રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટ: જ્યોતિ CNCનું 10,000 કરોડનું રોકાણ – Jyoti CNC Automation announces 10000 crore investment in Rajkot | રાજકોટ
Last Updated:
ઉદ્યોગ, રોકાણ અને રોજગારના નવા અવસરોથી ભરેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટે રાજકોટને વિકાસના વૈશ્વિક નકશા પર વધુ મજબૂતીથી સ્થાપિત કર્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઉદ્ઘાટિત આ સમિટ દરમિયાન મેન્યુફેક્ચરિંગ અને ઇનોવેશન ક્ષેત્રે મોટી જાહેરાતો સામે આવી છે. ખાસ કરીને જ્યોતિ CNC ઓટોમેશન લિમિટેડ દ્વારા આગામી પાંચ વર્ષમાં 10,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે.
રાજકોટ: રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉદ્યોગ, વિકાસ અને નવી તકોના સંદેશ સાથે સમગ્ર દેશનું ધ્યાન રાજકોટ તરફ ખેંચાયું છે. આ સમિટનું ઉદ્ઘાટન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું. રાજકોટ જેવી ઉદ્યોગનગરીમાં યોજાયેલી આ રિજનલ સમિટે ગુજરાતના વિકાસ મોડલને વધુ મજબૂતી આપવાનો સંદેશ આપ્યો છે. સમિટ દરમિયાન મેન્યુફેક્ચરિંગ, ઇનોવેશન, રોજગાર અને રોકાણના મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ દરમિયાન જ્યોતિ CNC ઓટોમેશન લિમિટેડ તરફથી એક મોટી અને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી. કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પરાક્રમસિંહ જાડેજાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે જ્યોતિ CNC આગામી પાંચ વર્ષમાં કુલ 10,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. તેમણે જણાવ્યું કે આ રોકાણ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા, સંશોધન અને વિકાસની ક્ષમતાને વધારવા તેમજ યુવાનોમાં સ્કીલ ડેવલપમેન્ટ માટે કરવામાં આવશે.
પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું કે ભારત આજે વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે અને તેમાં ઉદ્યોગોની ભૂમિકા ખૂબ મહત્વની છે. જ્યોતિ CNCનું ધ્યાન માત્ર ઉત્પાદન વધારવા પર નથી, પરંતુ નવી તકો સર્જવા અને લાંબાગાળાની વૃદ્ધિને આધાર આપતી ક્ષમતાઓ વિકસાવવા પર છે. તેમણે ઉમેર્યું કે ટેક્નોલોજી, ઇનોવેશન અને માનવ સંસાધન પર રોકાણ કરીને જ ભારતને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવી શકાય છે.

તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે 10,000 કરોડનું રોકાણ કોઈ ખાલી ઘોષણા કે નારો નથી, પરંતુ એક જવાબદારી છે, જે દેશ અને સમાજ પ્રત્યે કંપની નિભાવવા માંગે છે. રાજકોટમાં યોજાયેલી આ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટને તેમણે જ્યોતિ CNCની વિકાસ યાત્રાની પ્રથમ સીડી તરીકે વર્ણવી. આ સમિટથી પ્રેરણા લઈને કંપની ભવિષ્યમાં વધુ વિસ્તરણ અને નવી પહેલો સાથે આગળ વધશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો.
પરાક્રમસિંહ જાડેજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં જ્યોતિ CNC સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું. તેમણે કહ્યું કે સરકાર દ્વારા ઉદ્યોગોને મળતું માર્ગદર્શન, સહકાર અને અનુકૂળ નીતિઓ વિકાસ માટે મજબૂત આધાર પૂરું પાડે છે. અંતમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો અને વિકાસની આ યાત્રામાં સહભાગી થવાની તક આપવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી. આ રીતે રાજકોટમાં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ ભવિષ્યના વિકાસ, રોકાણ અને રોજગાર સર્જન માટે એક મજબૂત મંચ સાબિત થઈ છે, જેનું પ્રતિબિંબ આવનારા વર્ષોમાં સ્પષ્ટ રીતે જોવા મળશે.