બહેરામપુરા હત્યાકેસના મૂળમાં એક વર્ષ જૂની સામાન્ય બબાલ! સગીરે ચોટીલાથી છરો ખરીદી કાંડ કર્યો- A year-old common quarrel at root of Behrampura murder case minor bought knife from chotila for this | અમદાવાદ
Last Updated:
અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં ગઈકાલે સાંજે થયેલી હત્યા કેસમાં હાલ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે, આ મામલે પોલીસે ગૌતમ ઉર્ફે ઇન્ડો સોલંકી અને એક સગીર ઝડપી પાડ્યા છે અને આખી ઘટનાનું મુળ એક વર્ષ જુની એક સામાન્ય બબાલ હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ: શહેરના બહેરામપુરા વિસ્તારમાં શનિવાર મોડી સાંજે હત્યાનો બનાવ સામે આવ્યો છે. ચાલીના ઓટલા પર બેસવા બાબતે થયેલ ઝઘડાની અદાવતમાં એક સગીર સહિત બે લોકોએ યુવકને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું આ હત્યા કેસની હાલની તપાસમાં ખુલ્યું છે અને હાલ આ મામલે ક્રાઇમબ્રાન્ચએ ગણતરીની કલાકોમાં જ આરોપીઓને ઝડપી લીધા હોવાની માહિતી સામે આવી રહી છે.
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાણે કે કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા 12 દિવસમાં એક પછી એક હત્યાના પાંચ બનાવો સામે આવ્યાં છે. સરખેજ, વટવા, મણિનગર, નારોલ બાદ બહેરામપુરામાં યુવકની હત્યા કરવામાં આવી છે. એકાદ વર્ષ અગાઉ ચાલીના ઓટલા પર બેસવા બાબતે થયેલ ઝઘડાની અદાવતમાં યુવકને જાહેરમાં જ છરીના ઘા મારીને હત્યા નીપજાવી છે.
ગઈકાલે 21મી ફેબ્રુઆરીએ મોડી સાંજના સમયે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં હત્યા થઈ હોવાની જાણ થતાં જ ક્રાઇમબ્રાન્ચ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતકની હિમેશ પરમાર તરીકેની ઓળખ થયા બાદ પોલીસે ગણતરીની કલાકોમાં જ એક સગીર તેમજ ગૌતમ ઉર્ફે ઇન્ડો સોલંકી નામના આરોપીને ઝડપી લીધા છે.
આ મામલે ક્રાઇમબ્રાન્ચની પૂછપરછમાં સામે આવ્યું છે કે, મૃતક હિમેશ પરમાર અને આરોપી ગૌતમ અગાઉ દુધવાળી ચાલીમાં સાથે રહેતા હતાં. ત્યારે આ કેસમાં સહઆરોપી સગીર ગૌતમનો મિત્ર હોવાથી તે ગૌતમના ઘરે અવારનવાર આવતો હતો. આ દરમિયાન એકાદ વર્ષ અગાઉ મૃતક હિમેશે આરોપીઓને તેના ઘરના ઓટલા પર બેસવા અથવા તો મોટેથી વાતો ના કરવા માટે વારંવાર ચેતવણી આપી હતી.

આ બાબતને લઈને બંન્ને વચ્ચે બોલાચાલી ઝઘડો પણ થયો હતો. જેમાં મૃતકે સગીરને માર માર્યો હતો. જેથી સગીરે હિમેશની હત્યા કરવાનું નક્કી કરી લીધું હતું. અને જ્યારે તે મિત્રો સાથે ચોટીલા દર્શન માટે ગયો હતો. ત્યારે જ તેણે એક છરો ખરીદ્યો હતો. જે હથિયારથી તેણે આ હત્યાના બનાવને અંજામ આપ્યો છે.
હાલ આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. જેના આધારે ક્રાઇમબ્રાન્ચએ આરોપીઓની ઓળખ કરીને શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન આરોપીઓ રિવરફ્રન્ટ પર હોવાની બાતમી મળતા ક્રાઇમબ્રાન્ચએ બંન્નેને ઝડપી લીધા છે. હાલમાં આ બંન્ને આરોપીઓને ઝડપીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Ahmedabad,Gujarat
