રાજકોટમાં રણજી ટ્રોફીના પહેલા દિવસે 23 વિકેટ પડી:સૌરાષ્ટ્રના 172 રન સામે પંજાબ 139 રનમાં ઓલઆઉટ; કેપ્ટન શુભમન ગિલ ઝીરોમાં આઉટ
![]()
રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં ગ્રાઉન્ડ-Cમાં આજે સૌરાષ્ટ્ર અને પંજાબ વચ્ચે રણજી ટ્રોફી મેચ રમાઈ રહી છે. જેમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા સૌરાષ્ટ્રએ પહેલી ઇનિંગમાં 172 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. જવાબમાં પંજાબ ટીમ પણ ટકી શખી નહોતી અને માત્ર 139 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ સૌરાષ્ટ્રને પહેલી ઇનિંગમાં 33 રનની લીડ મળી હતી. આજની મેચમાં જેમના પર સૌ કોઈની નજર હતી તેવા ટીમ ઈન્ડિયાના ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ અને સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા પણ કોઈ ખાસ પર્ફોમન્સ બતાવી શક્યા ન હતા. શુભમન ગિલ 2 બોલ રમી 0 રનમાં આઉટ થઇ ગયો હતો. જયારે રવીન્દ્ર જાડેજાએ બેટિંગમાં 6 બોલમાં 7 રન અને બોલિંગમાં 12 ઓવરમાં 48 રન આપી 2 વિકેટ લીધી હતી. સૌરાષ્ટ્ર તરફથી સૌથી વધુ પાર્થ ભૂતે 12 ઓવરમાં 33 રન આપી 5 વિકેટ ઝડપી હતી. બીજી ઇનિંગમાં પણ ટીમ સૌરાષ્ટ્રએ 3 વિકેટ ગુમાવી 24 રન બનાવ્યા છે. આ પીચ સ્પિનર્સને મદદરૂપ બની છે. સૌરાષ્ટ્ર અને પંજાબ, બન્ને પહેલા દિવસે જ ઓલઆઉટ
રાજકોટના જામનગર રોડ પર ખંઢેરી ગામ સ્થિત નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આજથી રણજી ટ્રોફીની મેચ સૌરાષ્ટ્ર અને પંજાબ વચ્ચે શરૂ થઇ છે. જેમાં સૌરાષ્ટ્રએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરી 47 ઓવરમાં 10 વિકેટ ગુમાવી 172 રન બનાવ્યા હતા. જેમાં સૌરાષ્ટ્રના જય ગોહિલે સૌથી વધુ 117 બોલમાં 82 રન બનાવ્યા હતા. તો પ્રેરક માંકડએ 32 રન બનાવ્યા હતા અને રવીન્દ્ર જાડેજાએ માત્ર 7 રન બનાવ્યા હતા. આ મેચમાં સૌથી વધુ 6 વિકેટ પંજાબના હરપ્રીત બ્રારએ 18 ઓવરમાં 38 રન આપી મેળવી હતી. સામે સૌરાષ્ટ્રના બોલરોએ પણ તરખાટ મચાવી માત્ર 139 રનમાં પંજાબ ટીમને પેવેલિયન તરફ ધકેલી દીધી હતી. કેપ્ટન શુભમન ગિલ બે બોલ રમી એક પણ રન બનાવી શક્યો ન હતો અને ઝીરો રનમાં પાર્થ ભૂતએ તેને પેવેલિયનમાં મોકલ્યો હતો. આ ઉપરાંત કુલ 5 વિકેટ પાર્થ ભૂતએ મેળવી હતી. રવીન્દ્ર જાડેજા અને ધર્મેન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી. તો કેપ્ટન જયદેવ ઉનડકટને એક વિકેટ મળી હતી.
બીજી ઇનિંગમાં સૌરાષ્ટ્રએ 3 વિકેટ ગુમાવી, પહેલા જ દિવસે કુલ 23 વિકેટ પડી
સૌરાષ્ટ્રનો બીજો દાવ 4 વાગ્યે શરૂ થયો હતો આ પછી 4.30 વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્રની ટીમના 3 ખેલાડીઓ 24 રનમાં પેવેલિયન તરફ ધકેલાઈ ચુક્યા છે. આવતીકાલે સવારે ફરી સૌરાષ્ટ્રની ટીમ મેદાનમાં ઉતરશે. હાલ બીજા દાવ દરમિયાન 57 રનની લીડ સાથે સૌરાષ્ટ્ર આગળ છે જો કે આ મેદાન પર સ્પિનર્સને મદદરૂપ વિકેટ હોવાથી સૌરાષ્ટ્રના સ્પિન ત્રિપુટીનો જાદુ પંજાબને ભારે પડી શકે છે. અર્પિત વસાવડાને 100મી ફર્સ્ટ ક્લાસ મેચ રમવા માટે મોમેન્ટો આપ્યું
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશને આજે અર્પિત વસાવડાને તેમની 100મી ફર્સ્ટ ક્લાસ મેચ રમવા માટે અભિનંદન આપ્યા હતા. રણજી મેચ શરૂ થતા પહેલાં સૌરાષ્ટ્ર અને પંજાબની ટીમની હાજરીમાં BCCIના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહ અને BCCI એપેક્સ કાઉન્સિલ સભ્ય જયદેવ શાહે અર્પિતને સ્મૃતિચિહ્ન અર્પણ કર્યું હતું. જયદેવ શાહે જણાવ્યું હતું કે, ‘અર્પિત વસાવડા એક અસાધારણ ક્રિકેટર છે જેણે સતત બધી પરિસ્થિતિઓમાં એક વિશ્વસનીય બેટર તરીકે ટીમ માટે રમતો આવ્યો છે. અર્પિતની પ્રતિબદ્ધતા, શિસ્ત અને રમત પ્રત્યેના જુસ્સાએ તેમને અલગ પાડ્યો છે, જે ટીમના સાથી ખેલાડીઓ માટે પ્રેરણા સ્ત્રોત છે.’
Source link