80થી વધુ વીજપોલ પરથી અચાનક વીજ વાયર ગાયબ! સુરેન્દ્રનગરમાં અજીબોગરીબ ઘટના-Power wires suddenly disappear from more than 80 electricity poles Strange incident in Surendranagar Limbdi Raska village | સુરેન્દ્રનગર
Last Updated:
સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના રાસકા ગામમાં 80થી વધુ વીજપોલ પરથી અજાણ્યા તસ્કરો દ્વારા વીજ વાયર કાપી ચોરી કરવામાં આવી છે. ખેતરોમાં વીજ પુરવઠો બંધ થતાં ખેડૂતોને ચોરીની જાણ થઈ હતી. જે મામલે પોલીસ અને વીજ વિભાગે તપાસ શરૂ કરી છે.
સુરેન્દ્રનગર: લીંબડી તાલુકાના રાસકા ગામની સીમમાં ચોરીની અજીબોગરીબ ઘટના સામે આવી છે, જ્યાં 80થી વધુ વીજપોલ પરથી વાયર કાપીને ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે. ખેતરોમાં વીજ પુરવઠો ન મળતા વીજવાયરની ચોરી અંગે ખેડૂતોને જાણ થઈ હતી. જે બાદ તેઓએ સમગ્ર મામલાની જાણ પોલીસ અને વીજ વિભાગને કરતા આ મામલે હાલ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
વિગતે વાત કરીએ તો, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રાસકા ગામની સીમમાં ખેડૂતો ખેતરમાં સિંચાઈ માટે પહોંચ્યા, ત્યારે વીજ પુરવઠો ન આવતા તેઓએ આ મામલે તપાસ શરૂ કરી હતી. જે બાદ જાણવા મળ્યું હતું કે, વીજપોલ પરથી વીજ વાયર જ ગાયબ છે. બાદમાં તપાસ કરતા સામે આવ્યું કે, 80થી વધુ વીજપોલ પરથી આવી જ રીતે વીજ વાયર ગાયબ છે, જેને કોઈ અજાણ્યા શખ્સો કાપ્યા બાદ ચોરી કરી લઈ ગયા છે.
ખેતીવાડી માટે આપવામાં આવતા વીજ પુરવઠાની લાઇનમાંથી વીજ વાયરની ચોરી કરી તસ્કરો છૂમંતર થઈ ગયા છે, જે વાતની જાણ થતા જ ખેડૂતોએ તાત્કાલિક પોલીસ તથા વીજ તંત્રને જાણ કરી હતી. જે બાદ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
નોંધનીય છે કે, હાલ ઉનાળાનો સમય નજીક આવતો જઈ રહ્યો છે અને કાળઝાળ તાપ અને ગરમી પડી રહી છે, જેથી ખેતી પાકમાં પણ સમયાંતરે સિંચાઈ માટે પાણી મળવું જરૂરી છે, જે આ વીજ પુરવઠો ફરીથી શરૂ થયા બાદ જ થઈ શકે તેમ છે. વીજ પુરવઠો ન મળતા ઊભા પાકને પાણી નહીં મળે અને પરિણામે સુકાવા લાગે તેવી શક્યતા છે, ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક વીજ પુરવઠો શરૂ કરવાની કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ ઉઠાવી છે.
Surendranagar,Gujarat
