હવામાં ઉછળી 4 કરોડની ફરારી, VIDEO:ડિવાઇડર કૂદીને સામેની લેનમાં પડી, હૈદરાબાદના રૂંવાડા ઉભા કરી દે તેવા CCTV




હૈદરાબાદના જુબલી હિલ્સ વિસ્તારમાં રૂંવાડા ઉભા કરી દે તેવો માર્ગ અકસ્માત થયો છે, જ્યાં એક પૂરઝડપે આવતી ફરારી કાર બેકાબૂ થઈને ડિવાઈડર તોડીને બીજી લેનમાં આવી ગઈ. ફરારીએ સામેથી આવી રહેલી કારને છૂંદી નાખી. આ ખતરનાક અકસ્માતનો સીસીટીવી વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. ફરારીના ડ્રાઈવરનો દાવો છે કે બ્રેક ફેલ થવાને કારણે આ અકસ્માત થયો હતો. અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત ટૉલીવુડના પ્રખ્યાત અભિનેતા અને ટીડીપી ધારાસભ્ય બાલકૃષ્ણના ઘર પાસેના વ્યસ્ત વિસ્તારમાં થયો હતો. જુઓ અકસ્માતની તસવીરો હવામાં ઉછળીને બીજી તરફ પડી કાર
સામે આવેલા ત્રણ મિનિટના સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું, પરંતુ ત્યારે જ એક લાલ ફરારી પૂરઝડપે આવે છે. પળવારમાં જ કારે પોતાનું નિયંત્રણ ગુમાવી દીધું, સીધી ડિવાઈડરની ઉપરથી ઉછળી અને વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી એક ગ્રે રંગની કારમાં જોરદાર ટક્કર મારી દીધી. ગાડીઓનો કચ્ચરઘાણ, ત્રણ લોકો હોસ્પિટલમાં દાખલ
આ ટક્કર એટલી ભયાનક હતી કે સામેથી આવી રહેલી કારનો આગળનો ભાગ પૂરેપૂરો ચકનાચૂર થઈ ગયો. આ અકસ્માતની અડફેટમાં ગાડીની બરાબર પાછળ આવી રહેલી એક અન્ય કાર અને એક ટુ-વ્હીલર પણ આવી ગયું, જેના કારણે બાઈક સવાર હવામાં ઉછળ્યો. અકસ્માત બાદ તરત જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા. આ ભયાનક અકસ્માતમાં ત્રણ લોકોને ઈજા થઈ છે, જેમને તરત જ નજીકની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. પોલીસને કહ્યું- બ્રેક ફેલ થઈ ગઈ હતી
ફૂટેજમાં અકસ્માતના થોડી જ સેકન્ડો બાદ ફરારીમાંથી સફેદ શર્ટ પહેરેલી એક વ્યક્તિને બહાર નીકળતી જોઈ શકાય છે, જે પોતાની ભૂલ સ્વીકારતા હાથ ઊંચો કરી માફી માંગવાના ઈશારા કરતો જોવા મળે છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ 4 કરોડની ગાડીનું રજીસ્ટ્રેશન ઈ. વેંકટ રાજા રેડ્ડીના નામે છે. અકસ્માત સમયે ક્રાંતિ રેડ્ડી નામનો વ્યક્તિ તેને ચલાવી રહ્યો હતો. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે અકસ્માત સમયે ક્રાંતિ રેડ્ડી નશામાં ન હતો. પૂછપરછમાં તેણે દાવો કર્યો કે અચાનક બ્રેક ફેલ થઈ ગઈ હતી અને સ્ટીયરિંગ પણ લોક થઈ ગયું હતું, જેના કારણે તે કારને કંટ્રોલ કરી શક્યો ન હતો. પોલીસે ઘાયલોની ફરિયાદના આધારે ગુનો નોંધી લીધો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *