ત્વચાની હોળીના તહેવારમાં કાળજી રાખવાની ટિપ્સ – Tips to take care of your skin during Holi festival | રાજકોટ


Last Updated:

રાજકોટમાં હોળી અને ધુળેટીના પર્વને લઈ લોકો ઉત્સાહપૂર્વક તૈયારીઓ કરી રહ્યા છે, પરંતુ રંગોની મસ્તીમાં ત્વચા અને વાળની સુરક્ષા ભૂલવી ભારે પડી શકે છે. રાજકોટના સ્કીન સ્પેશ્યાલિસ્ટ ડૉ. ચેતન લાલસેતાએ જણાવ્યું હતું કે, કેમિકલવાળા પાકા રંગો ત્વચા અને આંખ માટે ગંભીર નુકસાનકારક સાબિત થઈ શકે છે. યોગ્ય સાવચેતી, હર્બલ રંગોનો ઉપયોગ અને હોળી પહેલાં તથા પછી યોગ્ય સ્કિન કેર અપનાવવાથી અનેક સમસ્યાઓથી બચી શકાય છે.

+

ત્વચાની

ત્વચાની હોળીના તહેવારમાં કાળજી રાખવાની ટિપ્સ

રાજકોટ: રંગોનો તહેવાર હોળી આનંદ, ઉત્સાહ અને એકતા લઈને આવે છે. ખાસ કરીને ધુળેટીના દિવસે લોકો એકબીજાને રંગ લગાવી ઉજવણી કરે છે. પરંતુ આ આનંદ વચ્ચે ત્વચાની સંભાળ રાખવી એટલી જ જરૂરી છે. રાજકોટના સ્કીન સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર ચેતન લાલસેતા જણાવે છે કે હોળી રમતી વખતે થોડી કાળજી રાખવામાં આવે તો અનેક ત્વચા સંબંધિત સમસ્યાઓથી બચી શકાય છે.

ડો. ચેતન લાલસેતાએ જણાવ્યું હતું કે, આજકાલ પાકા રંગોનું ચલણ થોડું ઓછું થયું છે, છતાં પણ ઘણા લોકો જાણી જોઈને કેમિકલવાળા પાકા રંગોનો ઉપયોગ કરે છે. આવા રંગોમાં રહેલા કેમિકલ તત્વો ત્વચા માટે ખૂબ હાનિકારક સાબિત થઈ શકે છે. તેથી શક્ય હોય તેટલું અબીલ ગુલાલ અથવા હર્બલ રંગોથી જ હોળી રમવી જોઈએ. કુદરતી રંગો ત્વચા પર ઓછું નુકસાન પહોંચાડે છે અને સરળતાથી સાફ પણ થઈ જાય છે. જો પાકા રંગોથી ધુળેટી રમવામાં આવે તો ત્વચા લાલ થઈ જવી, ખંજવાળ આવવી, દાદ કે ફોડલી થવી જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે. કેટલીકવાર તો ત્વચા પર સોજો પણ આવી શકે છે. ખાસ કરીને સંવેદનશીલ ત્વચાવાળા લોકોમાં એલર્જીક રિએક્શનની શક્યતા વધુ હોય છે. રંગો આંખમાં જાય તો આંખમાં ખંજવાળ, દુખાવો અથવા ઇન્ફેક્શન પણ થઈ શકે છે. મોંમાં રંગ જાય તો પણ આરોગ્ય પર અસર થઈ શકે છે.

વાળ માટે પણ પાકા રંગો નુકસાનકારક સાબિત થાય છે. જો રંગ લાંબા સમય સુધી વાળમાં રહી જાય તો વાળ શુષ્ક, નબળા અને તૂટવા લાગે છે. કેટલીકવાર સ્કાલ્પ પર ખંજવાળ કે ચામડી ઊખડવાની સમસ્યા પણ થાય છે. તેથી હોળી રમ્યા બાદ તરત જ સોફ્ટ શેમ્પૂથી વાળ ધોઈ લેવા જોઈએ. ડોક્ટરની સલાહ મુજબ ધુળેટી રમવા જતાં પહેલાં ત્વચા પર મોસ્ચ્યુરાઇઝર અને સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ. મોસ્ચ્યુરાઇઝર ત્વચા પર એક પ્રોટેક્ટિવ લેયર બનાવે છે જેથી રંગો સીધા અંદરની ત્વચા સુધી પહોંચી શકતા નથી. સાથે સાથે નાળિયેર તેલ અથવા બદામ તેલનો હળવા લેયર પણ લગાવી શકાય છે. આથી રંગો સરળતાથી દૂર થઈ જાય છે. શક્ય હોય તો ફુલ સ્લીવ કપડાં પહેરવા અને ચહેરાને સુરક્ષિત રાખવો પણ ઉત્તમ ઉપાય છે.

 આ પણ વાંચો: અહીં મળે છે હોટલ જેવું ફર્નિચર, તે પણ અડધા ભાવમાં, લોકો દૂર દૂરથી આવે છે ખરીદી કરવા

હોળી રમ્યા બાદ ત્વચા પર કોઈપણ પ્રકારનું રિએક્શન દેખાય તો તેને અવગણવું નહીં. જો ત્વચા લાલ થઈ જાય, ઉપસી જાય, પાણીવાળી ફોડલીઓ થાય, સોજો આવે કે સતત ખંજવાળ રહે તો તરત નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી જોઈએ. ઘરે જાતે જ દવા લગાવવાની કે સ્ટેરોઈડ ક્રીમનો ઉપયોગ કરવાની ભૂલ ન કરવી. યોગ્ય સારવારથી ત્વચાને ઝડપથી સ્વસ્થ બનાવી શકાય છે. હોળી આનંદ અને સુરક્ષાની સાથે ઉજવવી એ જ સાચો ઉત્સવ છે. થોડા સાવચેતીભર્યા પગલાં લઈને આપણે રંગોના આ તહેવારને યાદગાર અને નિરોગી બનાવી શકીએ છીએ.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *