મિત્રો જ બન્યા હેવાન! સગીરાને એકલામાં લઈ જઈ વારાફરતી કર્યું કુકર્મ, વાંસદાનો હચમચાવતો કિસ્સો- minor girl was gang-raped by her three friends in Navsari Vansda police detain all accused | નવસારી
Last Updated:
વાંસદા તાલુકામાં ત્રણ પરિચિત મિત્રો દ્વારા સગીરાની સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. સગીરાએ પરિવારને આપવીતી કહી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. DySP ભગીરથ સિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ત્રણેય આરોપીઓને પકડી લીધા છે.
નવસારી: વાંસદા તાલુકામાં એક સગીરા પર તેના જ ત્રણ પરિચિત મિત્રો દ્વારા સામૂહિક દુષ્કર્મ (ગેંગરેપ) આચર્યું હોવાનો ગંભીર કિસ્સો હાલ સામે આવ્યો છે. માનવતાને શરમાવે તેવી વાંસદાની આ આઘાતજનક ઘટનાની વિગતો પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં રોષ અને અરેરાટી ફેલાઈ ગઈ છે. ત્યારે પોલીસે પણ ઘટનાને ગંભીરતાથી લઈ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી, જેના કારણે ગણતરીના કલાકોમાં જ તમામ નરાધમોને પોલીસે પકડી પાડ્યા છે અને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
ઘટનાની વિગતવાર વાત કરીએ તો, વાંસદામાં રહેતી સગીરાને ગઈકાલે તેના જ ત્રણ પરિચિત મિત્રો વિશ્વાસમાં લઈ ગયા હતા અને એકાંત જગ્યાએ આ ત્રણેય નરાધમોએ સગીરાની મરજી વિરુદ્ધ વારાફરતી તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. વિશ્વાસઘાત અને હેવાનિયતનો ભોગ બનેલી સગીરા ઘરે પરત ફરી હતી, ત્યારે તેણીએ હિંમત કરી પોતાના પરિવારજનોને આપવીતી જણાવી હતી. જે બાદ દીકરીની વાત સાંભળી પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, ત્યારે તેઓ તુરંત ન્યાય માટે પોલીસ સ્ટેશન દોડી ગયા હતા અને સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી.
ઘટનાની ગંભીરતાને જોતા નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને વાંસદા પોલીસની ટીમો તાત્કાલિક એક્શનમાં આવી હતી અને નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક (DySP) ભગીરથ સિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસે જુદી-જુદી ટીમો બનાવી તપાસ તેજ કરી હતી. જેથી પોલીસની તાત્કાલિક કાર્યવાહીને પગલે ગણતરીના કલાકોમાં જ સગીરા પર હવસ સંતોષનાર તેના ત્રણેય મિત્રોને ડીટેઈન કરી લેવામાં આવ્યા છે.
હાલ આ મામલે વાંસદા પોલીસ સ્ટેશનમાં ત્રણેય મિત્રો વિરુદ્ધ ગેંગરેપ (સામૂહિક દુષ્કર્મ) અને પોક્સો (POCSO) એક્ટની કડક કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જે મામલે DySP ભગીરથ સિંહ ગોહિલે જણાવ્યું હતું કે, પીડિત સગીરાની ફરિયાદના આધારે આગળની સઘન તપાસ વાંસદા PI આહારીને સોંપવામાં આવી છે. પોલીસ હવે આરોપીઓના રિમાન્ડ મેળવી ઘટનાના સ્થળનું પંચનામું કરવા અને પુરાવા એકત્રિત કરવાની તજવીજ હાથ ધરી રહી છે.
Navsari,Gujarat
Jan 09, 2026 12:30 PM IST
