લોકશાળાના છાત્રોએ લેઝીમના દાવ રજુ કર્યા – Lokshala students presented the stakes of Lezim | અમરેલી
Last Updated:
મહારાષ્ટ્રની પરંપરાગત અંગકવાયત ‘લેઝીમ’ને ગુજરાતમાં લોકપ્રિય બનાવવાની શરૂઆત અમરેલી જિલ્લાના ખડસલી ગામની લોકશાળાથી થઈ હતી. ગાંધી વિચારધારાથી સંચાલિત આ લોકશાળાએ શિક્ષણ સાથે શારીરિક સંસ્કૃતિ અને સંસ્કારનો અનોખો સંગમ રચ્યો, જેના પરિણામે લેઝીમ આજે ગુજરાતભરના કાર્યક્રમો અને સ્પર્ધાઓમાં ઓળખ બની ચૂકી છે.
અમરેલી: અમરેલી જિલ્લામાં મહારાષ્ટ્રની પરંપરાગત અંગકવાયત ‘લેઝીમ’ને ગુજરાતમાં ઓળખ અપાવવાનો શ્રેય સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે આવેલી લોકશાળાને જાય છે. આજે જે લેઝીમ ગુજરાતભરમાં વિવિધ સ્પર્ધાઓ, કાર્યક્રમો અને સાંસ્કૃતિક ઉત્સવોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે, તેની શરૂઆત ખડસલી લોકશાળાથી થઈ હતી એવું ગૌરવપૂર્વક કહી શકાય.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં આવેલું ખડસલી ગામ તેની લોકશાળાને કારણે વિશેષ ઓળખ ધરાવે છે. આ લોકશાળા ગાંધી વિચારધારાના આધારે ચાલતી સંસ્થા છે, જ્યાં શિક્ષણ સાથે સાથે શારીરિક, માનસિક અને નૈતિક વિકાસ પર ભાર મૂકવામાં આવે છે. સંસ્થાનું સૂત્ર “પગલે જ તારે કો નવી કેડી થશે” વિદ્યાર્થીઓને નવી દિશા અને નવી ઓળખ આપતું રહ્યું છે. આ લોકશાળામાં વિદ્યાર્થીઓ દ્વારા લેઝીમ અંગકવાયતના દાવ રજૂ કરવામાં આવે છે. લેઝીમમાં લયબદ્ધ કસરત, લેઝીમના સાધનોનો અવાજ અને ડ્રમની તાલ સાથે થતી કવાયત દર્શકોને મંત્રમુગ્ધ કરી દે છે. ગુજરાતમાં આ પ્રકારની કવાયત તે સમયગાળા દરમિયાન નવી હતી, પરંતુ ખડસલી લોકશાળાના પ્રયત્નોથી તે ધીમે ધીમે લોકપ્રિય બની.

હિમતભાઈ ગોડાએ જણાવ્યું હતું કે તેઓ 1956માં શિક્ષક તરીકે ફરજમાં આવ્યા ત્યારે ખડસલી લોકશાળામાં સેવા આપવા લાગ્યા. તે સમયગાળા દરમિયાન મહારાષ્ટ્રની પરંપરાગત કવાયત લેઝીમથી તેઓ પ્રભાવિત હતા. શારીરિક તંદુરસ્તી, શિસ્ત અને સામૂહિક એકતા વિકસાવે તેવી આ કવાયતને ગુજરાતમાં પ્રચારિત કરવાની ભાવના સાથે તેમણે લેઝીમને ખડસલી લોકશાળામાં શરૂ કરી. શરૂઆતમાં લેઝીમનો અવાજ, તેના દાવ અને ડ્રમ સાથેની તાલ વિદ્યાર્થીઓ માટે નવી અને રોમાંચક હતી. સમય જતાં વિદ્યાર્થીઓએ તેમાં પારંગતતા મેળવી અને વિવિધ કાર્યક્રમોમાં તેનું પ્રદર્શન શરૂ કર્યું. ખડસલી લોકશાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થતી લેઝીમ કવાયત માત્ર શારીરિક કસરત નહીં પરંતુ એક સાંસ્કૃતિક ઓળખ બની ગઈ.
વર્ષો પહેલાં શરૂ થયેલી આ પહેલ આજે સમગ્ર ગુજરાતમાં એક આગવી ઓળખ ધરાવે છે. લેઝીમ હવે માત્ર મહારાષ્ટ્રની પરંપરા રહી નથી, પરંતુ ગુજરાતની શારીરિક સંસ્કૃતિનો એક અભિન્ન ભાગ બની ચૂકી છે. રાજ્યભરમાં યોજાતી અંગકવાયત સ્પર્ધાઓમાં ખડસલી લોકશાળાની પરંપરા આજે પણ પ્રેરણારૂપ બની રહી છે. આ રીતે, ખડસલી લોકશાળાએ શિક્ષણની સાથે સંસ્કૃતિ અને આરોગ્યનું સુંદર સંયોજન કરી બતાવ્યું છે. લેઝીમ જેવી પરંપરાગત કવાયતને ગુજરાતમાં સ્થાન અપાવીને અમરેલી જિલ્લાએ રાજ્યના સાંસ્કૃતિક નકશામાં પોતાનું વિશેષ સ્થાન બનાવ્યું છે જે ખરેખર ગૌરવની વાત છે.