ગુજરાતના મોટા શહેરો હાઈ એલર્ટ પર, અંબાજી સહિતના મોટા મંદિરોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત-Major cities of Gujarat on high alert tight police deployment including Ambaji | અમદાવાદ
Last Updated:
દિલ્હીમાં જે આતંકી હુમલા બાદ ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. રાજ્યના મોટા શહેરોમાં અને અંબાજી સહિતના મોટા મંદિરોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
અમદાવાદ: દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ હવે ગુજરાત પોલીસ એક્શનમાં આવી ગઈ છે. મોટા ભાગના જિલ્લાઓમાં પોલીસ દ્વારા કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને અમદાવાદ જેવા મોટા શહેરોમાં હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સાથે જ રાજ્યના મોટા મંદિરો જેમ કે અંબાજી ધામ જેવા મોટા પવિત્ર મંદિરોમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
બ્લાસ્ટને લઈને વડાપ્રધાન મોદી દ્વારા પણ દુખ વ્યક્ત કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમણે કહ્યું કે ઘાયલો ઝડપથી સાજા થાય તેવી મારી પ્રાર્થના છે. સાથે જ તેમણે કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરીને જાણકારી મેળવી છે. વધુમાં તેમણે કહ્યું કે આ બ્લાસ્ટમાં જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમને મારી સહાનુભૂતિ છે. અધિકારીઓ દ્વારા અસરગ્રસ્તોને સહાય પૂરી પાડવામાં આવી રહી છે. મેં અમિત શાહ અને અન્ય અધિકારીઓ સાથે મળીને પરિસ્થિતિની સમીક્ષા કરી છે.
Condolences to those who have lost their loved ones in the blast in Delhi earlier this evening. May the injured recover at the earliest. Those affected are being assisted by authorities. Reviewed the situation with Home Minister Amit Shah Ji and other officials.@AmitShah
— Narendra Modi (@narendramodi) November 10, 2025
દિલ્હીની ઘટના બાદ અમદાવાદ પણ હાઈ એલર્ટ પર છે. શહેરના ભદ્રકાળી મંદિરની આસપાસ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. વાહનો તેમજ હોટલોની આસપાસની જગ્યાઓ પર તપાસ કરવામાં આવી રહી છે. બિનવારસુ અને શંકાસ્પદ ચીજ વસ્તુઓની તપાસ થઈ રહી છે. SRP અને સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે અને લાલ દરવાજા પાસે પોલીસ એલર્ટ મોડમાં છે.
રાજધાનીમાં થયેલા આતંકી હુમલા બાદ સરહદી જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને કચ્છમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પૂર્વ અને પશ્ચિમ કચ્છના વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે જ ગાંધીનગરમાં આવેલ અક્ષરધામ મંદિરની પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે અને ઠેર ઠેર વાહનોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
રાજ્યમાં ડીજીપી વિકાસ સહાય દ્વારા તકેદારીના ભાગરૂપે એલર્ટ માટે આદેશ આપી દેવામાં આવ્યા છે. ખાસ કરીને મહાનગરોમાં અને રાજ્યના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ તેમજ શહેર જિલ્લાના તમામ એન્ટ્રી પર નાકાબંધી કરવામાં આવી છે અને વાહનોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ પેટ્રોલિંગ અને પોલીસ પ્રેઝન્સ માટે તમામ શહેર અને જિલ્લા પોલીસ વડાઓને સૂચના આપવામાં આવી છે.
દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો છે તેને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મોટું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે i-20 કારમાં આ બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટમાં લોકોના મોત અને ઘાયલ થયા હોવાના પણ સમાચાર મળ્યા છે. તપાસ એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. NIA અને NSGની ટીમો તપાસમાં લાગી ગઈ છે. સાથેજ તેમણે કહ્યું કે દિલ્હી પોલીસ કમિશનર સાથે પણ વાત થઈ છે. અમિત શાહ ઘટના સ્થળની પણ મુલાકાત લેવાના છે.
Ahmedabad,Gujarat
November 10, 2025 9:33 PM IST
