ગુજરાત મંત્રીમંડળમાં નવા ચહેરાઓ, ભુપેન્દ્ર પટેલ કરશે ફેરફાર | ગાંધીનગર
Last Updated:
મંત્રી મંડળમાં યુવા ચહેરાઓને સ્થાન આપવાની યોજનાએ પણ ઝડપ પકડી છે, જે ભવિષ્યમાં ભાજપના પ્રભાવને મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ ગણાય છે.
ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં મંત્રિમંડળના વિસ્તરણના દરવાજા ખુલ્યા છે. રાજ્યની રાજકીય પરિસ્થિતિ અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આગામી ત્રીજા અઠવાડિયે મંત્રી મંડળનો વિસ્તાર કરી શકે છે. સૂત્રોનું માનીએ તો હાલના માત્ર ત્રણથી ચાર મંત્રીઓ જ મંત્રીપદ પર રહેવાની સંભાવના છે, જ્યારે બાકીના તમામ મંત્રીઓ બદલાઈ શકે છે. આ નિર્ણય સાથે સરકારમાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે, જે રાજકીય દૃષ્ટિએ મહત્વપૂર્ણ ગણાય છે.
પ્રારંભિક જાણકારી પ્રમાણે, મંત્રી મંડળમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને પ્રાધાન્ય આપવામાં આવશે. સાથે જ, રાજ્યમાં 27% ઓબીસી અનામતને ધ્યાને રાખીને મંત્રીપદોની વર્તમાન રચના પર ફેરફાર થશે. આ સાથે, કચ્છ, મોરબી, વડોદરા, જામનગર જેવા જિલ્લામાં અને આદિવાસી વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.
મંત્રી મંડળમાં યુવા ચહેરાઓને સ્થાન આપવાની યોજનાએ પણ ઝડપ પકડી છે, જે ભવિષ્યમાં ભાજપના પ્રભાવને મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ ગણાય છે. ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણી અને રાજ્યમાં પક્ષના વધતા પ્રભુત્વને ધ્યાનમાં રાખીને ચૂંટણીપર્વ પહેલા સરકારમાં ફેરફાર કરીને નવા મંત્રીઓની પસંદગી થવી નક્કી છે.
સૂત્રોના હવાલે મળી રહેલી માહિતી પ્રમાણે, ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની પસંદગી મંત્રી મંડળ વિસ્તરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. વિશ્વકર્મા જૂથ અને સંગઠનમાં તેમની ખૂબીને કારણે, તેમના પસંદગી કરેલા મંત્રીઓની યાદી સરકારના નક્કી મંત્રીપદોની રચનામાં અગત્યની બની શકે છે.
હાલની પરિસ્થિતિ મુજબ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મંત્રિમંડળમાં કેટલીક જગ્યાઓ પર ફેરફાર કરવા માટે મોટા પાયે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સાથે જ, નવા ચહેરાઓને જોડવા અને કાર્યક્ષમતા વધારવા માટે પણ પરિષદ સ્તરે ચર્ચાઓ ચાલી રહી છે. રાજ્ય અને પાર્ટી બંને સ્તરે રાજકીય હલચલ અને આયોજન તેજ થઇ ગયું છે.
Gandhinagar,Gujarat
October 03, 2025 2:14 PM IST
