ગુજરાતના યુવાઓ માટે આગામી 10 વર્ષમાં 2.10 લાખ સરકારી નોકરીની તક, વિધાનસભા ગૃહમાં ભરતી કેલેન્ડર રજૂ કરાયું-2 lakh 10 thousand government job opportunities will be created in Gujarat in the next 10 years | ગાંધીનગર
Last Updated:
વિધાનસભાના બજેટ સત્રમાં આજે મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા સરકારી નોકરીને લઈને મહત્વની માહિતી આપવામાં આવી હતી. જેમાં તેમણે ગૃહમાં ભરતી કેલેન્ડર રજૂ કર્યું હતું.
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. આજે ગૃહમાં ગુજરાત લોક સેવા આયોગમાં કરવામાં આવતી ભરતી અંગે પ્રશ્ન અંગે જવાબ આપતાં મંત્રી, ઈશ્વરસિંહ પટેલે કહ્યું હતું કે, રાજ્યની યુવાશક્તિને સરકારી સેવામાં જોડાવાની ઉમદા તક પૂરી પાડવા ગુજરાત સરકાર મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે. રાજ્ય સરકારની વહીવટી કાર્યક્ષમતા વધારવા અને યુવાનોને રોજગારી આપવા અમારી સરકાર કટિબદ્ધ છે.
છેલ્લાં બે વર્ષમાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગુજરાત જાહેર સેવા આયોગને વર્ગ-1 અને વર્ગ-2 ની કુલ 306 જગ્યાઓ માટે માંગણાપત્રક મોકલવામાં આવ્યા છે. જેમાં વર્ષ 2024 માં 73 અને વર્ષ 2005 માં 233 જગ્યાઓનો સમાવેશ થાય છે. આ પૈકી 240 જગ્યાઓ માટેની પ્રારંભિક અને મુખ્ય પરીક્ષાઓ પૂર્ણ થઈ ચૂકી છે, જેના પરિણામો જાહેર કરી ટૂંક સમયમાં જ ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
સરકારી ભરતીમાં સાતત્ય અને પારદર્શિતા જળવાઈ રહે તે માટે રાજ્ય સરકારે ઐતિહાસિક નિર્ણય લેતા 10 વર્ષીય ભરતી કેલેન્ડર પ્રસિદ્ધ કર્યું છે. આ આયોજન હેઠળ વર્ષ 2024 થી 2033 દરમિયાન કુલ 2,10,582 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે. ગત વર્ષમાં જ 30,000 થી વધુ સફળ ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે. રાજ્યમાં ઉચ્ચ વહીવટી સ્તરે ખાલી જગ્યાઓ ભરવાની કામગીરી પણ વેગવંતી છે. હાલની સ્થિતિ પ્રમાણે વર્ગ-1 ની કુલ 13,803 મંજૂર જગ્યાઓ સામે 7535 જગ્યાઓ તથા વર્ગ-2 ની કુલ 34,335 મંજૂર જગ્યાઓ સામે 22,857 જગ્યાઓ ભરાયેલી છે.
રાજ્ય સરકાર માત્ર સામાન્ય ભરતી જ નહીં, પરંતુ સમાજના દરેક વર્ગને ન્યાય આપવા કટિબદ્ધ છે. ખાસ કરીને દિવ્યાંગો માટેની ખાલી જગ્યાઓ ભરવા માટે સરકાર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેના હેઠળ વિવિધ સંવર્ગોમાં અનામત જગ્યાઓ ભરવાની પ્રક્રિયા હાલ પ્રગતિમાં છે. આ હવે આવનાર 10 વર્ષમાં 2.10 લાખ જેટલી નોકરી તકો સર્જાશે જેનું આજે ગૃહમાં ભરતી કેલેન્ડર રજૂ કરવામાં આવ્યું હતું.
Gandhinagar,Gujarat
