પટેલ પરિવારની ગુંડાગીરી, VIDEO:રિસોર્ટમાં મનાઈ છતાં ગુજ્જુઓ દારૂની બોટલ લાવ્યા, સ્ટાફને બેફામ ગાળો ભાંડી, 'મોટી ઓળખાણ'નો પાવર બતાવ્યો; અરુણાચલમાં 4 ગુજરાતી સામે ફરિયાદ




અરુણાચલ પ્રદેશના દિબાંગ વેલીમાં એક રિસોર્ટનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં એક ગુજરાતી પટેલ પરિવાર રિસોર્ટ સ્ટાફને ગાળો આપતા અને ધમકાવતા જોવા મળે છે. ત્યાર બાદ રિસોર્ટની ફરિયાદના આધારે ચાર સભ્ય સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટના અનિની સ્થિત ‘મિશ્મી હિલ્સ રિસોર્ટ’માં બની હતી. ચાલો… જાણીએ સમગ્ર ઘટના શું છે… અરુણાચલના આ રિસોર્ટમાં ગુજરાતી પ્રવાસીઓએ 18 ફેબ્રુઆરીએ ચેક-ઇન કર્યું હતું. રિસોર્ટની ફરિયાદ મુજબ, મહેમાનો જ્યારે આવ્યા ત્યારે જ તેમને જાણ કરવામાં આવી હતી કે રિસોર્ટની પોલિસી મુજબ બહારનું ખાવાનું અને દારૂ લાવવાની મનાઈ છે. આ છતાં 20 ફેબ્રુઆરીએ આ પરિવારે બહારથી દારૂની બોટલો લાવી હતી અને જ્યારે સ્ટાફે તેમને નિયમો યાદ અપાવ્યા ત્યારે તેઓ આક્રમક બની ગયા હતા. રિસોર્ટ સ્ટાફને બેફામ ગાળો ભાંડી અનિની પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRમાં આસ્થા દેવેન્દ્ર કુમાર પટેલ, ધ્રુવ દેવેન્દ્ર કુમાર પટેલ, સ્મિતા દેવેન્દ્ર કુમાર પટેલ અને દેવેન્દ્ર કુમાર પટેલનાં નામ છે. FIRમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આસ્થા અને ધ્રુવ પટેલે મહિલા સ્ટાફ સામે અભદ્ર અને જાતીય રીતે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો અને ધ્રુવ પટેલે એક કર્મચારી પર શારીરિક હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.
આરોપીઓએ રિસોર્ટના નિયમોના ડિસ્પ્લે ફ્રેમને પણ નુકસાન પહોંચાડ્યું હોવાનો આક્ષેપ છે. એટલું જ નહીં, તેમણે “મોટા કોન્ટેક્ટ”નો ઉપયોગ કરીને પ્રોપર્ટીને બદનામ કરવાની અને રિસોર્ટ બંધ કરાવી દેવાની ધમકી પણ આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ કેસમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં મહિલા સામે ગુનાહિત બળનો પ્રયોગ, અશ્લીલ કૃત્યો અને ગુનાહિત ધમકીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ કેસમાં SC/ST એક્ટની કલમો પણ ઉમેરવામાં આવી છે. રિસોર્ટના માલિકોએ ઇન્સ્ટાગ્રામ પર આ ઘટનાના વીડિયો ક્લિપ્સ સાથે એક સાર્વજનિક નિવેદન જારી કર્યું હતું, જેમાં લખ્યું હતું કે, “ભારે હૈયે અમારે આ નિવેદન આપવું પડી રહ્યું છે. વર્ષોથી અમે વિશ્વભરના પ્રવાસીઓનું સ્વાગત કરીએ છીએ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનમાં માનીએ છીએ, પરંતુ ગુજરાતના આ મહેમાનોએ સ્ટાફ સાથે અત્યંત અપમાનજનક અને અસ્વીકાર્ય વર્તન કર્યું છે.” ‘મોટી ઓળખાણ’નો પાવર બતાવ્યો નિવેદનમાં વધુમાં ઉમેર્યું હતું કે “તેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જેવી મોટી કોર્પોરેટ હસ્તીઓ અને સંસ્થાઓ સાથે પ્રભાવશાળી સંબંધો હોવાનો દાવો કરીને અમારી ટીમને ડરાવવાનો અને દબાણ કરવાનો પ્રયાસ કર્યો હતો.” મેનેજિંગ ડિરેક્ટર ચિમી લિંગીએ જણાવ્યું હતું કે જ્યારે તેમને આ વિશે ખબર પડી ત્યારે જિલ્લા પ્રવાસન અધિકારી પણ ત્યાં હાજર હતા અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, “અમે નમ્રતાથી વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ સતત ગુસ્સે થતા રહ્યા. અમારો યુવાન સ્ટાફ, જેમાંથી ઘણા આંતરિક વિસ્તારોમાંથી આવે છે, તેઓ આ ઘટનાથી ધ્રૂજી ગયા હતા.” દિબાંગ વેલીના પોલીસ અધીક્ષક (SP) રિંગુ એન.એ જણાવ્યું હતું કે “વીડિયો સામે આવ્યા બાદ અમે અધિકારીઓને તપાસ માટે મોકલ્યા હતા. આરોપીઓએ 21 ફેબ્રુઆરીની સવારે ચેક-આઉટ કરી લીધું હતું.” હાલમાં આ મામલે તપાસ ચાલુ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *