તુવેરની ખેતી નફાકારક સાબિત થઈ – Tuver cultivation proved profitable |


Last Updated:

પાટણ જિલ્લાના હારીજ એપીએમસી માર્કેટ યાર્ડમાં આ વર્ષે તુવેરની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ગયા વર્ષની સરખામણીએ આવક લગભગ બે ગણીએ પહોંચી છે અને ખેડૂતોને 1400 થી 1700 રૂપિયા સુધીના પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે. કપાસના પાકમાં થયેલા નુકસાન બાદ ઘણા ખેડૂતો હવે ઓછા ખર્ચ અને ઓછા જોખમવાળા તુવેર પાક તરફ વળી રહ્યા છે.

+

તુવેરની

તુવેરની ખેતી નફાકારક સાબિત થઈ

પાટણ: પાટણ જિલ્લાના હારીજ ખાતે આવેલ એપીએમસી માર્કેટ યાર્ડમાં આ વર્ષે તુવેરની આવકમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો તુવેરનું વેચાણ કરવા માટે હારીજ માર્કેટ યાર્ડ તરફ વળી રહ્યા છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે તુવેરની આવકમાં લગભગ બે ગણો વધારો જોવા મળ્યો છે, જેના કારણે માર્કેટ યાર્ડમાં વેપારીઓ અને ખેડૂતો વચ્ચે સારો વેપાર જોવા મળી રહ્યો છે. ખુલ્લી હરાજી, પોષણક્ષમ ભાવ અને ઝડપી પેમેન્ટ જેવી સુવિધાઓના કારણે હારીજ એપીએમસી ખેડૂતો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.

માહિતી મુજબ, ગયા વર્ષે સમગ્ર સીઝનમાં હારીજ માર્કેટયાર્ડમાં અંદાજે 25000 બોરી જેટલી તુવેરની આવક નોંધાઈ હતી, જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં જ 50000 થી વધુ બોરીની આવક નોંધાઈ ચૂકી છે. ખાસ વાત એ છે કે હજુ પણ થોડા દિવસ હરાજી ચાલુ રહેવાની હોવાથી આવકમાં વધુ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં દરરોજ સરેરાશ 2500 થી 3200 બોરી જેટલી તુવેરની આવક થઈ રહી છે, જ્યારે તમામ જણસીઓ મળી રોજની કુલ આવક લગભગ 12000 બોરી જેટલી નોંધાઈ રહી છે.

હારીજ એપીએમસીના સેક્રેટરી ચૌધરી વિનોદભાઈ દેવજીભાઈએ જણાવ્યું હતું કે આ વર્ષે તુવેરની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ખેડૂતોને અહીં પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે. આ વર્ષે ખેડૂતોને તુવેરના 1400 થી 1700 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે, જ્યારે ગયા વર્ષે ખેડૂતોને 1300 થી 1500 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. એટલે કે આ વર્ષે ભાવમાં 100 થી 200 રૂપિયાનો વધારો નોંધાયો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે તુવેરની આવક નવેમ્બર મહિનામાં શરૂ થતી હોય છે, પરંતુ આ વર્ષે વરસાદના કારણે આવક જાન્યુઆરી મહિનામાં શરૂ થઈ હતી અને હજુ પણ ચાલુ છે.

આ વર્ષે તુવેરના વાવેતરમાં વધારો થવાનું એક મહત્વનું કારણ કપાસના પાકમાં થતા નુકસાનને પણ માનવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી કપાસમાં જીવાત અને રોગચાળો તેમજ પિયતના પ્રશ્નોના કારણે ખેડૂતોને નુકસાન સહન કરવું પડતું હતું. જેના કારણે હવે ઘણા ખેડૂતો કપાસનું વાવેતર છોડીને તુવેર જેવા ઓછા ખર્ચ અને ઓછા જોખમવાળા પાક તરફ વળી રહ્યા છે. બિન પિયત ખેતીમાં પણ તુવેર સારું ઉત્પાદન આપતું હોવાથી ખેડૂતો માટે તે વધુ લાભદાયી બની રહ્યું છે.

હારીજ માર્કેટ યાર્ડમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ વિસ્તારો તેમજ મહેસાણા જિલ્લાના બહુચરાજી વિસ્તારના ખેડૂતો મોટી સંખ્યામાં તુવેરનું વેચાણ કરવા માટે આવી રહ્યા છે. હારીજ એપીએમસીમાં ખુલ્લી હરાજી થતી હોવાથી ખેડૂતોને પારદર્શક રીતે સારા ભાવ મળી રહે છે. ઉપરાંત ખેડૂતોને કેશ પેમેન્ટની સુવિધા આપવામાં આવતી હોવાથી પણ ખેડૂતો અહીં વેચાણ કરવા માટે પ્રાથમિકતા આપે છે.

હારીજની શૈલેષ ટ્રેડિંગ કંપનીના વેપારી જયેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે આ વર્ષે તુવેરની આવકમાં તેમજ ભાવમાં બંનેમાં વધારો જોવા મળ્યો છે. હાલમાં તુવેરનો એવરેજ ભાવ 1400 થી 1600 રૂપિયા સુધી ચાલી રહ્યો છે. ખુલ્લી હરાજી અને સારા ભાવના કારણે ખેડૂતો મોટી સંખ્યામાં અહીં વેચાણ કરવા માટે આવી રહ્યા છે, જેના કારણે વેપાર પણ સારો ચાલી રહ્યો છે.

ખેડૂતોને મળતા સારા ભાવ અંગે હારીજ તાલુકાના જાસ્કા ગામના ખેડૂત ઝાલા હિતુભા જીલુભાએ જણાવ્યું હતું કે આ વર્ષે તેમણે મોટા પ્રમાણમાં તુવેરનું વાવેતર કર્યું છે. તેઓ આજે લગભગ 100 મણ તુવેરનું વેચાણ કરવા માટે માર્કેટયાર્ડમાં આવ્યા છે અને તેમને સારા ભાવ મળી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હજુ તેમની પાસે લગભગ 1000 મણ જેટલી તુવેર બાકી છે, જે તેઓ આગામી દિવસોમાં વેચાણ માટે લાવશે. હારીજ એપીએમસીમાં સારા ભાવ, પારદર્શક હરાજી અને સરળ પેમેન્ટ વ્યવસ્થાના કારણે તેઓ દર વર્ષે અહીં વેચાણ કરવા માટે આવે છે.

આ પણ વાંચો: અનોખી લેધર હસ્તકલા, દીવાલ પર પડતી છાયા કહે છે રામાયણની વાર્તા

હારીજ માર્કેટયાર્ડમાં તુવેર ઉપરાંત ચણા, એરંડા અને રાયડા જેવી અન્ય કૃષિ જણસીઓની આવક પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. માર્કેટયાર્ડમાં ઉપલબ્ધ સુવિધાઓ, પારદર્શક કામગીરી અને સારા ભાવના કારણે ખેડૂતોનો વિશ્વાસ સતત વધતો જઈ રહ્યો છે. આ વર્ષે તુવેરની વધતી આવક અને સારા ભાવના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તુવેરના વધતા વાવેતર અને બજારમાં મળતા પોષણક્ષમ ભાવને કારણે આગામી વર્ષોમાં પણ તુવેરનું ઉત્પાદન અને આવક વધુ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હારીજ એપીએમસી ખેડૂતો માટે વિશ્વાસનું કેન્દ્ર બની રહ્યું છે, જ્યાં ખેડૂતોને તેમના ઉત્પાદનનું યોગ્ય મૂલ્ય મળી રહ્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *