દેશી કાંકરેજ ગાયથી પશુપાલન બિઝનેસ – Animal husbandry business from desi  Kankraj cows |


Last Updated:

Desi cow dairy farming: પાટણ જિલ્લાના સમી તાલુકાના નાયકા ગામના યુવા પશુપાલક પટેલ પ્રવીણકુમાર ભાવાભાઈ અને તેમના પરિવારએ દેશી કાંકરેજી ગાયના વૈજ્ઞાનિક પશુપાલન દ્વારા સફળતા હાંસલ કરી છે. માત્ર ચાર વર્ષમાં તેમણે દૂધ અને ઘીના સીધા વેચાણથી વર્ષમાં અંદાજે રૂપિયા 1.5 લાખથી વધુ નફાકારક આવક મેળવી છે. પશુપાલન સાથે પ્રાકૃતિક ખેતી, ગૌમૂત્રથી જીવામૃત અને બાયોગેસનો ઉપયોગ કરીને તેમણે આત્મનિર્ભરતાનું ઉત્તમ મોડેલ ઊભું કર્યું છે.

+

દેશી

દેશી કાંકરેજ ગાયથી પશુપાલન બિઝનેસ

પાટણ: પાટણ જિલ્લાના સમી તાલુકાના નાયકા ગામના યુવા પશુપાલક પટેલ પ્રવીણકુમાર ભાવાભાઈ અને તેમના પિતા પટેલ ભાવાભાઈ શીવાભાઈ આજે દેશી કાંકરેજી ગાયના પશુપાલન દ્વારા સારી આવક મેળવી અન્ય પશુપાલકો માટે પ્રેરણારૂપ બન્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી ખેતી સાથે જોડાયેલા આ પરિવારે છેલ્લા 4 વર્ષથી વૈજ્ઞાનિક પદ્ધતિથી પશુપાલન શરૂ કરી તેને સફળ વ્યવસાયમાં ફેરવ્યો છે. યોગ્ય આયોજન, દેશી ગાયોની પસંદગી અને ઘી-દૂધના સીધા વેચાણ દ્વારા તેઓ વર્ષે અંદાજે ₹1.5 લાખ જેટલી નફાકારક આવક મેળવી રહ્યા છે.

પ્રવીણભાઈ પટેલે બી.એ.પી.ટી.સી. સુધી અભ્યાસ કર્યો છે અને છેલ્લા 6 થી 7 વર્ષથી ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે. શરૂઆતમાં ઓછા પશુઓથી શરૂ કરેલા પશુપાલન વ્યવસાયને આજે તેમણે મોટા સ્તરે વિકસાવ્યો છે. હાલમાં તેમના પશુપાલન એકમમાં કુલ 60 જેટલા પશુઓ છે, જેમાંથી 20 જેટલા દૂધાળા પશુઓ છે. આ દૂધાળા પશુઓમાંથી રોજનું અંદાજે 60 લીટર જેટલું દૂધ ઉત્પાદન થાય છે. દેશી કાંકરેજી ગાયના દૂધમાં પૌષ્ટિક તત્ત્વો વધુ હોવાના કારણે બજારમાં તેની માંગ પણ સારી રહે છે.

પ્રવીણભાઈ જણાવે છે કે તેઓ ખાસ કરીને શિયાળાની ઋતુમાં દૂધમાંથી દેશી ઘી બનાવી તેનું વેચાણ કરે છે. દેશી કાંકરેજી ગાયના ઘીની ગુણવત્તા ઉત્તમ હોવાના કારણે ગ્રાહકોમાં તેની વિશેષ માંગ રહે છે. તેઓ ઘીનું વેચાણ ₹2000 થી રૂપિયા 2500 પ્રતિ લીટર સુધીના ભાવે કરે છે. ગયા શિયાળામાં તેમણે અંદાજે 80 થી 100 લીટર જેટલું ઘી વેચાણ કર્યું હતું, જેમાંથી આશરે રૂપિયા 1.5 લાખ થી 2 લાખ જેટલી આવક મેળવી હતી. ઘીની માંગ ઓછી હોય તેવા ઉનાળાના સમયમાં તેઓ દૂધનું વેચાણ છૂટક ગ્રાહકો તેમજ ડેરીમાં કરે છે, જેના કારણે તેમની આવક સતત ચાલુ રહે છે.

