મગફળી અને કપાસ છોડી ખેડૂતે કેળા ઉગાડ્યા – farmer grew bananas instead of groundnuts and cotton | અમરેલી
Last Updated:
અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં હવે ખેતી માત્ર પરંપરા રહી નથી, પરંતુ આવક વધારવાનું શક્તિશાળી સાધન બની રહી છે. કપાસ અને મગફળી જેવી પરંપરાગત ખેતીમાં વધતા ખર્ચ અને ઘટતા ભાવથી નિરાશ થયેલા યુવા ખેડૂતો હવે બાગાયતી પાક તરફ વળી રહ્યા છે અને લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે.
અમરેલી: અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ખેતીનું ચિત્ર ઝડપથી બદલાઈ રહ્યું છે. વર્ષોથી ચાલતી પરંપરાગત ખેતી જેમ કે કપાસ અને મગફળીમાંથી ખેડૂતોને અપેક્ષિત ઉત્પાદન અને યોગ્ય ભાવ ન મળતાં, ખાસ કરીને યુવા ખેડૂતો નવી દિશામાં આગળ વધી રહ્યા છે. રોકડિયા પાક અને બાગાયતી ખેતી તરફ વળવાની વૃત્તિ વધી રહી છે અને તેના પરિણામે ખેડૂતોને લાખો રૂપિયાની આવક થવા લાગી છે.
ખાસ કરીને કરજાળા ગામ (સાવરકુંડલા તાલુકો)ના યુવા ખેડૂતોએ કેળાની ખેતી અપનાવીને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પરંપરાગત ખેતીમાં વધતા ખર્ચ, અનિશ્ચિત હવામાન અને બજારમાં ભાવની અસ્થિરતા જેવા પ્રશ્નોથી ખેડૂતો કંટાળી ગયા હતા. આવી સ્થિતિમાં બાગાયતી પાકોમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને યોગ્ય ભાવ મળતા હોવાને કારણે ખેતી નફાકારક બની રહી છે.

કરજાળા ગામના યુવા ખેડૂત નૈમિષ ત્રિવેદી જણાવે છે કે તેમણે ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે અને આધુનિક ખેતી પદ્ધતિઓ અંગે જાણકારી મેળવીને ખેતીમાં નવતર પ્રયોગો કર્યા છે. હાલ તેઓ 15 વીઘા જમીનમાં કેળાનું વાવેતર કરી રહ્યા છે. નૈમિષભાઈના જણાવ્યા મુજબ, એક વીઘામાં કેળાની ખેતી માટે અંદાજે 50 હજારથી 60 હજાર રૂપિયા જેટલો ખર્ચ થાય છે, જેમાં રોપણી, ખાતર, સિંચાઈ અને સંભાળનો ખર્ચ સમાવેશ થાય છે. આ ખર્ચ સામે મળતું ઉત્પાદન ખેડૂતોને આત્મવિશ્વાસ આપે છે. એક વીઘામાં સરેરાશ 1400 મણ જેટલું કેળાનું ઉત્પાદન મળે છે. બજારમાં સામાન્ય રીતે 200 રૂપિયા પ્રતિ મણ ભાવ મળતા, એક વીઘામાંથી બે લાખ રૂપિયાથી વધુની આવક શક્ય બને છે. જો રોગ-જીવાતનો પ્રકોપ ન આવે અને બજારમાં ભાવ સારો રહે, તો નફો વધુ પણ થઈ શકે છે.
નૈમિષભાઈ કહે છે કે, કેળાની ખેતીમાં મહેનત અને મજૂરી પરંપરાગત પાકોની સરખામણીએ ઓછી છે. યોગ્ય માર્ગદર્શન અને સમયસર ખેતી કરવાથી ઉત્પાદન સારું મળે છે. સૌથી મોટો ફાયદો એ છે કે આવક નિશ્ચિત અને સંતોષકારક રહે છે. આ કારણે તેમણે કેળાની ખેતી પસંદ કરી છે અને આગામી વર્ષોમાં આ ખેતીમાંથી લાખો રૂપિયાનું ઉત્પાદન મળશે એવી તેમને પૂરી આશા છે.
અમરેલી જિલ્લાના અનેક યુવા ખેડૂતોએ હવે બાગાયતી પાકો જેમ કે કેળું, પપૈયું, દાડમ અને કેસર કેરી તરફ વળવાનું શરૂ કર્યું છે. સરકારની યોજનાઓ, ખેતી માર્ગદર્શન અને બજારની માંગને ધ્યાનમાં રાખી લેવામાં આવેલા આ નિર્ણયો ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવી રહ્યા છે. પરંપરાગત ખેતીમાંથી બહાર આવી આધુનિક અને નફાકારક ખેતી અપનાવવાથી યુવા ખેડૂતો આત્મનિર્ભર બની રહ્યા છે અને અન્ય ખેડૂતોને પણ નવી દિશા દેખાડી રહ્યા છે.