વૈષ્ણવદેવી સર્કલ પાસે કાર અને બસ અકસ્માત સીસીટીવી ફૂટેજ, ધવલ વાઘેલાનું મોત | અમદાવાદ
Last Updated:
વૈષ્ણવદેવી સર્કલ પાસેના આ ગોઝારા અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. મૃતક ધવલ વાઘેલા ગાંધીનગર જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ઈશ્વરસિંહ વાઘેલાનો પુત્ર હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ: શહેરમાં આજે સવારે વૈષ્ણવદેવી સર્કલ પાસે કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ ગોઝારા અકસ્માતમાં કાર ચાલક ધવલ વાઘેલા નામના 21 વર્ષના યુવાનનું મોત નીપજ્યું છે. જ્યારે કારમાં બેઠેલી યુવતી દેવાંશી પંડ્યાની હાલત ગંભીર છે. આ ગોઝારા અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. મૃતક ધવલ વાઘેલા ગાંધીનગર જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ઈશ્વરસિંહ વાઘેલાનો પુત્ર હોવાનું સામે આવ્યું છે.
અડાલજ પોલીસ સ્ટેશનના પી.આઈ. એલ. ડી. ઓડેદરાએ આ અંગે માહિતી આપી છે. જેમાં જણાવ્યું છે કે, આજે (18 જાન્યુઆરી) સવારે 8.45 વાગ્યાની આસપાસ અડાલજ પોલીસ સ્ટેશનની હદમાં અને વૈષ્ણવ દેવી સર્કલ પાસે અદાણી શાંતિગ્રામનો બ્રિજ ચઢતા આ અકસ્માત સર્જાયો હતો. એસટી બસ અને ફોર્ચ્યુનર કાર વચ્ચે અકસ્માત થયો છે. એસટી બસ હિંમતનગરથી રાજકોટ રૂટમાં જઈ રહી હતી. ફોર્ચ્યુનર કારનો નંબર GJ 18 ES 09 છે.
આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે, સીસીટીવી અને પ્રત્યક્ષદર્શીએ જણાવ્યા પ્રમાણે, આ કાર ચાલકે અગમ્ય કારણોસર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. આ કાર ચાલક અમદાવાદથી ગાંધીનગર આવતો હતો જેને ડિવાઇડર કુદાવીને ગાંધીનગરથી અમદાવાદ જતી એસટી બસને અથડાવી હતી. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં કાર ચાલક ધવલ વાઘેલાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. તેમની સાથે અન્ય વ્યક્તિ હતા તેમની હાલત ગંભીર છે.
પીઆઈએ વધુમાં માહિતી આપી હતી કે, બસના ડ્રાઇવરને સામાન્ય ઈજા થઈ હતી. આ ઉપરાંત કોઈ વ્યક્તિને કોઈ ઈજા પહોંચી નથી. સીસીટીવી પ્રમાણે, કાર અમદાવાદથી ગાંધીનગર જઈ રહી હોવાની શક્યતા છે. કારમાં બેઠેલી યુવતીની હાલત ગંભીર હોવાને કારણે આમાં કોઈ પૂછપરછ કરવામાં આવી નથી. આ મૃતક ગાંધીનગરનો રહેવાસી છે.
Ahmedabad,Gujarat
અમદાવાદમાં કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો, મૃતક ગાંધીનગર જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રીનો પુત્ર, જુઓ સીસીટીવી