પશુપાલનમાં ખર્ચ અને આવક અંગે પ્રવીણભાઈ જણાવે છે કે પશુઓના ખોરાક, સારવાર અને જાળવણી પાછળ કુલ આવકના લગભગ 60 થી 70 ટકા જેટલો ખર્ચ થાય છે. તેમ છતાં યોગ્ય આયોજન અને સીધા વેચાણના કારણે તેમને વર્ષે સારો નફો મળી રહે છે. તેઓ માને છે કે દેશી ગાયોના પશુપાલનમાં ખર્ચ વધારે હોય છે, પરંતુ તેની સામે મળતો નફો પણ સારો હોય છે. પશુપાલન ઉપરાંત તેઓ પશુઓના છાણ અને ગૌમૂત્રનો પણ સદુપયોગ કરે છે. પશુઓના છાણને કોહવાઈ જવા દઈને તેનો ઉપયોગ પોતાના ખેતરમાં ખાતર તરીકે કરે છે, જેના કારણે જમીનની ફળદ્રુપતા વધે છે અને રાસાયણિક ખાતરનો ખર્ચ ઘટે છે. આ ઉપરાંત ગૌમૂત્રનો ઉપયોગ કરીને તેઓ જીવામૃત બનાવે છે, જે પાક માટે ઉત્તમ પ્રાકૃતિક ખાતર તરીકે ઉપયોગી છે. સાથે સાથે ગૌમૂત્ર અને છાણમાંથી બાયોગેસ પણ બનાવવામાં આવે છે, જેના કારણે ઊર્જાની બચત થાય છે અને પર્યાવરણનું સંરક્ષણ થાય છે.

સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે પણ પ્રવીણભાઈ સતત પ્રયત્નશીલ છે. તાજેતરમાં તેમણે પશુપાલનની 12 દૂધાળા પશુઓની સહાય યોજના માટે અરજી કરી છે, જે હાલમાં પ્રક્રિયામાં છે. આ યોજના હેઠળ તેમને પશુપાલન એકમના વિસ્તરણમાં મદદ મળશે તેવી આશા છે. આ ઉપરાંત તેમણે આત્મા પ્રોજેક્ટ હેઠળ બીઆરસી પ્રોજેક્ટ માટે પણ અરજી કરી છે, જે ગૌમૂત્રમાંથી જીવામૃત બનાવવામાં મદદરૂપ થશે. પ્રવીણભાઈની મહેનત અને સફળતાને માન્યતા પણ મળી છે. વર્ષ 2024-25 દરમિયાન તેમને તાલુકા કક્ષાના “શ્રેષ્ઠ પશુપાલક” તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ સાથે તેમને રૂપિયા 10000 નું રોકડ ઇનામ પણ મળ્યું હતું. આ સન્માન તેમના માટે ગૌરવની બાબત છે અને તેમને આગળ વધવા માટે વધુ પ્રેરણા આપે છે.

આ પણ વાંચો: અનોખી લેધર હસ્તકલા, દીવાલ પર પડતી છાયા કહે છે રામાયણની વાર્તા

પ્રવીણભાઈ પટેલ જણાવે છે કે પશુપાલન માત્ર પરંપરાગત વ્યવસાય નથી, પરંતુ યોગ્ય આયોજન અને આધુનિક પદ્ધતિ અપનાવવામાં આવે તો તે ખૂબ નફાકારક સાબિત થઈ શકે છે. દેશી કાંકરેજી ગાયનું દૂધ અને ઘી આરોગ્ય માટે લાભદાયી હોવાથી તેની બજારમાં હંમેશા માંગ રહે છે. તેઓ અન્ય યુવાનોને પણ પશુપાલન તરફ આગળ આવવા માટે પ્રેરણા આપે છે. આજે સમી તાલુકાના નાયકા ગામના પ્રવીણભાઈ પટેલ પોતાના વિસ્તારમાં સફળ પશુપાલક તરીકે ઓળખ ઉભી કરી છે. દેશી ગાયોના પશુપાલન, ઘી-દૂધના મૂલ્યવર્ધન અને પ્રાકૃતિક ખેતી સાથેના સંકલન દ્વારા તેમણે આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમની સફળતા અન્ય ખેડૂતો અને પશુપાલકો માટે પ્રેરણારૂપ બની છે અને ગ્રામ્ય વિસ્તારમાં પશુપાલન ક્ષેત્રે નવી દિશા દર્શાવી રહી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *