સુરતની યુવતીએ ફુલમાંથી હોળીની કલર બનાવ્યો – A girl from Surat made Holi colors from flowers | સુરત
Last Updated:
હોળી અને ધુળેટી રંગોનો આનંદમય તહેવાર છે, પરંતુ કેમિકલયુક્ત રંગોથી થતી ત્વચા અને પર્યાવરણને હાનિ અંગે લોકો હવે વધુ જાગૃત બન્યા છે. આ જાગૃતિ વચ્ચે સુરતની યુવતી મૈત્રી જરીવાલાએ એક અનોખી અને સરાહનીય પહેલ કરી છે. શહેરના મંદિરોમાં રોજ નીકળતા ફૂલોના કચરાનો ઉપયોગ કરીને તેઓ સંપૂર્ણ કુદરતી અને ઓર્ગેનિક હોળીના રંગો બનાવી રહ્યા છે, જે ત્વચા તેમજ પર્યાવરણ બંને માટે સુરક્ષિત છે.
સુરતઃ હોળી અને ધુળેટી રંગોનો આનંદમય તહેવાર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં લોકો કેમિકલ આધારિત રંગોથી દૂર રહી ઓર્ગેનિક અને હર્બલ રંગોને પ્રાધાન્ય આપવા લાગ્યા છે. ત્વચા અને પર્યાવરણ પ્રત્યે વધતી જાગૃતિ વચ્ચે સુરતની યુવતી મૈત્રી જરીવાલાએ એક સરાહનીય પહેલ કરી છે. તેમણે શહેરના મંદિરોમાં દરરોજ નીકળતા ફૂલોના કચરાને ઉપયોગમાં લઈને કુદરતી હોળીના રંગો તૈયાર કરવાની શરૂઆત કરી છે.
સુરતમાં અનેક મંદિરોમાં રોજ મોટી માત્રામાં ફૂલ ચઢાવવામાં આવે છે. પૂજા પછી આ ફૂલ મોટાભાગે કચરા તરીકે બહાર નીકળે છે. સામાન્ય રીતે આ ફૂલ ડમ્પિંગ સાઇટ પર મોકલવામાં આવે છે, જ્યાં તે રિસાયકલ થાય છે અથવા નષ્ટ કરવામાં આવે છે. મૈત્રી જરીવાલાએ આ ફૂલોના સદુપયોગનો વિચાર કર્યો અને તેને હર્બલ પ્રોડક્ટમાં પરિવર્તિત કરવાની દિશામાં કાર્ય શરૂ કર્યું હતું.

મંદિરમાંથી એકત્રિત થતા ગુલાબ, ગલગોટા અને તુલસી જેવા ફૂલોમાંથી તેઓ કુદરતી રંગ બનાવે છે. ફૂલોના રસ સાથે કોર્નફ્લોરનો ઉપયોગ કરી ગુલાબી, પીળો અને લીલો જેવા આકર્ષક રંગો તૈયાર થાય છે. સાથે જ લીમડાના પાન, હળદર જેવી અન્ય કુદરતી સામગ્રીનો પણ સમાવેશ કરવામાં આવે છે, જેથી રંગ સંપૂર્ણપણે ઓર્ગેનિક અને ત્વચા માટે સુરક્ષિત રહે. આ કલર ત્વચા પર ડાઘ પાડતો નથી અને કોઈ પ્રકારની ઇરિટેશન પણ થતી નથી. બજારમાં ઘણીવાર ઓર્ગેનિકના નામે ટેલકમ પાવડર મિક્સ કરીને રંગ વેચાતા હોવાના બનાવો સામે આવે છે, પરંતુ મૈત્રી દ્વારા તૈયાર કરાતા રંગ સંપૂર્ણ કુદરતી પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે. રંગ સિવાય તેઓ આ ફૂલોમાંથી અગરબત્તી, સાબુ અને અન્ય સૌંદર્યવર્ધક ઉત્પાદનો પણ બનાવે છે. એન્જિનિયરિંગ અભ્યાસ દરમિયાન કરેલા રિસર્ચ પ્રોજેક્ટમાંથી તેમને આ વિચાર મળ્યો હતો, જેને આજે તેઓ સફળ વ્યવસાય રૂપે આગળ વધારી રહ્યા છે.
આ અંગે મૈત્રી જરીવાલાએ જણાવ્યું હતું કે, હું મંદિરના ફૂલ રિસાયકલ કરવાનું કામ કરું છું. મંદિરોમાં ચઢાવેલા બિનઉપયોગી ફૂલ એકત્ર કરી તેમાંથી ઓર્ગેનિક પ્રોડક્ટ બનાવું છું. છેલ્લા 5 વર્ષથી હોળી ધૂળેટીને લઈને આ વેસ્ટમાંથી ઓર્ગેનિક કલર બનાવીએ છીએ. ગુલાબ, ગલગોટા, તુલસીમાંથી ગુલાબી, યલો, ગ્રીન કલર બનાવીએ છીએ. એના સિવાય અગરબત્તી, સાબુ પણ બનાવીએ છીએ. મારા એન્જિનિયરિંગના પ્રોજેક્ટમાં રિસર્ચ કર્યું હતું. આ ઓર્ગેનિક કલર તમારી સ્કિન અને પર્યાવરણ બંને માટે સેફ છે. તમારા સ્કિન પર કલરનો ડાઘો ન રહેશે કે ઇરિટેશન પણ થશે નહીં.