સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો! આ એક મુદ્દે રાજ્ય સરકારને કર્યા કડક આદેશ- High Court orders state government to submit rules for commutation of sentence of prisoners in jail following Supreme Court order | ગાંધીનગર


Last Updated:

સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશને અનુસરી ગુજરાત હાઈકોર્ટે રાજ્યની જેલોમાં કેદીઓની સજા માફી અને વહેલી મુક્તિ અંગે રાજ્ય સરકારને તમામ નીતિઓ અને કાર્યવાહીનો વિગતવાર અહેવાલ 12 ફેબ્રુઆરી સુધી રજૂ કરવા કડક આદેશ આપ્યો છે. હાઈકોર્ટે પારદર્શક અને ન્યાયસંગત અમલની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

News18
News18

ગાંધીનગર: રાજ્યની વિવિધ જેલોમાં સજા ભોગવી રહેલા કેદીઓની સજા માફી અને સમય પહેલાં મુક્તિ અંગે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશોને અનુસરીને હાઈકોર્ટે રાજ્ય સરકારને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે કેદીઓની સજા માફી અને વહેલી મુક્તિ સંબંધિત નિયમો, નીતિઓ અને તેની અમલવારી અંગે વિગતવાર માહિતી અદાલતમાં રજૂ કરવામાં આવે.

ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, રાજ્યમાં સજા માફીની નીતિ કેવી રીતે અમલમાં મૂકાઈ રહી છે. તેની દેખરેખ અને નિરીક્ષણ કરવું હવે અદાલતની જવાબદારી બની છે. સુપ્રીમ કોર્ટ દ્વારા દેશભરની હાઈકોર્ટોને આ બાબતે સક્રિય ભૂમિકા ભજવવાની સૂચના આપવામાં આવી હતી, જેના અનુસંધાને ગુજરાત હાઈકોર્ટે સ્વપ્રેરિત કાર્યવાહી (સુઓમોટો) શરૂ કરી છે. અદાલતનું માનવું છે કે સજા માફીની નીતિઓ પારદર્શક, ન્યાયસંગત અને પાત્ર કેદીઓ સુધી પહોંચે તે અત્યંત જરૂરી છે.

હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે સજા માફી અને સમય પહેલાં મુક્તિ માટે અમલમાં રહેલી તમામ નીતિઓની નકલ તેમજ અત્યાર સુધી આ નીતિઓના આધારે કરવામાં આવેલી કાર્યવાહીનો સંપૂર્ણ અહેવાલ 12 ફેબ્રુઆરી સુધીમાં રજૂ કરવામાં આવે. આ અહેવાલના આધારે અદાલત નક્કી કરશે કે રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું યોગ્ય રીતે પાલન થઈ રહ્યું છે કે નહીં.

ખાસ આ સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, સુપ્રીમ કોર્ટના કેટલાક આદેશોમાં ગુજરાત રાજ્યનો વિશિષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને સરકાર દ્વારા નિયમિત રીતે માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવી રહ્યું છે. જોકે, હાઈકોર્ટે આ દલીલ સ્વીકારવાની બદલે સ્પષ્ટ કર્યું હતું કે પાલન થઈ રહ્યું છે કે નહીં તેની ચકાસણી કરવી અદાલતની ફરજ છે. કોર્ટે એમિકસ ક્યુરી દ્વારા તૈયાર કરવામાં આવેલા અહેવાલને પણ રેકોર્ડ પર લેવા આદેશ આપ્યો છે, જેથી સમગ્ર પ્રક્રિયાની નિષ્પક્ષ સમીક્ષા થઈ શકે.

ઉલ્લેખનીય છે કે ગંભીર ગુનાઓમાં દોષિત કેદીઓની સજા માફી અને વહેલી મુક્તિનો મુદ્દો અનેક વખત વિવાદનું કારણ બનતો રહ્યો છે. સુપ્રીમ કોર્ટ પણ આ બાબતે ચિંતિત છે કે સજા માફીની પ્રક્રિયા માત્ર વહીવટી કે રાજકીય નિર્ણય પૂરતી સીમિત ન રહે, પરંતુ તેમાં ન્યાયિક સિદ્ધાંતો, પારદર્શક માપદંડો અને કાયદાનું કડક પાલન થાય. કેદીના વર્તન, ભોગવેલી સજાનો સમયગાળો, ગુનાની ગંભીરતા અને સમાજ પર પડતા પ્રભાવ જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જ સજા માફીનો નિર્ણય લેવો જોઈએ, એવું સુપ્રીમ કોર્ટનું સ્પષ્ટ વલણ છે.

હાલ ગુજરાત હાઈકોર્ટના આ કડક અભિગમ બાદ રાજ્ય સરકાર અને જેલ પ્રશાસન પર સજા માફીની નીતિને વધુ સ્પષ્ટ, જવાબદાર અને ન્યાયસંગત બનાવવા દબાણ વધ્યું છે. જેથી આગામી સમયમાં થનારી આ અંગેની કોર્ટની સુનાવણીમાં સરકાર દ્વારા રજૂ કરાયેલા અહેવાલના આધારે અદાલત વધુ દિશાનિર્દેશ આપે તેવી શક્યતા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *