વડોદરામાં વાહન પાર્ક કરવા જેવી નજીવી બાબતે યુવકની કરપીણ હત્યા | વડોદરા
Last Updated:
આ ઘટનામાં મૃતકની ભાભી અને ભત્રીજીની ચીસો વચ્ચે નરાધમોએ હત્યાને અંજામ આપ્યો હતો. પરિવારજનોએ મૃતદેહ સાથે પોલીસ મથકે પહોંચી હોબાળો મચાવતા ઉચ્ચ અધિકારીઓએ દોડવું પડ્યું હતું.
વડોદરા: મકરપુરા વિસ્તારમાં ઉતરાયણની પર્વ સંધ્યાએ એક સામાન્ય તકરારે ખુની ખેલનું સ્વરૂપ લઈ લીધું. વાહન પાર્ક કરવા જેવી નજીવી બાબતમાં એક યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો. આ ઘટનામાં મૃતકની ભાભી અને ભત્રીજીની ચીસો વચ્ચે નરાધમોએ હત્યાને અંજામ આપ્યો હતો. પરિવારજનોએ મૃતદેહ સાથે પોલીસ મથકે પહોંચી હોબાળો મચાવતા ઉચ્ચ અધિકારીઓએ દોડવું પડ્યું હતું. શું છે સમગ્ર મામલો? જુઓ આ અહેવાલમાં…
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં શિવશક્તિ નગરની જશોદા કોલોનીમાં ઉતરાયણની આગલી રાત્રે લોહિયાળ જંગ ખેલાયો. ઘટનાની વિગત એવી છે કે, મૃતક અનુપ ગજાનંદ પટેલના ઘર પાસે પડોશમાં રહેતા સુભાષ રામવૃક્ષ યાદવે પોતાની પીકઅપ ગાડી પાર્ક કરી હતી. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થતા મૃતક અનુપ પટેલે પાર્ક કરેલી ગાડીની ચાવી લઈ લીધી હતી. બસ, આટલી જ વાતમાં મામલો બીચકયો હતો. ગાડીની ચાવી લઈ લીધાની જાણ થતા જ ઉશ્કેરાયેલા સુભાષ યાદવે તેના ભાઈ મનુ યાદવ અને ભત્રીજા રાહુલ યાદવને બોલાવી લીધા હતા. આ નરાધમોએ અનુપ પટેલ પર તૂટી પડી ગડદાપાટુનો માર માર્યો હતો અને આવેશમાં આવી જઈને અનુપ પટેલનું માથું જોરથી લોખંડની જાળી સાથે અથડાવી તેમની નિર્મમ હત્યા કરી નાખી હતી.
જશોદા કોલોનીમાં ખેલાયેલા આ ખૂની ખેલ વખતે મૃતકને બચાવવા માટે તેમની ભાભી અને ભત્રીજીએ ભારે મથામણ કરી હતી, તેઓ સતત બૂમો પાડતા રહ્યા હતા. ઘટના બાદ પોલીસને જાણ કરાતા મકરપુરા પોલીસ સ્ટેશન નો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મુખ્ય આરોપી સુભાષ યાદવ સહિત પિતા-પુત્રની જોડી મનુ યાદવ અને રાહુલ યાદવની ધરપકડ કરી લીધી હતી.
પોલીસે ત્રણ આરોપીને પકડ્યા, પરંતુ પરિવારનો આક્ષેપ હતો કે હુમલાખોરોનું મોટું ટોળું હતું અને પોલીસે માત્ર ત્રણ લોકો સામે જ કાર્યવાહી કરી છે. જેના વિરોધમાં રોષે ભરાયેલા પરિવારજનો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો મૃતદેહ સ્વીકારવાને બદલે લાશ સાથે મકરપુરા પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા. પોલીસ મથક બહાર જ ન્યાયની ગુહાર સાથે હોબાળો મચાવ્યો હતો. લોકોનો રોષ પારખીને ડીસીપી ઝોન-3 તાત્કાલિક પોલીસ મથકે દોડી આવ્યા હતા. મૃતકના પત્ની અને પુત્રએ આક્રંદ સાથે આક્રમક માંગ કરી છે કે આ હત્યામાં સામેલ તમામ અન્ય આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવે અને તેમને ફાંસીની સજા મળે.
પરિવારના આક્રોશ બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તમામ આરોપીઓની ધરપકડ કરવાનું આશ્વાસન આપ્યું છે. હાલ તો વાહન પાર્ક કરવા જેવી નજીવી બાબતે ક્ષણિક આવેશ કઈ રીતે હસતા રમતા પરિવારને બરબાદ કરી નાખે છે, આ ઘટના તેનો લાલબત્તી સમાન કિસ્સો છે.
Vadodara,Gujarat
