પશુઓને ઘાસચારો આપતી વખતે શું કાળજી રાખવી – What Care to Take While Feeding Animals | મહેસાણા


Last Updated:

ઉત્તરાયણનો તહેવાર દાન, કરુણા અને જીવદયાના ભાવ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે હજારો લોકો પશુઓને ઘાસચારો અને અનાજ ખવડાવી પુણ્ય કમાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ અજ્ઞાનતા અને અતિઉત્સાહના કારણે ઘણીવાર આ સારા ઇરાદા પશુઓ માટે જીવલેણ સાબિત થાય છે. પશુપાલન નિષ્ણાત ડૉ. બી. ડી. અમીન દ્વારા આપવામાં આવેલી ચેતવણી દરેક નાગરિક માટે વિચારવા જેવી છે.

+

પશુઓને

પશુઓને ઘાસચારો આપતી વખતે શું કાળજી રાખવી

મહેસાણા: ઉત્તરાયણનો તહેવાર ખાસ કરીને દાનના મહિમા સાથે જોડાયેલો પર્વ છે. આ દિવસે મોટી સંખ્યામાં લોકો ગાય, ભેંસ, બળદ સહિતના પશુઓને ઘાસચારો, ઘુઘરી અને અનાજ ખવડાવી પુણ્ય કમાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ ઘણીવાર આ સારા ઇરાદા અજ્ઞાનતાના કારણે પશુઓ માટે જોખમરૂપ બની જાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઉત્તરાયણ દરમિયાન અનેક પશુઓના અચાનક મોતના કિસ્સાઓ સામે આવ્યા છે, જે સમાજ માટે ગંભીર ચેતવણી સમાન છે.

આ બાબતે પશુપાલન નિષ્ણાત ડૉ. બી. ડી. અમીન (મદદનીશ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત) જણાવે છે કે ઉત્તરાયણના દિવસોમાં ખાસ કરીને ઘણા લોકો જાતે જ ઘાસચારો ખરીદીને પશુઓને ખવડાવતા હોય છે. પરંતુ અચાનક વધુ માત્રામાં ખોરાક મળતા પશુઓ એકીસાથે ખાવાનો પ્રયત્ન કરે છે. જેના કારણે પશુઓને આફરો ચડવો, ગેસ થવો અને પાચનતંત્રમાં વિક્ષેપ જેવી ગંભીર સમસ્યાઓ સર્જાય છે. સમયસર સારવાર ન મળે તો પશુનું મૃત્યુ પણ થઈ શકે છે અને આવા અનેક કેસો દર વર્ષે સામે આવે છે.

ડૉ. બી. ડી. અમીન વધુમાં જણાવે છે કે પશુઓને આપતા ઘાસચારામાં ખૂબ સાવચેતી રાખવી જરૂરી છે. ખાસ કરીને કુણા ઘાસચારો અને કુણી જુવાર ઘણીવાર પશુઓ માટે ઝેરી સાબિત થાય છે. તેનું મુખ્ય કારણ એ છે કે આવા કાચા ઘાસચારામાં સાઈનાઈડ જેવા ઝેરી તત્વો રહેલા હોય છે. જ્યારે આ ઝેરી તત્વો પશુના શરીરમાં પ્રવેશે છે ત્યારે તેના નસતંત્ર અને શ્વસનતંત્ર પર ગંભીર અસર પડે છે, જેના કારણે પશુ બેચેન થાય છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને ઘણીવાર અચાનક ઢળી પડે છે. આવી સ્થિતિમાં જો તરત પશુચિકિત્સા ન મળે તો પશુને બચાવવું મુશ્કેલ બની જાય છે. ડૉ. બી. ડી. અમીન લોકોને સ્પષ્ટ રીતે અપીલ કરે છે કે હંમેશા મેચ્યોર થયેલ અને સુકાયેલો ઘાસચારો જ પશુઓને આપવો જોઈએ.

ઉત્તરાયણના દિવસે ઘણા લોકો પોતાના ઘરમાં પડેલું અનાજ જેમ કે ઘઉં, બાજરો કે મકાઈ ઉકાળી કે કાચી સ્થિતિમાં પશુઓ માટે રસ્તા પર મૂકી જાય છે. પશુઓ ભૂખ્યા હોવાને કારણે એકીસાથે બધું ખાઈ જાય છે. તેઓ જણાવે છે કે આ રીતે અચાનક વધુ અનાજ ખાવાથી પશુઓમાં ભારે ગેસ બને છે, આફરો થાય છે અને અંતે ફેફસાં પર દબાણ વધે છે. પરિણામે શ્વાસ લેવામાં અડચણ પડે છે અને ગંભીર સ્થિતિમાં પશુનું મૃત્યુ પણ થઈ શકે છે. તેમના કહેવા મુજબ, આપણો આશય દાન કરવાનો અને પુણ્ય કમાવવાનો હોય છે, પરંતુ અજાણતા આવા ખોરાકથી પશુઓને નુકસાન પહોંચે તો તે પુણ્ય નહીં પરંતુ પાપ સમાન બની જાય છે. લોકોને સલાહ આપે છે કે દાન કરવું હોય તો પાંજરાપોળ કે ગૌશાળા જેવી સંસ્થાઓમાં જ કરવું જોઈએ, જ્યાં પ્રશિક્ષિત લોકો પશુઓને યોગ્ય માત્રામાં અને યોગ્ય પ્રકારનો ખોરાક આપે છે.

આ પણ વાંચો: ઉષાબેન પટેલના હાથનો જાદુ! 90 કિલો ઉંબાડિયું રોજ તૈયાર થાય છે, લોકો 50 કિમી દૂરથી આવે ખરીદવા

આ ઉપરાંત જાહેર જગ્યાઓમાં ઘાસચારો અને અનાજ નાખવાથી ગંદકી ફેલાય છે અને પશુઓ અનિયંત્રિત રીતે ખોરાક ખાઈ લે છે. તે પણ પશુઓના આરોગ્ય માટે જોખમરૂપ છે. તેથી જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવી અને પશુઓને સુરક્ષિત રીતે ખોરાક આપવો દરેક નાગરિકની જવાબદારી છે. અંતમાં તેઓ કહે છે કે ઉત્તરાયણ માત્ર પતંગ ઉડાવવાનો કે દાન કરવાનો તહેવાર નથી, પરંતુ જીવદયા અને કરુણાનો પર્વ છે. જો આપણે થોડી સમજદારી અને સાવચેતી રાખીએ તો આપણું દાન પશુઓ માટે આશીર્વાદ બનશે અને ઉત્તરાયણનો તહેવાર સાચા અર્થમાં પુણ્યમય બની રહેશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *