સરકારની ખિલખિલાટ વાન સેવા – Government’s Khilkhilat Van Service | સુરત
Last Updated:
રાજ્ય સરકારની જનની શિશુ સુરક્ષા યોજના (JSSK) અંતર્ગત ચાલતી ‘ખિલખિલાટ વાહન સેવા’ સુરત જિલ્લાના સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ અને નવજાત શિશુઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે. વર્ષ 2025 દરમિયાન સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 1,33,838 લાભાર્થીઓએ આ નિઃશુલ્ક પરિવહન સેવાનો લાભ લીધો છે.
સુરત: રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલા જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ (JSSK) અંતર્ગત ચાલતી ખિલખિલાટ વાહન સેવા સુરત જિલ્લામાં સગર્ભા, ધાત્રી માતાઓ અને નવજાત શિશુઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. વર્ષ 2025 દરમિયાન સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મળી કુલ 1,33,838 જેટલા લાભાર્થીઓએ આ નિઃશુલ્ક પરિવહન સેવાનો લાભ લીધો છે.
સુરત સિવિલ હોસ્પિટલના હોસ્પિટલ બેઝ્ડ કો-ઓર્ડિનેટર વિપીક્ષા પટેલના જણાવ્યા મતે જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં 6 અને શહેર વિસ્તારમાં 21 એમ કુલ 27 ખિલખિલાટ વાહનો કાર્યરત છે. જાન્યુઆરી 2025 થી જાન્યુઆરી 2026 દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં 35,938 અને શહેર વિસ્તારમાં 97,900 માતા-શિશુઓએ આ સેવાનો ઉપયોગ કર્યો છે.

આ સેવા હેઠળ ગર્ભાવસ્થા દરમિયાન તેમજ ડિલિવરી પછી 42 દિવસ સુધી માતાઓ અને એક વર્ષ સુધીના શિશુઓને ઘરેથી જાહેર આરોગ્ય સંસ્થા સુધી બિન-ઇમરજન્સી કિસ્સામાં નિઃશુલ્ક પરિવહન આપવામાં આવે છે. લાભાર્થીઓ 108 અથવા નિર્ધારિત નંબર પર સંપર્ક કરી વાહનની માંગણી કરી શકે છે. સેવા અંતર્ગત 25 કિલોમીટર સુધી પિકઅપ અને 200 કિલોમીટર સુધી ડ્રોપની સુવિધા ઉપલબ્ધ છે, જેનાથી પરિવહન ખર્ચ અને શારીરિક તકલીફથી રાહત મળે છે.
પાંડેસરા વિસ્તારમાં રહેતી રશ્મિદેવીએ જણાવ્યું હતું કે, ડિલિવરીના સમયથી હું આ સેવાનો લાભ લઈ રહી છું. નાના બાળક સાથે નિયમિત ચેકઅપ માટે સુરક્ષિત રીતે હોસ્પિટલ જઈ શકું છું. આ સેવા અમારા માટે મોટી સહાય છે. સચિન વિસ્તારમાં રહેતા મિથલેશ ગુપ્તાએ પણ જણાવ્યું હતું કે, ગર્ભાવસ્થા દરમિયાન અને હવે નવજાત શિશુ સાથે હોસ્પિટલ આવન-જાવન માટે આ સેવા ખૂબ ઉપયોગી સાબિત થઈ છે. ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગ માટે પરિવહન ખર્ચમાંથી રાહત મળે છે.