નેપાળમાં બસ હાઈવે પરથી નદીમાં ખાબકી, 18નાં મોત:25 ઘાયલ, મૃત્યુ પામનાર લોકોમાં 2 વિદેશી નાગરિક; કંટ્રોલ ગુમાવવાથી દુર્ઘટના ઘટી




નેપાળના ધાદિંગ જિલ્લામાં સોમવારે વહેલી સવારે એક પેસેન્જર બસ હાઈવે પરથી નદીમાં ખાબકી. નેપાળી મીડિયા અનુસાર, આ અકસ્માતમાં 18 લોકોના મોત થયા છે, જ્યારે 25 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં એક પુરુષ અને એક મહિલા વિદેશી નાગરિકનો સમાવેશ થાય છે. જોકે, તેઓ કયા દેશના હતા અને તેમના નામ હજુ સામે આવ્યા નથી. પોલીસ દળ (APF) અનુસાર, અત્યાર સુધીમાં 17 મૃતદેહો મળી આવ્યા છે. બાદમાં અન્ય એક મુસાફરના મોતની પુષ્ટિ થઈ, જેનાથી મૃત્યુઆંક 18 પર પહોંચી ગયો. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને બચાવીને અલગ-અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકો અને ઘાયલોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. બસ (Ga 1 Kha 1421) પોખરાથી કાઠમંડુ તરફ જઈ રહી હતી, ત્યારે કોઈ કારણસર ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો અને બસ ત્રિશૂલી નદીમાં ખાબકી. આ અકસ્માત મોડી રાતે લગભગ 1:30 વાગ્યે ધાદિંગ જિલ્લાના બેનિઘાટ રોરાંગ ગ્રામીણ નગરપાલિકા-5 ના ભૈંસિગૌડા વિસ્તારમાં થયો હતો. હાલમાં અકસ્માતનું કારણ સ્પષ્ટ થયું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. અકસ્માત સમયે બસમાં 44 લોકો સવાર હતા મૃતકોમાં 12 પુરુષો અને 6 મહિલાઓનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું કે દુર્ઘટના સમયે બસમાં કુલ 44 મુસાફરો સવાર હતા. ઘાયલ 26 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે. કેટલાકની સારવાર સ્થાનિક હોસ્પિટલમાં ચાલી રહી છે, જ્યારે મોટાભાગનાને વધુ સારવાર માટે કાઠમંડુ રિફર કરવામાં આવ્યા છે. આ દુર્ઘટના મધ્યરાત્રિએ થઈ હોવાથી બચાવ અભિયાનમાં મુશ્કેલી પડી હતી. જોકે, સુરક્ષા એજન્સીઓના કર્મચારીઓએ સ્થાનિક નિવાસીઓ સાથે મળીને બચાવ કાર્ય કર્યું.



Source link