નસીબનો ખેલ જ અલગ છે સાહેબ: નાનકડી આ બાળકી માટે સુરત પોલીસ માતા-પિતા બની, ‘હસ્તી’ નામ રાખીને હરખભેર અપનાવી-Surats Dindoli police found a wandering girl and adopted her and named her Hasti | સુરત
Last Updated:
સુરતની ડિંડોલી પોલીસે એક નાનકડી બાળકી રઝળતી હાલતમાં મળી આવી હતી. જોકે પોલીસ દ્વારા આ બાળકીને અપનાવીને તેનું નામ હસ્તી રાખવામાં આવ્યું છે. સાથે જ પોલીસે આ બાળકી માટે જે કામ કર્યું છે તે જાણીને તમને પણ ખુશી થશે.
સુરત: દેલાડવા ગામના રામજી મંદિર પાસે તળાવના કિનારે ઠંડીની કડાકાભરી રાતે તરછોડી દેવાયેલી એક નવજાત બાળકી આજે ‘હસ્તી’ તરીકે નવી ઓળખ સાથે સુરક્ષિત જીવન તરફ આગળ વધી રહી છે. ભગવાનના આશરે છોડી ગયેલી આ બાળકી પર જાણે ઈશ્વરની કૃપા વરસી હોય તેમ તે હાલ સંપૂર્ણ સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે. મંદિર નજીકથી રડવાનો અવાજ સંભળાતા સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ડિંડોલી પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ ડિંડોલી પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો.
ઠંડીમાં નિર્વસ્ત્ર અને નિરાધાર હાલતમાં પડેલી બાળકીની હાલત જોઈ પોલીસ કર્મચારીઓ પણ ભાવુક બની ગયા હતા. પોલીસે કોઈ વિલંબ કર્યા વગર બાળકીની સુરક્ષા અને સારવારને પ્રાથમિકતા આપીને તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં બાળકીની સારવાર દરમ્યાન ડિંડોલી પોલીસનો મહિલા સ્ટાફ ખાસ કરીને મહિલા PSI બાળકી પાસે પહોંચ્યા હતા.
માતૃત્વભાવથી બાળકીની સંભાળ લેતા દ્રશ્યો હોસ્પિટલમાં ભાવુક ક્ષણો સર્જી ગયા હતા. બાળકી સાથે વાતો કરવી, તેને થપકીઓ આપવી અને પોતાના સંતાનની જેમ પ્રેમ વરસાવતા પોલીસ સ્ટાફને જોઈને ત્યાં હાજર લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. ડિંડોલી પોલીસે આ નિરાધાર બાળકીનું નામ ‘હસ્તી’ રાખવાનો સંવેદનશીલ નિર્ણય લીધો છે.
મંદિર નજીક રડતી હાલતમાં મળી આવેલી આ બાળકી હવે ‘હસ્તી’ તરીકે ઓળખાશે. પોલીસના જણાવ્યા મુજબ, હસ્તી હાલ અનાથ આશ્રમમાં સંપૂર્ણ સુરક્ષિત રીતે રાખવામાં આવી છે અને તેની તમામ જરૂરિયાતોનું યોગ્ય ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. બાળકીના ઉજ્જવળ ભવિષ્ય માટે PI આર.જે. ચુડાસમાએ મહત્વપૂર્ણ નિર્ણય લેતા હસ્તીના નામે બેંક એકાઉન્ટ ખોલાવવાનો નિર્ણય કર્યો છે.
ડિંડોલી પોલીસના કર્મચારીઓ પોતાની ક્ષમતા મુજબ બાળકીના ભવિષ્ય માટે નાણાંકીય નિધિ આપશે, જેથી હસ્તીનું શિક્ષણ અને આવનાર જીવન સુરક્ષિત બની શકે. આ ઉપરાંત, ડિંડોલી પોલીસ દ્વારા આવતા રવિવારે હસ્તીની છઠ્ઠી ઉજવવાનો પણ અનોખો નિર્ણય લેવામાં આવ્યો છે. અનાથ આશ્રમમાં સ્વજનની જેમ જઈ તમામ પરંપરાગત વિધિ અને ઉજવણી પોલીસ દ્વારા કરવામાં આવશે, જે સમાજમાં માનવતાનું અનોખું ઉદાહરણ રજૂ કરે છે.
કાયદાની ફરજ સાથે સંવેદના અને માનવતાને મહત્વ આપતી ડિંડોલી પોલીસે એકવાર ફરી સાબિત કર્યું છે કે પોલીસ માત્ર કાયદો અમલમાં મૂકતી સંસ્થા નથી, પરંતુ મુશ્કેલીમાં આવેલા દરેક નિરાધાર માટે આશાનો દીવો પણ છે. ‘હસ્તી’ના જીવનમાં ડિંડોલી પોલીસ દેવદૂત બનીને આવી છે અને તેનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે પોલીસ પરિવાર તરીકે ઉભી રહી છે. આ ઘટના માનવતા, સંવેદના અને ફરજભાવનું ડિંડોલી પોલીસે આપેલું જીવંત ઉદાહરણ બની રહી છે.
