જૂનાગઢ: રફતારનો કહેર, 140ની ઝડપે દોડતી કાર દુકાનમાં ઘૂસી, ભયાનક અકસ્માતના CCTV – Junagadh Speeding car rams into shop at 140 km CCTV footage of accident | જુનાગઢ
Last Updated:
અકસ્માત બાદ જ્યારે કારની તપાસ કરવામાં આવી ત્યારે તેનું સ્પિડોમીટર 140 કિમી પ્રતિ કલાકની ઝડપે લોક થઈ ગયું હતું. આ દ્રશ્ય જોઈને સ્થાનિકો અને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
જૂનાગઢ: જિલ્લાના કેશોદ પંથકમાં એક કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો છે. સોંદરડા GIDC નજીક એક બેફામ ગતિએ આવતી કારે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા તે સીધી રોડની સાઈડમાં આવેલી એક દુકાનમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારના સ્પિડોમીટરનો કાંટો 140ની ઝડપે અટકી ગયો હતો, જે દર્શાવે છે કે કારચાલક કેવા જોખમી સ્તરે ગાડી હંકારી રહ્યો હતો.
ઘટનાની વિગતો મુજબ, સોંદરડા જીઆઈડીસી પાસે પૂરપાટ ઝડપે જતી કાર અચાનક રોડ પરથી ફંટાઈને દુકાનમાં ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ પડીકું વળી ગયો હતો અને ચાલક અંદર ફસાઈ ગયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી અને કારનો દરવાજો તોડીને લોહીલુહાણ હાલતમાં ચાલકને બહાર કાઢ્યો હતો. તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કાર પળવારમાં દુકાનમાં ઘૂસી જાય છે. સદનસીબે જે સમયે કાર દુકાનમાં ઘૂસી ત્યારે ત્યાં કોઈ ગ્રાહક કે વ્યક્તિ હાજર નહોતું, નહીંતર મોટી જાનહાનિ થઈ શકી હોત. જોકે, કાર અથડાવાને કારણે દુકાન માલિકને મોટું આર્થિક નુકસાન થયું છે.
અકસ્માત બાદ જ્યારે કારની તપાસ કરવામાં આવી ત્યારે તેનું સ્પિડોમીટર 140 કિમી પ્રતિ કલાકની ઝડપે લોક થઈ ગયું હતું. આ દ્રશ્ય જોઈને સ્થાનિકો અને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. હાઈવે પર ‘રફતારના રાક્ષસો’ કઈ રીતે બીજાના અને પોતાના જીવ જોખમમાં મૂકે છે તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. હાલ પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
Junagadh,Gujarat
