જુનાગઢ: સેવા મંડળીમાં 31 લાખનું ખાતર કૌભાંડ, પ્રમુખ ઝડપાયા | જુનાગઢ
Last Updated:
ઝાપોદડ સેવા સહકારી મંડળીના પ્રમુખ મનસુખ ગંગદાસ પાડલીયા અને મંડળીના મંત્રી કેવલ જીતેન્દ્ર જયસ્વાલએ ખાતર ખેડૂતોને વહેંચી અને પૈસાની ઉચાપત કરી હતી.
જુનાગઢ: જિલ્લાના વંથલીની ઝાપોદડ સેવા સહકારી મંડળીના પ્રમુખ અને મંત્રીએ 31 લાખનું ખાતર કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદ વંથલી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના મેનેજરે પોલીસમાં નોંધાવતા મંડળીના પ્રમુખની ધરપકડ કરવામાં આવી છે.
જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં 2022થી મેનેજર તરીકે ફરજ બજાવતા સતીષકુમાર ગોવિંદ ખટારીયાએ ઝાપોદડ સેવા સહકારી મંડળીના પ્રમુખ મનસુખ ગંગદાસ પાડલીયા અને મંડળીના મંત્રી કેવલ જીતેન્દ્ર જયસ્વાલ સામે વંથલી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં મંડળીના પ્રમુખ અને મંત્રી દ્વારા તા. 1 એપ્રિલ 2023થી તા 31 જાન્યુઆરી 2024 દરમિયાન ખરીદ વેચાણ સંઘ પાસેથી રાસાયણિક ખાતર સહિતની વસ્તુઓ મંગાવી હતી. જે ખાતર ખેડૂતોને વેચી તેના ઉપજેલા નાંણા વસુલી તે નાણા મંડળીના ખાતે જમા લીધા હતા. બાદમાં બને આરોપીઓએ પોતાની સહી ચેકમાં કરીને રૂ.19.45 લાખ મંડળીના મંત્રીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી લીધા અને બાદમાં તે રકમ પોતાના અંગત હિત માટે વાપરી ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાવામાં આવી છે.
ઝાપોદડ સેવા સહકારી મંડળીના પ્રમુખ મનસુખ ગંગદાસ પાડલીયા અને મંડળીના મંત્રી કેવલ જીતેન્દ્ર જયસ્વાલએ ખાતર ખેડૂતોને વહેંચી અને પૈસાની ઉચાપત કરી હતી. તેમજ ખરીદ વેચાણ સંઘનું ખાતરનું બીલ પણ ન ચૂકવીને કાવતરું રચીને ખરીદ વેચાણ સંઘ સાથે કુલ રૂ.31,06,129ની રકમની નાણાકીય ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધીને મંડળીના પ્રમુખ મનસુખ પાડલીયાની ધરપકડ કરીને ફરાર આરોપી જીતેન્દ્ર જયસ્વાલની શોધખોળ શરૂ કરી છે. તેમજ ઝડપાયેલા પ્રમુખની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
આ કૌભાંડમાં કોણ કોણ હજુ પણ સંડોવાયેલું છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આમ લાખોની કિંમતનું ખાતર વહેંચીને ઉચાપત કરનાર મંડળીના પ્રમુખ અને મંત્રી સામે ફરિયાદ તો નોંધાઈ છે પરંતુ હજુ પણ આ કૌભાંડમાં અનેક નામો ખૂલે તેવી શક્યતા છે.
Junagadh,Gujarat
September 29, 2025 3:39 PM IST
