'ભારતીયો તાત્કાલિક ઈરાન છોડી દે':ભારત સરકારે નાગરિકોને એડવાઈઝરી જારી કરી, મદદ માટે ફોન નંબર પણ જાહેર કર્યા
![]()
ઈરાનમાં બગડતી પરિસ્થિતિ વચ્ચે, ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા ભારતીયો માટે એક મહત્વપૂર્ણ એડવાઈઝરી જાહેરી કરી છે. તેમાં ઈરાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે દેશ છોડી દેવાની સલાહ આપી છે. ઈરાનમાં તાજેતરના ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને, ભારતે તેના નાગરિકોને તાત્કાલિક ત્યાંથી નીકળી જવાની સલાહ આપી છે. તેહરાનમાં ભારતીય દૂતાવાસે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્પષ્ટ કર્યું છે કે ઈરાનમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ, યાત્રાળુઓ, ઉદ્યોગપતિઓ અને પ્રવાસીઓએ શક્ય તેટલી વહેલી તકે વિમાન પકડીને અથવા અન્ય માધ્યમથી દેશ છોડી દે. દૂતાવાસે નાગરિકોને પ્રદર્શનો અથવા ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવાની સલાહ આપી છે.
ભારતીય નાગરિકોને ઈરાનમાં સાવધાની રાખવા અને વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા હોય તેવા વિસ્તારોમાં મુસાફરી કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. ભારતીય નાગરિકોને ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવા કહેવામાં આવ્યું છે. તેમને સ્થાનિક મીડિયા પર નજર રાખવાનું પણ કહેવામાં આવ્યું છે. નાગરિકોને પાસપોર્ટ અને આઈડી સહિત તેમના તમામ ઇમિગ્રેશન દસ્તાવેજો હાથમાં રાખવાની પણ સલાહ આપવામાં આવી છે. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલી આ સલાહમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ મદદ માટે તેઓએ ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવો જોઈએ. ભારતીય દૂતાવાસે ઈમરજન્સી મદદ માટે અનેક હેલ્પલાઇન નંબરો પણ જારી કર્યા છે જેથી મુશ્કેલીમાં ફસાયેલા ભારતીયોને તાત્કાલિક મદદ મળી શકે. ભારતીય નાગરિકોને +98 9128109115, +98 9128109109, +98 9128109102, અને +98 9932179359 નંબરો પર સંપર્ક કરવા માટે કહેવામાં આવ્યું છે. સહાય માટે એક ઇમેઇલ cons.tehran@mea.gov.in. પણ જારી કરવામાં આવ્યું છે. ભારતીય દૂતાવાસે ઈરાનમાં હાજર રહેલા તમામ ભારતીય નાગરિકોને, જેમણે હજુ સુધી દૂતાવાસમાં રજીસ્ટ્રેશન કરાવ્યું નથી, તેમને દૂતાવાસમાં રજીસ્ટ્રેશન કરાવવા જણાવ્યું છે. દૂતાવાસે કહ્યું છે કે જો ઇન્ટરનેટ બંધ થવાને કારણે ત્યાંથી રજીસ્ટ્રેશન શક્ય ન હોય, તો ભારતમાં હાજર તમારા સંબંધીઓ સાથે ઓનલાઈન લિંક https://www.meaers.com/request/home દ્વારા રજીસ્ટ્રેશન કરાવી શકાય છે.
આ પહેલા અમેરિકાએ પણ પોતાના નાગરિકો માટે આવી જ સલાહ જારી કરી હતી અને ત્યાં હાજર અમેરિકન નાગરિકોને તાત્કાલિક ઈરાન છોડી દેવા કહ્યું હતું.દૂતાવાસે લોકોને વિનંતી કરી કે તેઓ કોઈપણ ઉપલબ્ધ માધ્યમથી દેશ છોડી દે. જો વિમાન સેવાઓ ચાલુ ન હોય, તો રોડ માર્ગે પડોશી આર્મેનિયા અથવા તુર્કી ચાલ્યા જાય. અમેરિકન વર્ચ્યુઅલ એમ્બેસીએ એક ચેતવણી જારી કરીને કહ્યું છે કે સમગ્ર ઈરાનમાં હિંસક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને તે ગમે ત્યારે હિંસક બની શકે છે. ઈરાની સરકારે મોબાઈલ, લેન્ડલાઈન ફોન અને ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધો લાદ્યા છે. રસ્તાઓ પર નાકાબંધી અને પહ્લિક ટ્રાન્સપોર્ટ ઠપ્પ થયાના અહેવાલો પણ છે.
Source link