પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતી માછીમારો માટે સરકારે શું કહ્યું? ગૃહમાં રજૂ થયા સહાયના આંકડા- What did the government say about Gujarati fishermen imprisoned in Pakistan Assistance figures presented in House | ગાંધીનગર
Last Updated:
ગુજરાત વિધાનસભા બજેટ સત્રમાં વિમલ ચુડાસમાએ પાકિસ્તાની કબજામાં રહેલા માછીમારોના પરિવારોની મળતી સહાય અંગે પ્રશ્ન પૂછ્યો હતો. જેના જવાબમાં સરકારે વર્ષ 2024માં 105 અને 2025માં 101 કુટુંબોને સહાય આપી હોવાનું સામે આવ્યું છે.
ગાંધીનગર: ગુજરાત રાજ્ય પાસે ભારતનો સૌથી લાંબો 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો મળ્યો છે. જેથી ગુજરાત રાજ્ય માછીમારી ક્ષેત્રે પણ મોખરે છે. જોકે માછીમારી કરવા જતા આ લોકો ક્યારેક પાકિસ્તાન સરહદે પહોંચે અને પાકિસ્તાન સકંજામાં સપડાઈ જવાના કિસ્સા બને છે. ત્યારે પાકિસ્તાની તંત્ર દ્વારા પકડાયેલા ગુજરાતના માછીમારો સાથે સંકળાયેલા મહત્ત્વના મુદ્દે હાલમાં ચાલી રહેલા ગુજરાત વિધાનસભા બજેટ સત્ર દરમિયાન ગૃહમાં આજે પ્રશ્નોત્તરી દરમ્યાન આ ચર્ચાયો હતો.
સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આ મામલે ગૃહમાં પ્રશ્ન પૂછ્યો હતો કે, પાકિસ્તાની તંત્ર દ્વારા પકડાયેલા ગુજરાતના માછીમારોના પરિવારો માટે રાજ્ય સરકાર દ્વારા કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે? જેના જવાબમાં મત્સ્યોદ્યોગ મંત્રીએ જણાવ્યું હતું કે, ’31 ડિસેમ્બર 2025ની સ્થિતિએ પાકિસ્તાની સત્તાવાળાઓના કબજામાં રહેલા માછીમારોના પરિવારોને જીવનનિર્વાહ માટે દૈનિક રૂ. 300ની સહાય ચૂકવવામાં આવે છે.
સરકારે આ મામલે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘આ સહાયના દરો 1 એપ્રિલ 2019થી અમલમાં છે. આ દરોમાં છેલ્લો વધારો 1 એપ્રિલ 2019ના રોજ કરવામાં આવ્યો હતો, જેમાં 150/- નો વધારો જાહેર કરાયો હતો. જોકે સરકારે આપેલા આ જવાબ બાદ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આ મામલે જ અન્ય એક પેટા પ્રશ્ન પૂછ્યો હતો કે, છેલ્લા બે વર્ષમાં કેટલા માછીમારોને આ સહાય ચૂકવવામાં આવી છે?
આ અંગેનો જવાબ આપતા સરકારના મત્સ્ય પાલન મંત્રીએ આંકડા આપતા જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષ દરમિયાન સહાય મેળવનારા માછીમાર કુટુંબોના આંકડા પણ સામે આવ્યા છે. તે મુજબ વર્ષ 2024માં કુલ 105 માછીમાર કુટુંબોને સહાય ચૂકવવામાં આવી હતી. જ્યારે વર્ષ 2025માં આ લાભ મેળવનારા કુટુંબોની સંખ્યા 101 રહી હતી. આ આર્થિક સહાયનો મુખ્ય હેતુ જેલબંધી દરમિયાન માછીમારોના પરિવારોના જીવનનિર્વાહમાં મદદરૂપ થવાનો છે.
Gandhinagar,Gujarat
