ગુજરાતનું ગૌરવ! પાદરથી લઈને છેવાડા સુધી વૃક્ષોનું સામ્રાજ્ય, જાણો કેવી રીતે પ્રતાપગઢ બન્યું ‘ઓક્સિજનનો ખજાનો’ -A green village was created by planting more than 5000 trees in Pratapgarh | અમરેલી
Last Updated:
અમરેલીનું પ્રતાપગઢ ગામ આજે પ્રકૃતિ પ્રેમનું ઉદાહરણ બની ગયું છે. જણાવી દઈએ કે, આ ગામ 5000થી વધુ વૃક્ષોથી ઘેરાયેલું છે. આ ઉપરાંત, પ્રતાપગઢમાં “ઓક્સિજન પાર્ક” નામનું એક કેન્દ્ર બનાવવામાં આવ્યું છે, જે ગામલોકોને આરામ અને સ્વચ્છ હવા પૂરી પાડે છે.
અમરેલી: લાઠી તાલુકામાં આવેલું પ્રતાપગઢ ગામ આજે સમગ્ર જિલ્લામાં હરિયાળીનું ઝળહળતું ઉદાહરણ બની ગયું છે. આ ગામે 5000થી વધુ વૃક્ષોનું વાવેતર કરી, તેનું સંરક્ષણ અને જતન કરીને પર્યાવરણ સંરક્ષણનું અનોખું મોડેલ રજૂ કર્યું છે. આ પહેલની શરૂઆત ભુપતભાઈ લાઠીયાએ કરી હતી, જેઓ 1997થી આ હરિયાળી અભિયાન સાથે જોડાયેલા છે અને પ્રકૃતિની સેવા માટે અવિરત કામ કરી રહ્યા છે.
લાઠીથી માત્ર ત્રણ કિલોમીટર દૂર આવેલું પ્રતાપગઢ ગામ આજે પોતાના હરિયાળા માર્ગો માટે પ્રખ્યાત છે. ગામ તરફ જતા રસ્તાની બંને બાજુ 10 ફૂટના અંતરે વાવેલા વૃક્ષો ગામના પ્રવેશદ્વારને કુદરતી સુંદરતાથી શણગારે છે. વર્ષોની સતત દેખરેખ અને જતનના પરિણામે આ છોડવા હવે ગાઢ છાયા આપતા વૃક્ષો બની ગયા છે.
ભુપતભાઈ લાઠીયાએ જણાવ્યું કે, ગામના માર્ગોની બાજુએ જ નહીં, પરંતુ ગામની અંદર અને પંચાયતની જમીન પર પણ મોટી સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવ્યા છે. વિશેષ રૂપે, ગામમાં “ઓક્સિજન પાર્ક” નામનું એક કેન્દ્ર બનાવવામાં આવ્યું છે, જે ગામલોકોને આરામ અને સ્વચ્છ હવા પૂરી પાડે છે. આ પાર્ક ગામની હરિયાળી અને પર્યાવરણ જાગૃતિનું પ્રતીક બની ગયું છે.

જણાવી દઈએ કે, ઉનાળાના કઠોર સમયમાં, જ્યારે તાપમાન 40 ડિગ્રીથી ઉપર જાય છે, ત્યારે વૃક્ષોને સુરક્ષિત રાખવા ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. ભુપતભાઈ પોતાના ખર્ચે પાણીનું ટેન્કર બોલાવે છે અને બે વ્યક્તિઓ રોજ ગામના તમામ વૃક્ષોને પાણી આપે છે. આ સતત પ્રયાસોને કારણે વૃક્ષો જીવંત રહ્યા છે અને ગામની હરિયાળી સતત વધી રહી છે.
આ પહેલ માત્ર પ્રકૃતિ પ્રત્યેના પ્રેમનું જ નહીં, પરંતુ ગ્રામ્ય વિકાસ અને પર્યાવરણ સંરક્ષણનું પણ જીવંત ઉદાહરણ છે. ભુપતભાઈ લાઠીયા જેવા પ્રકૃતિપ્રેમીઓના સમર્પણથી પ્રતાપગઢ ગામ આજે હરિયાળું, ઠંડકભર્યું અને પ્રેરણાદાયી બન્યું છે. આ ગામ દરેક માટે પર્યાવરણ જાગૃતિ અને ટકાઉ વિકાસનું એક ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે.
October 05, 2025 5:46 PM IST
