તિરુપતિ મંદિર બોર્ડે કહ્યું-લાડુના મામલામાં ક્લીન ચિટ આપી નથી:SIT ચાર્જશીટમાં ઘીમાં ભેળસેળના પુરાવા; CBI રિપોર્ટમાં ચરબીની પુષ્ટિ નહીં
![]()
તિરુપતિ મંદિરના લાડુમાં ભેળસેળના મામલે મંદિરના બોર્ડ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એ કહ્યું કે તેણે કોઈને પણ ક્લીનચીટ આપી નથી. બોર્ડના ચેરમેન બીઆર નાયડુએ શુક્રવારે તિરુપતિમાં પદ્માવતી રેસ્ટ હાઉસમાં મીડિયા સાથે વાત કરી. તેમણે કહ્યું કે SITની ચાર્જશીટમાં શ્રીવારી લાડુ બનાવવામાં ભેળસેળયુક્ત ઘી હોવાનું સ્પષ્ટપણે સાબિત થયું છે. તેમણે કહ્યું કે કેટલાક ગ્રુપો ખોટો દાવો કરીને ભક્તોને ગેરમાર્ગે દોરી રહ્યા છે કે આ મામલે ક્લીનચીટ આપી દેવામાં આવી છે. ખરેખરમાં, CBIએ ફાઈનલ ચાર્જશીટમાં કહ્યું છે કે લાડુમાં પશુ ચરબી નહીં, પરંતુ ભેળસેળયુક્ત ઘીનો ઉપયોગ થયો હતો. નેલ્લોર કોર્ટમાં રજૂ કરાયેલી ચાર્જશીટમાં કહેવામાં આવ્યું કે પ્રસાદમાં ઉપયોગમાં લેવાતા ઘીમાં વનસ્પતિ તેલ, બીટા કેરોટિન અને એસ્ટર કેમિકલની ભેળસેળ મળી આવી. ઉત્તરાખંડના ભગવાનપુરની ભોલે બાબા ડેરીએ ભેળસેળયુક્ત ઘીનો સપ્લાય કર્યો હતો. YSRCPના વરિષ્ઠ નેતા અને પૂર્વ TTD ચેરમેન ભૂમના કરુણાકર રેડ્ડીએ જણાવ્યું હતું કે CBI રિપોર્ટમાં તિરુપતિ લાડુમાં કોઈ પશુ ચરબી મળી નથી. તેમણે કહ્યું કે રિપોર્ટે ગઠબંધનના નેતાઓના ખોટા પ્રચાર અને રાજકીય નાટકનો પર્દાફાશ કર્યો. નાયડુ બોલ્યા- કંપની પાસે ક્ષમતા ન હોવા છતાં ટેન્ડર અપાયું બીઆર નાયડુએ કહ્યું કે ઘીના ટેન્ડર એવી કંપનીઓને આપવામાં આવ્યા હતા જેમની પાસે જરૂરી ક્ષમતા નહોતી. લગભગ 60 લાખ કિલોગ્રામ ભેળસેળયુક્ત ઘી ખરીદવામાં આવ્યું, જેની કિંમત લગભગ ₹250 કરોડ હતી. તેમણે કહ્યું કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) દ્વારા કરાયેલા ટેસ્ટમાં ઘીમાં પશુની ચરબીની હોવાની પુષ્ટિ થઈ છે. ચેરમેન બીઆર નાયડુએ કહ્યું કે કેટલીક સંસ્થાઓએ એક પણ ગાય ન હોવા છતાં અથવા કોઈ વાસ્તવિક ઉત્પાદન ક્ષમતા ન હોવા છતાં ઘી બનાવવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે આ કથિત ભેળસેળયુક્ત ઘીનો ઉપયોગ કરીને લગભગ 200 મિલિયન લાડુ બનાવવામાં આવ્યા હતા, જેનાથી તિરુમાલા મંદિરની પવિત્રતાને ગંભીર નુકસાન થયું હતું. તેમણે આરોપ લગાવ્યો કે કેટલીક ડેરીઓને માત્ર કમિશન માટે પસંદ કરવામાં આવી હતી અને કેટલાક વ્યક્તિઓ પર જાણી જોઈને હિંદુ સમાજને નબળો પાડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. પહેલા આખો મામલો સમજો 2022માં લાડુ પ્રસાદમમાં ઉપયોગમાં લેવાતા ઘીમાં ભેળસેળની ઘણી ફરિયાદો મળી હતી. ત્યારબાદ SITએ તપાસ કરી હતી. ત્યારબાદ TTDએ ઉત્તરાખંડની ભોલેબાબા ડેરીને બ્લેકલિસ્ટ કરી દીધી હતી. આમ છતાં, ડેરી માલિકોએ અન્ય ડેરી ફર્મોના નામે ટેન્ડર મેળવ્યા અને ઘીનો પુરવઠો ચાલુ રાખ્યો. આમાં વૈષ્ણવી ડેરી (તિરુપતિ), માલ ગંગા ડેરી (ઉત્તર પ્રદેશ) અને AR ડેરી ફૂડ્સ (તમિલનાડુ)નો સમાવેશ થાય છે. આ બધું સુબ્બા રેડ્ડી ચેરમેન હતા ત્યારે થયું હતું. બોર્ડના પૂર્વ ચેરમેને હવન કર્યો આ દરમિયાન, મંગળવારે YSRCPના વરિષ્ઠ નેતા અને પૂર્વ TTD ચેરમેન ભૂમના કરુણાકર રેડ્ડીએ તિરુપતિમાં શ્રીનિવાસ પ્રસાદ નિંદા પરિહાર હોમમ (શ્રીનિવાસ પ્રસાદ નિંદા નિવારણ અનુષ્ઠાન) કર્યું. રેડ્ડીએ આ હવન પ્રાયશ્ચિત રૂપે કર્યો. તેમણે ચંદ્રબાબુ નાયડુ અને પવન કલ્યાણની ટિપ્પણીઓને પવિત્ર ભગવાન વેંકટેશ્વર સ્વામીના લાડુ પ્રસાદમ વિરુદ્ધ ગણાવી. YSRCPએ TDPના નેતૃત્વ હેઠળની ગઠબંધન સરકારની સખત ટીકા કરી. તેમણે કહ્યું કે તિરુપતિ લાડુના મુદ્દે CBI રિપોર્ટમાં તથ્યો સ્પષ્ટપણે સ્થાપિત થયા હોવા છતાં સરકારે પાયાવિહોણી ટિપ્પણીઓ કરી. રેડ્ડીએ કહ્યું કે લાડુમાં ભેળસેળ અંગેના CBI રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે કેટલાક અધિકારીઓ અને ઘી સપ્લાયરો વચ્ચે સાંઠગાંઠ હતી, અને આ મામલે કોઈ પણ YSRCP નેતાનો કોઈ ઉલ્લેખ નહોતો. આમ છતાં, મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ કેબિનેટ બેઠકોમાં આરોપો લગાવતા રહ્યા, ખોટો દાવો કરતા રહ્યા કે ટેન્ડર નિયમોમાં ઢીલના કારણે ભેળસેળ થઈ હતી. ભૂમનાએ કહ્યું કે ચંદ્રબાબુ નાયડુ અને નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ બંનેએ જાહેરમાં ભેળસેળ અંગે ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ CBI રિપોર્ટે સ્પષ્ટપણે પુષ્ટિ કરી કે તિરુપતિ લાડુમાં કોઈ પશુ ચરબી મળી નથી. તેમણે કહ્યું કે CBI રિપોર્ટ તેમની ગેરમાર્ગે દોરતી ઝુંબેશનો સીધો જવાબ હતો. TDPએ YSRCP પર આરોપ લગાવ્યો હતો આંધ્રના CM ચંદ્રબાબુ નાયડુની પાર્ટી TDPએ 18 સપ્ટેમ્બર 2025ના રોજ આરોપ લગાવ્યો હતો કે રાજ્યમાં YSR કોંગ્રેસ સરકારમાં તિરુપતિ મંદિરમાં મળતા લાડુ (પ્રસાદમ)માં પશુઓની ચરબીવાળું ઘી અને ફિશ ઓઈલ ભેળવવામાં આવ્યું હતું. તેના બીજા દિવસે TDPએ એક લેબ રિપોર્ટ બતાવીને પોતાના આરોપોની પુષ્ટિનો દાવો કર્યો. જાણો શું છે તિરુપતિ લાડુનો ઇતિહાસ તિરુમાલા મંદિરમાં રોજ 3.5 લાખથી વધુ ભક્તોને લાડુ પ્રસાદ આપવામાં આવે છે. આ પરંપરા 1715થી, એટલે કે 300 વર્ષથી વધુ સમયથી ચાલી રહી છે. પ્રસાદ મંદિરની રસોઈ પોટ્ટુમાં તૈયાર થાય છે, જ્યાં પરંપરાગત સમુદાયના કારીગરો પેઢીઓથી તેને બનાવવાની કળાને આગળ વધારી રહ્યા છે. લાડુને ભક્તોને આપતા પહેલા સૌથી પહેલા ભગવાન વેંકટેશ્વરને અર્પણ કરવામાં આવે છે. લાડુ બનાવવાની પ્રક્રિયાને દિત્તમ કહે છે લાડુ બનાવવાની પ્રક્રિયાને દિત્તમ કહેવામાં આવે છે. તેમાં કઈ વસ્તુ કેટલી માત્રામાં નાખવી તેનું ખૂબ જ સખ્તાઈથી પાલન કરવામાં આવે છે. આટલા લાંબા સમયમાં લાડુની રેસીપીમાં માત્ર છ વાર જ ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલા લાડુ બેસન અને ગોળની ચાસણીથી બનતા હતા, જેથી તે લાંબા સમય સુધી સારા રહે. બાદમાં સ્વાદ અને પૌષ્ટિકતા વધારવા માટે તેમાં બદામ, કાજુ અને કિસમિસ પણ ઉમેરવાનું શરૂ કરવામાં આવ્યું.
Source link