‘ચૂંટણી પંચ ભાજપની કઠપૂતળી,’ આકરા પ્રહારો સાથે ગુજરાત કોંગ્રેસનું ‘વોટ ચોર-ગદ્દી છોડ’ અભિયાન શરૂ- Election Commission is puppet of BJP Gujarat Congress launches Vote Chor Gaddi Chod campaign with strong attacks | ગાંધીનગર
Last Updated:
Vote Chor Gaddi Chod campaign: ગુજરાત કોંગ્રેસે આજે 3 ઓક્ટોબરથી ‘વોટ ચોર-ગદ્દી છોડ’ અભિયાન શરૂ કર્યું છે, જે આગામી 10 ઓક્ટોબર સુધી ચાલશે. આ અભિયાનમાં 5 કરોડ સહી એકત્ર કરવાની યોજના છે. ત્યારે આ અંગે માહિતી આપતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ BJP પર ચૂંટણી ગેરરીતિઓના આક્ષેપ કર્યા હતા.
ગાંધીનગર: ગુજરાતમાં હાલમાં ચાલી રહેલ ભાજપના પ્રદેશ પ્રમુખની ચર્ચાઓ વચ્ચે કૉંગ્રેસે આજે રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ કર્યો છે, જેનું નામ આપવામાં આવ્યું છે – ‘વોટ ચોર – ગદ્દી છોડ અભિયાન’. આજે 3 ઓક્ટોબરથી શરૂ થયેલું આ અભિયાન 10 ઓક્ટોબર સુધી ચાલશે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ ચૂંટણીમાં થતી ગેરરીતિઓ, મતદાર યાદીમાં ખોટા નામો અને શંકાસ્પદ પ્રવૃત્તિઓને ઉજાગર કરવાનો છે.
આ અભિયાનની માહિતી આપવા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું હતું કે, ‘દેશભરમાં ચૂંટણી પ્રણાલી અંગે શંકાઓ વધતી જતી હતી. હવે કોંગ્રેસે પુરાવાઓ સાથે બતાવ્યું છે કે મતદાર યાદીમાં મોટી ગેરરીતિઓ છે અને એનો લાભ ભાજપ લઈ રહ્યું છે.’ તેમણે આક્ષેપ કર્યો કે, “ચૂંટણી પંચે નિષ્પક્ષતા ગુમાવી છે અને આજે ભાજપની કઠપૂતળી બની ગયું છે.”
અમિત ચાવડાએ આંકડાકીય માહિતી આપતા જણાવ્યું કે, ‘ગુજરાતમાં માત્ર 84 બેઠકો પર જ 2.40 લાખ મતદારોની ચકાસણી હાથ ધરતા, 30 હજારથી વધુ મતદારો શંકાસ્પદ, ડુપ્લીકેટ અથવા ખોટા હોવાનું સામે આવ્યું છે. આ આંકડા માત્ર શરૂઆત છે. સમગ્ર રાજ્યમાં જો ગંભીરતાથી ચકાસણી થાય તો આ સંખ્યા હજી વધી શકે છે. આ જ ગેરરીતિઓને કારણે ચૂંટણી પરિણામો પ્રભાવિત થાય છે. જેથી કોંગ્રેસ પક્ષે પુરાવાઓ એકત્ર કરીને તે ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવાની કવાયત શરૂ કરી છે.
નોંધનીય છે કે, ગુજરાત સાથે દેશના અન્ય રાજ્યોમાં પણ આ અભિયાન હાથ ધરાયું છે. કોંગ્રેસ હાઇકમાન્ડે નક્કી કર્યું છે કે 3 થી 10 ઓક્ટોબર દરમિયાન ‘વોટ ચોર – ગદ્દી છોડ’ સહી ઝુંબેશ યોજાશે. પક્ષે લક્ષ્ય રાખ્યું છે કે, આ ઝુંબેશ દરમિયાન દેશભરમાં 5 કરોડથી વધુ સહી એકત્ર કરવામાં આવશે. આ અભિયાનથી લોકતંત્રને બચાવવા માટે જનજાગૃતિ ફેલાશે અને ચૂંટણી પંચ પર દબાણ વધશે તેવું કોંગ્રેસનું માનવું છે.
કોંગ્રેસના આ દેશવ્યાપી અભિયાનમાં ગુજરાત કૉંગ્રેસે પોતાના કાર્યકરોને ગામગામ અને શહેરોમાં ઘર ઘર જઈ તપાસ કરવા જણાવ્યું છે. કોંગ્રેસના કાર્યકરો દરેક પરિવાર સુધી પહોંચીને નકલી અને ખોટા મતદારો અંગે માહિતી એકત્ર કરવાની ઝુંબેશ હાથ ધરાશે. આમ, કોંગ્રેસ સીધી રીતે લોકો વચ્ચે જઈને ચૂંટણી પ્રણાલીમાં ચાલી રહેલી ખામીને ઉઘાડું પાડવાની તૈયારી કરી રહી છે.
અંતે પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, “દેશભરમાં એક સુવ્યવસ્થિત ષડયંત્રના ભાગરૂપે વોટ ચોરી ચાલી રહી છે. ભાજપ પોતાના પક્ષે ચૂંટણી વાળવા માટે ચૂંટણી પંચના માધ્યમથી ગેરરીતિઓ કરાવે છે.” તેમણે દાવો કર્યો કે રાહુલ ગાંધીએ દેશના લોકોના મનમાં રહેલી શંકાઓને હવે ખુલ્લી પાડી દીધી છે. ત્યારે આ રીતે આજે શરૂ થયેલું ‘વોટ ચોર – ગદ્દી છોડ અભિયાન’ આગામી એક અઠવાડિયા સુધી કોંગ્રેસના કાર્યકર્તાઓને ઘેર ઘેર પહોંચાડી લોકતંત્ર બચાવવા માટેનો સંદેશ આપશે.
Gandhinagar,Gujarat
October 03, 2025 3:24 PM IST
