ગ્રામજનોએ એકતા બતાવી, ગામમાં જ આધુનિક લાઇબ્રેરીનું કર્યું નિર્માણ | બનાસકાંઠા


Last Updated:

શહેરોમાં મળતી લાઇબ્રેરી અને વાતાવરણ ગામડામાં દુર્લભ હોય છે. પરંતુ બનાસકાંઠાના ધાનેરા તાલુકાના સરાલ ગામે આ પરંપરા તોડી છે.

News18
News18

બનાસકાંઠા: સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે ગ્રામીણ વિસ્તારના યુવાનોએ મોટા શહેરો તરફ દોટ મૂકવી પડતી હોય છે. શહેરોમાં મળતી લાઇબ્રેરી અને વાતાવરણ ગામડામાં દુર્લભ હોય છે. પરંતુ બનાસકાંઠાના ધાનેરા તાલુકાના સરાલ ગામે આ પરંપરા તોડી છે. ગ્રામજનોએ એકતા બતાવી ગામમાં જ આધુનિક લાઇબ્રેરીનું નિર્માણ કર્યું છે.

કહેવાય છે કે જ્યાં સંપ છે ત્યાં જંપ છે અને જ્યાં જાગૃતિ છે ત્યાં વિકાસ છે. ધાનેરાનું સરાલ ગામ આજે શિક્ષણ ક્ષેત્રે એક નવી મિસાલ બનીને ઉભર્યું છે. સરકારી નોકરી મેળવવાનું સપનું જોતા ગામના યુવાનોને હવે અમદાવાદ કે પાલનપુર જવાની જરૂર નથી. ગ્રામજનોના સહયોગ અને લોકફાળાથી ગામમાં જ તૈયાર કરવામાં આવી છે ‘અનુપમ લાઇબ્રેરી’.

​આ લાઇબ્રેરી માત્ર એક બિલ્ડિંગ નથી, પણ સરાલ ગામના તેજસ્વી તારલાઓના સપનાઓને પાંખો આપવાનું કેન્દ્ર છે. સંપૂર્ણ આધુનિક સુવિધાઓ સાથે સજ્જ આ લાઇબ્રેરીનું ભવ્ય ઉદ્ઘાટન ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. મહત્વની વાત એ છે કે, આ લાઇબ્રેરી એમએલએની ગ્રાન્ટ તેમજ ગ્રામીણ લોકોએ પોતાની મહેનતની કમાણીમાંથી આપેલા ફાળા દ્વારા બનાવવામાં આવી છે. અહીં શાંત વાતાવરણ, વાંચન માટે પુસ્તકો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે જરૂરી તમામ સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.​

શહેરી વિસ્તારોમાં લાઇબ્રેરીની ફી ભરવી દરેક વિદ્યાર્થી માટે શક્ય નથી હોતી, ત્યારે સરાલ ગામના વડીલોએ પોતાના સંતાનોના ભવિષ્ય માટે આ ‘જ્ઞાનનું મંદિર’ ખુલ્લું મૂક્યું છે. આજે જ્યારે આ લાઇબ્રેરીમાં યુવાનો પુસ્તકો સાથે પોતાનું ભવિષ્ય કંડારી રહ્યા છે, ત્યારે આખું ગામ ગર્વની લાગણી અનુભવી રહ્યું છે. ખરેખર, સરાલ ગામની આ જાગૃતિ દર્શાવે છે કે જો ગ્રામીણ જનતા નક્કી કરે, તો સુવિધાઓના અભાવને પણ અવસરમાં બદલી શકાય છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *