રાજકોટના મોબાઈલ વેપારી નિલેશભાઈ: શ્વાનોના સાચા મિત્ર અને માનવતાનું જીવંત ઉદાહરણ – dog service that keeps humanity alive the inspiring story of nileshbhai from rajkot | રાજકોટ
Last Updated:
રાજકોટના વ્યસ્ત જીવનમાં એક એવા વ્યક્તિની વાત છે, જેમના માટે સફળ વેપાર અને બહુરંગી વ્યવસાયો માત્ર એક પાસું છે, પરંતુ અસલી ઓળખ તો અબોલ પ્રાણીઓ પ્રત્યેની અગાધ કરુણા અને સેવાભાવના છે. મૂળ ધાનેરાના નિલેશભાઈ આજે રાજકોટ શહેરમાં મોબાઈલ દુકાનો, મેડિકલ સ્ટોર અને હોટલો ચલાવીને સફળ વેપારી તરીકે જાણીતા હોય, ત્યારે તેમનું હૃદય રસ્તા પર રહેતા શ્વાનોની સેવા માટે ધડકે છે.
રાજકોટ શહેરમાં રહેતા અને મૂળ ધાનેરાના નિલેશભાઈ આજે માત્ર એક વેપારી તરીકે નહીં, પરંતુ પ્રાણીઓ પ્રત્યે માનવતા રાખનારા વ્યક્તિ તરીકે ઓળખાય છે. નિલેશભાઈ કહે છે કે જીવનની શરૂઆતમાં તેઓ રાજકોટના નવા બસ સ્ટેન્ડ ખાતે નોકરી કરતા હતા. સમય જતા તેમણે પોતાનો વ્યવસાય શરૂ કર્યો અને આજે તેઓ મોબાઈલની દુકાન ચલાવે છે. પરંતુ તેમના જીવનની સૌથી મોટી સંપત્તિ તેમનો વ્યવસાય નહીં, પરંતુ પ્રાણીઓ પ્રત્યેની લાગણી છે.
નિલેશભાઈ જણાવે છે કે તેમને પ્રાણીઓની સેવા કરવાની પ્રેરણા તેમની માતા પાસેથી મળી છે. માતાએ બાળપણથી જ શીખવ્યું કે જે બોલી ન શકે તે જીવની સેવા કરવી એ સાચી માનવતા છે. આ વિચાર તેમના મનમાં એટલો ઊંડો ઉતરી ગયો કે ધીમે ધીમે તેમણે રસ્તા પર રહેતા શ્વાનોની સેવા શરૂ કરી. તેઓ કહે છે કે જ્યારથી હું શ્વાનોની સેવા કરું છું ત્યારથી મારા જીવનમાંથી નેગેટીવીટી દૂર થઈ ગઈ છે. મન શાંત રહે છે અને જીવનમાં સકારાત્મક બદલાવ આવ્યો છે.
નિલેશભાઈ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે આપણે ક્યારેય પણ પ્રાણીઓ સાથે ક્રુરતા આચરવી જોઈએ નહીં. ભલે આપણે દરેક પ્રાણીની સેવા ન કરી શકીએ, પરંતુ તેમને હેરાન કરવાનો આપણને કોઈ અધિકાર નથી. ખાસ કરીને શિયાળાની ઋતુમાં રસ્તા પર રહેતા પ્રાણીઓની સ્થિતિ કેટલી કઠિન હોય છે તે આપણે સમજવું જોઈએ. તેઓ કહે છે કે શ્વાનને ભગાડવા માટે તેના પર પથ્થર મારવો કે લાકડી ઉઠાવવી એ અતિ અયોગ્ય છે.

નિલેશભાઈ લોકો માટે એક મહત્વપૂર્ણ સંદેશ પણ આપે છે કે જ્યારે પણ તમે તમારી ગાડી સ્ટાર્ટ કરો, ત્યારે થોડો સમય લઈને ધ્યાન રાખો કે ગાડીની નીચે કોઈ બિલાડી કે શ્વાન તો નથી ને. ઘણીવાર અણધાર્યા અકસ્માતો ફક્ત બેદરકારીના કારણે થાય છે અને નિર્દોષ પ્રાણી તેનો ભોગ બને છે.
નિલેશભાઈના જીવનમાં લાલી નામની એક શ્વાનનું ખાસ સ્થાન છે. આજથી બે વર્ષ પહેલા તેઓને ચોટીલાથી લાલી મળી હતી. તે સમયે લાલી એકલી અને ડરી ગયેલી હાલતમાં હતી. નિલેશભાઈ તેને રાજકોટ લઈ આવ્યા અને તેની સંપૂર્ણ કાળજી રાખી. તેઓ કહે છે કે જ્યારથી લાલી મારા જીવનમાં આવી છે ત્યારથી મારી સાથે હંમેશા સારું જ થયું છે. લાલી હવે માત્ર એક શ્વાન નથી, પરંતુ પરિવારનો સભ્ય બની ગઈ છે.

રાજકોટ શહેરમાં નિલેશભાઈને લોકોનો ખૂબ સહકાર મળ્યો છે. આજે નિલેશભાઈની રાજકોટમાં બે મોબાઈલ શોપ, એક મેડિકલ સ્ટોર અને બે હોટલ છે. તેઓ ગર્વથી કહે છે કે તેમના સ્ટાફ દ્વારા ક્યારેય શ્વાનોને હેરાન કરવામાં આવતા નથી. ઉલટું, સ્ટાફ હંમેશા તેમની સેવા કરે છે. હાલમાં તેમની દુકાનોની આસપાસ 8થી 9 શ્વાનો આશ્રય લઈ રહ્યા છે અને તેમને નિયમિત ખોરાક અને પાણી આપવામાં આવે છે.
અંતમાં નિલેશભાઈની એક જ અપીલ છે કે તમે તમારી આસપાસ રહેતા શ્વાનોને શક્ય હોય તો ખોરાક આપો અને ક્યારેય તેમની સાથે મારામારી ન કરો. જો તમને ક્યાંય પણ પ્રાણીઓની મદદ માટે માર્ગદર્શન કે સહાયની જરૂર હોય તો તમે નિઃસંકોચ તેમના મોબાઈલ નંબર 9624010641 પર સંપર્ક કરી શકો છો. માનવતા અને કરુણાથી ભરેલો નિલેશભાઈનો આ સંદેશ આજે સમાજ માટે એક મોટી પ્રેરણા છે.