15 વર્ષની મહામહેનતે CAની પરિક્ષા પાસ કરેલા 42 વર્ષીય આધેડનું હૃદયઘાતથી અચાનક મોત- 42-year-old man suddenly died by heart attack who passed CA exam after 15 years of hard work in Surat | સુરત
Last Updated:
સુરતના પાલ વિસ્તારમાં 42 વર્ષીય CA નીરવ જરીવાલાનું 15 વર્ષની મહેનત બાદ CA પરીક્ષા પાસ કર્યા પછી અચાનક હૃદયઘાતથી અવસાન થયું છે. ત્યારે આ દુ:ખદ ઘટનાથી પરિવાર અને સમગ્ર વિસ્તાર શોકમાં છે.
સુરત: શહેરના પાલ વિસ્તારની એક સોસાયટીમાં રહેતા 42 વર્ષીય CA નીરવ જરીવાલાનું અચાનક છાતીમાં દુખાવો થતા મોત નિપજ્યું હોવાની એક દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ તેઓ છેલ્લા 15 વર્ષથી CA (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) માટેની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા અને તાજેતરમાં જ તેઓએ આ પરિક્ષા પાસ કરી હતી, ત્યારે તેમના આકસ્મિત મોતની આ ઘટનાએ સમગ્ર વિસ્તારને શોકમાં મુકી દીધો છે.
ઘટનાની વિગતે વાત કરીએ તો, સુરત શહેરના પાલ વિસ્તારમાં નક્ષત્ર એમ્બેસી સોસાયટીમાં 42 વર્ષીય CA નીરવ જરીવાલા ઘરેજ બેઠા હતા તે દરમિયાન અચાનક તેમને છાતીમાં ભારે દુખાવો શરૂ થયો હતો. જે બાદ તેમના તાત્કાલિક પરિવારજનો તેમને સારવાર માટે તાત્કાલિક સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જોકે હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ ફરજ પરના તબીબોએ નીરવ જરીવાલાને મૃત જાહેર કર્યા હતા.
મૃતક નીરવ જરીવાલાએ તાજેતરમાં જ સીએ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ)ની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી હતી. છેલ્લા લગભગ 15 વર્ષથી સતત મહેનત કરી તેઓ આ સફળતા સુધી પહોંચ્યા હતા. જેથી તેમના આ રીતે આકસ્મિક અવસાનથી પરિવારના તમામ સપનાઓ ચકનાચૂર થઈ ગયા છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર નીરવ સંપૂર્ણ સ્વસ્થ હતા અને કોઈ મોટી બીમારીની જાણ અગાઉથી નહોતી. જેથી અચાનક બનેલી આ ઘટનાથી પરિવારજનો, સગા-સંબંધીઓ તેમજ મિત્રવર્તુળમાં ભારે શોકનો માહોલ છવાયો છે.
ઘટનાની જાણ થતા પાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે અને મોતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. જોકે પ્રાથમિક રીતે હૃદયઘાત (હાર્ટ એટેક)થી મોત થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે યુવાન વયે એક પ્રતિભાશાળી સીએનું આ રીતે અચાનક નિધન થવું સમગ્ર સમાજ માટે ચિંતાજનક બાબત બની છે. હાલ તો નીરવ જરીવાલાના અવસાનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને નક્ષત્ર એમ્બેસી સોસાયટી સહિત પાલ વિસ્તાર શોકમાં ડૂબી ગયો છે.
