સાયબર ફ્રોડ, ખેડૂતોને રાહત અને શાળાઓને બોમ્બની ધમકી! બાદ રાજ્ય સરકારની આજની કેબિનેટ બેઠકમાં આ મુદ્દા ચર્ચાયા- Cyber fraud relief for farmers and bomb threats to schools these issues were discussed in todays cabinet meeting | અમદાવાદ
Last Updated:
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં આજે કૃષિ રાહત પેકેજ, સાયબર સુરક્ષા અને શાળાઓમાં બોમ્બ ધમકી મુદ્દે મહત્વના નિર્ણયો લેવાયા છે.
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રીમંડળની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. બેઠક બાદ રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પત્રકારોને સંબોધતાં શિક્ષણ, કૃષિ, સાયબર સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા સહિતના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓની વિગતવાર માહિતી આપી હતી. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદની સરકારી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની માહી ભટ્ટ નાસાના આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહી છે, જે સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત છે. કેબિનેટ બેઠક દરમિયાન માહી ભટ્ટ અને તેના પરિવારને રાજ્ય મંત્રીમંડળના તમામ સભ્યો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
સાયબર ફ્રોડના વધતા જતા બનાવોને લઈને ગૃહમંત્રીની અધ્યક્ષતામાં તાજેતરમાં પોલીસ વિભાગની વિશેષ સમીક્ષા બેઠક યોજાઈ હતી. જીતુ વાઘાણીએ જણાવ્યું કે, છેલ્લા ત્રણ મહિનામાં સાયબર ગુનાઓ સામે નોંધપાત્ર અને અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે નાગરિકોને અપીલ કરી કે, કોઈ પણ સાયબર ફ્રોડની ઘટનામાં તરત જ 1930 હેલ્પલાઇન નંબર પર ફરિયાદ નોંધાવવી. 24 કલાકની અંદર જાણ કરવામાં આવે તો ખાતું ફ્રીઝ થઈ શકે છે અને નાણાં ગુમાવવાથી બચાવી શકાય છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, પૈસાની લાલચ આપીને ખોલાવવામાં આવતા મ્યુટ એકાઉન્ટના મામલે અત્યાર સુધીમાં 450 ફરિયાદો નોંધાઈ ચૂકી છે અને આવા ખાતાઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે, સરકાર દ્વારા કરવામાં આવતી જાહેરાતોનું અમલીકરણ સમયસર અને આયોજનબદ્ધ રીતે થાય તે સુનિશ્ચિત કરવું. લાભાર્થીઓ સુધી યોજનાઓનો લાભ પહોંચવામાં કોઈ વિલંબ ન થાય તે માટે જવાબદારી નક્કી કરવાની પણ સૂચના આપવામાં આવી છે.
કૃષિ ક્ષેત્રે રાજ્ય સરકારે કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાન બદલ 11 હજાર કરોડ રૂપિયાથી વધુનું રાહત પેકેજ આપ્યું હોવાનું પણ જણાવાયું. જેમાં રવિ પાક માટે સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ગયા વર્ષની સરખામણીએ રાજ્યમાં 2.25 લાખ મેટ્રિક ટન વધુ યુરિયા ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
વધુમાં રાજ્યમાં હાલ 10.83 લાખ હેક્ટર વિસ્તારમાં ઘઉંની વાવણી થઈ ચૂકી છે અને કુલ પાક વાવેતરમાં સરેરાશ 21 ટકાનો વધારો નોંધાયો છે. ત્યારે ટેકાના ભાવે ખરીદી અંતર્ગત 10.12 લાખ નોંધાયેલા ખેડૂતોમાંથી 4.75 લાખ ખેડૂતો પાસેથી પાક ખરીદી કરવામાં આવી છે, જેમાં કુલ 7537 કરોડ રૂપિયાની ખરીદી કરવામાં આવી છે. ઉપરાંત, 6890 કરોડ રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં કૃષિ રાહત તરીકે જમા કરાવવામાં આવ્યા છે.
કેબિનેટ બેઠકમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવાયો છે કે, કેન્દ્ર સરકાર દ્વારા ચણા અને તુવેરની ખરીદી કરવામાં આવી રહી છે. ખેડૂતોને વધુ લાભ મળે તે હેતુસર રાજ્ય સરકારે તુવેરની ખરીદી કરવાનો પણ નિર્ણય કર્યો છે. 22 ડિસેમ્બર 2025થી 21 જાન્યુઆરી 2026 સુધી ખેડૂતો તુવેર માટે નોંધણી કરાવી શકશે.
તાજેતરમાં કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળવાના મામલે પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે, પોલીસ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને 10થી 15 શાળાઓમાં બોમ્બ સ્ક્વોડ અને સ્નિફર ડોગની ટીમ મોકલી હતી. અત્યાર સુધીમાં કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી. રાજ્ય સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને વાલીઓને ગભરાવાની જરૂર નથી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આ ધમકીભર્યા ઇમેઇલની તપાસ સોંપવામાં આવી છે.
Gandhinagar,Gujarat
December 17, 2025 6:41 PM IST
