્ચે કુલ 115 નાળિયેરીના છોડ વાવ્યા હતા. લાખો રૂપિયાનું રોકાણ કર્યા બાદ પણ આઠ વર્ષ સુધી કોઈ નોંધપાત્ર ઉત્પાદન મળ્યું નથી. ઉપરથી સફેદ માખીનો ઉપદ્રવ એટલો વધ્યો છે કે અનેક પ્રકારની દવાઓ છાંટ્યા છતાં પણ જીવાત કાબૂમાં આવી નથી. અંતે, ખેડૂતોએ નાળિયેરીના વૃક્ષો કાપી ફરી રોકડિયા પાક તરફ વળવાનો કઠિન નિર્ણય લીધો છે.

લક્ષ્મણભાઈ રામે જણાવ્યું કે, વેરાવળથી કોડીનાર અને ઉના સુધીનો વિસ્તાર ‘લીલી નાઘેર’ તરીકે ઓળખાય છે, જ્યાં જ્યાં નજર પડે ત્યાં લીલીછમ હરિયાળી અને નાળિયેરીના બગીચાઓ હતાં. નાળિયેર અને કેસર કેરી અહીંના ખેડૂતો માટે પ્રથમ પસંદગી છે. પરંતુ હવે નાળિયેરીના પાકમાં સફેદ માખી એ ખેડૂતો માટે ગંભીર સમસ્યા બની છે. આ જીવાત નાળિયેરીના પાન પર કાળો ચીકણો પદાર્થ છોડે છે, જેના કારણે પાન કાળા પડી જાય છે અને વૃદ્ધિ અટકી જાય છે. ફળ તો આવે છે, પરંતુ તે નાના અને ગોગડા સ્વરૂપે રહે છે, પરિણામે બજારમાં વેચાણ માટે યોગ્ય ઉત્પાદન મળતું નથી.

આ પરિસ્થિતિમાં અનેક ખેડૂતો પ્રાકૃતિક તેમજ રાસાયણિક દવાઓનો ઉપયોગ કરી ચૂક્યા છે, છતાં સંતોષકારક પરિણામ ન મળતા આખરે નાળિયેરીના બગીચા કાપવાનો રસ્તો અપનાવી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં 14,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં નાળિયેરીનું વાવેતર છે, પરંતુ સફેદ માખીના રોગને કારણે હાલ નાળિયેરીમાં પૂરતી વૃદ્ધિ થતી નથી.

આ પણ વાંચો: ગાય આધારિત ખેતીની કમાલ, બે વીઘાની શેરડીમાંથી 4 લાખની આવક

કૃષિ વિજ્ઞાનીઓના મતે, હાલ નાળિયેરના ભાવ સારા છે, તેથી બગીચાઓ કાપવાની જગ્યાએ યોગ્ય સંભાળ રાખવી જરૂરી છે. તેઓ સૂચવે છે કે સૂક્ષ્મજીવ ખાતર, એરંડીનો ખોળ, લિબોડીનો ખોળ, છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, જીવામૃત અને ઘન જીવામૃતનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ. ઉપરાંત, સફેદ માખીના નિયંત્રણ માટે “બીવેરિયા બેસિયા” જેવી જૈવિક દવાઓનો ઉપયોગ કરવાથી ઉપદ્રવ ઓછો થઈ શકે છે અને નાળિયેરીનો ગ્રોથ ફરી વધે છે. કૃષિ નિષ્ણાતો આશા રાખે છે કે જો તમામ ખેડૂતો વૈજ્ઞાનિક માર્ગદર્શન પ્રમાણે પગલાં લેશે, તો નાળિયેરીના બગીચાની કાપણી ઘટશે અને ખેડૂતોની ચિંતાઓ પણ ઓછી થશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *