શિક્ષાપત્રી કથા પારાયણ – Shikshapatri Katha Parayan | રાજકોટ
Last Updated:
રાજકોટના ભુપેન્દ્ર રોડ સ્થિત સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં શ્રીમદ્ શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાયેલી શિક્ષાપત્રી કથા પારાયણ શ્રદ્ધા, ભક્તિ અને શાસ્ત્રજ્ઞાનનો અદભૂત સંગમ બની છે. મહંત શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી અને કોઠારી શ્રી રાધારમણદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી આ પાંચ દિવસીય કથામાં દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે.
રાજકોટ: રાજકોટના ભુપેન્દ્ર રોડ પર સ્થિત સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં શ્રીમદ્ શિક્ષાપત્રી કથા પારાયણ ધામધૂમથી ચાલી રહી છે. સ્વામીની પ્રેરણાથી મહંત શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી અને કોઠારી શ્રી રાધારમણદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથા પારાયણ 16મી તારીખથી શરૂ થઈ છે અને 20મી તારીખ સુધી રાત્રે 9 થી 11 વાગ્યા સુધી ચાલશે. આજે કથાનો ત્રીજો દિવસ છે અને ભાવિકોમાં ભારે ઉત્સાહ છે. કથા પારાયણમાં વક્તા તરીકે શાસ્ત્રી શ્રી મંગલસ્વરૂપદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી નીલકંઠચરણદાસજી સ્વામી બિરાજમાન છે.
શાસ્ત્રી શ્રી મંગલસ્વરૂપદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી નીલકંઠચરણદાસજી સ્વામી શ્રદ્ધાળુઓને કથાનું રસપાન કરાવી રહ્યા છે. કાનાબાર પરિવાર દ્વારા તમામ ભાવિકોને કથાનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. કથા દરમિયાન શાસ્ત્રોનું વિશ્લેષણ અને શિક્ષાપત્રીના શ્લોકોની સમજ સાથે પ્રવચન આપવામાં આવે છે. શિક્ષાપત્રીના 212 શ્લોકોમાં શ્રીજી મહારાજે વિશ્વના કલ્યાણના અદભૂત સંદેશાઓ આપેલા છે. આ શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવા પર ઠેર ઠેર શ્રીમદ્ શિક્ષાપત્રી કથા પારાયણનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ કથાનું આયોજન ગુરુકુળના મહંત સ્વામી દેવ કૃષ્ણદાસ સ્વામીના આશીર્વાદ સાથે કરવામાં આવ્યું છે. કથામાં શિક્ષાપત્રીનું મહત્વ વિશેષ રીતે સમજાવવામાં આવે છે, કારણ કે અંગ્રેજોના સમય દરમિયાન ગવર્નર સર માલકમને શ્રીજી મહારાજે આ શિક્ષાપત્રી અર્પણ કરી હતી. એ જ જગ્યા પર શ્રીમદ્ શિક્ષાપત્રી કથાનું આયોજન કરવામાં આવ્યું છે. મહાપ્રસિદ્ધ શિક્ષાપત્રી અત્યારે લંડન મ્યુઝિયમમાં સુરક્ષિત છે, અને કથામાં તેનો પરિચય તથા મહત્વ દર્શાવવામાં આવે છે. શિક્ષાપત્રીના યજમાન તરીકે પ્રવીણભાઈ કાનાબાર સેવા સંભાળી રહ્યા છે. કાનાબાર પરિવારે હંમેશા દરેક વર્ષ આ કથા પારાયણનું યજમાન પદ નિષ્ઠાપૂર્વક સંભાળ્યું છે અને ભાવિકો માટે આ કથાનો લાભ સુનિશ્ચિત કર્યો છે.