વિધાનસભા ગૃહમાં અમદાવાદમાં ખેતીલાયક અને બિનખેતીલાયક જમીનનો મુદ્દો ઉઠ્યો, મહેસૂલ વિભાગના મંત્રીએ આંકડાઓ સાથે માહિતી આપી-issue of uncultivable land in Ahmedabad city and district was raised in the House | ગાંધીનગર
Last Updated:
વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં બિનખેતીલાયક જમીનનો મુદ્દો ઉઠ્યો હતો. જેના જવાબમાં મહેસૂલ વિભાગના મંત્રીએ આંકડાઓ સાથે માહિતી આપી હતી.
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 2026 અને 27 ચાલી રહ્યું છે. વિધાનસભાના બજેટ સત્રનો આજે સાતમો દિવસ હતો. સાતમા દિવસે બે સેશન યોજાયા હતા. પ્રથમ સેશનમાં પૂરક માંગણીઓ અંતર્ગત ચર્ચા યોજાઈ હતી. જ્યારે બીજા સેશનની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી થઈ હતી. બીજા સેશનમાં મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, માર્ગ અને મકાન વિભાગ, જળ સંપત્તિ મંત્રાલય, ખાણ અને ખનીજ વિભાગ સહિતના વિભાગોના પ્રશ્નોત્તરીથી શરૂઆત થઈ હતી.
બીજા સેશનની શરૂઆતમાં અમદાવાદ જિલ્લામાં હવે મોટા પ્રમાણમાં ખેતીલાયક જમીનને બિનખેતીલાયક કરવા માટેની અરજી મળતી હોવાની માહિતી વિધાનસભામાં સામે આવી હતી. અમદાવાદ જિલ્લા અને શહેરમાં બિનખેતી માટેની પરવાનગી માંગતી કેટલી અરજી આવી છે, તે અંતર્ગતનો પ્રશ્ન કોંગ્રેસના જમાલપુર ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ ઉઠાવ્યો હતો, જે અંતર્ગત તેમણે ગૃહમાં પૂછ્યું હતું કે, 25 જાન્યુઆરી 2026ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં અમદાવાદ શહેર જિલ્લામાં જમીનને બિનખેતીમાં તબદીલ કરવા માટે કેટલી અરજીઓ આવી છે.
આ પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના મંત્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં 1458 જેટલી અરજીઓ જ્યારે અમદાવાદ જિલ્લામાં 7984 અરજીઓ એમ કુલ અમદાવાદ જિલ્લા અને શહેરમાંથી 9442 અરજીઓ પ્રાપ્ત થઈ છે. જોકે ઇમરાન ખેડાવાળાએ પેટા પ્રશ્નમાં પૂછ્યું હતું કે, તંત્રને જે બિનખેતી માટેના પરવાનાની અરજી મળી છે. તેમાંથી કેટલી અરજી મંજૂર કરવામાં આવી છે? અને કેટલી અરજીઓ પેન્ડિંગ છે?
આ પ્રશ્નના જવાબમાં મહેસૂલ વિભાગના મંત્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં 647 જેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જ્યારે 163 જેટલી અરજીઓ પડતર હોવાનું જાણકારી મળી રહી છે. આ મુજબ અમદાવાદ જિલ્લામાં 4,022 જેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી છે જ્યારે 825 જેટલી અરજીઓ પડતર હોવાનું સરકાર દ્વારા કબૂલાત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેર અને ગ્રામ્યની 4,689 અરજીઓ મંજૂર થઈ છે. જ્યારે 988 અરજીઓ પડતર હોવાનું વિધાનસભાના ગૃહમાં કબૂલાત કરવામાં આવી રહી છે. વધતા જતા ડેવલોપમેન્ટના પગલે ખેતીલાયક જમીનોને પણ બિનખેતીલાયક કરવાની પરવાનગી મોટા પ્રમાણમાં મળી રહી છે. જેમાં રાજ્યમાં અમદાવાદ જિલ્લો મોખરે હોવાનું સામે આવી રહ્યું છે.
Gandhinagar,Gujarat
વિધાનસભા ગૃહમાં અમદાવાદમાં ખેતીલાયક અને બિનખેતીલાયક જમીનનો મુદ્દો ઉઠ્યો, મહેસૂલ વિભાગના મંત્રીએ આંકડાઓ સાથે માહિતી આપી
